fbpx

રાજકોટમાં પાટીલની ગૂગલી, પાટીદાર નેતાને કહ્યું- આવો તો લોકસભા લઈ જઈએ

Spread the love

વર્લ્ડકપ વન-ડેની ભારત-પાકિસ્તાનની મેચ પછી બીજા જ દિવસે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે રાજકોટના એક કાર્યક્રમમમાં ગૂગલી ફેંકીને રાજકારણ ગરમાવી દીધું હતું. રાજકોટના જાણીતા કડવા પાટીદાર ઉદ્યોગપતિના જન્મ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પાટીલે કહ્યું કે તેમના માટે એવી ચર્ચા ચાલે છે કે તેમને લોકસભામાં લઇ જવાના છે. જો તેઓ આવવા તૈયાર થતા હોય તો તેમને લોકસભામાં લઇ જઇએ. લોકસભાની ચૂંટણી 2024મા છે અને પાટીલનું આ નિવેદન ઘણું સૂચક છે. પાટીલ જે પાટીદાર ઉદ્યોગપતિની વાત કરી રહ્યા હતા તેઓ દ્રારકા મંદિરના ટ્રસ્ટી છે અને બાન લેબ્સના માલિક છે. તેમના પુત્રના ભવ્યાતિભવ્ય લગ્ન સમારંભ માટે પણ આ પાટીદાર ઉદ્યોગકાર ચર્ચામાં રહ્યા હતા.

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર સમાજના અગ્રણી, દ્રારકા મંદિરના ટ્રસ્ટી મૌલેશભાઇ ઉકાણીનો રવિવારે જન્મ દિવસ હતો તે નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર રહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખે હળવી શૈલીમાં કહ્યુ હતું કે એવી ચર્ચા છે કે મૌલેશભાઇ ઉકાણીને લોકસભામાં લઇ જવાના છે, જો તેઓ તૈયાર હોય તો લોકસભામાં લઇ જઇએ.

પાટીલના આ નિવેદનને ઉપસ્થિત લોકોએ તાળીથી વધાવી લીધું હતું. જો કે, કાર્યક્રમ પત્યા પછી કડવા પાટીદાર ઉદ્યોગકાર મૌલેશભાઇએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, સી. આર. પાટીલની લાગણી શિરોમાન્ય છે, પરંતુ મારા રસ્તો ગાંધીનગર કે દિલ્હીનો છે જ નહીં, મારો રસ્તો તો દ્રારકાનો છે. મારી એવી વિનંતી છે કે લોકો મને આર્શીવાદ આપે કે હું દ્રારકાધીશના ચરણોમાં પહોંચી શકું. તેમણે સ્પષ્ટ કહ્યુ કે મારો રાજકારણમાં નહીં જવાનો નિર્ણય અંતિમ છે અને તેમાં કોઇ બદલાવ થવાનો નથી.

પત્રકારોએ મૌલિકભાઇને સવાલ કર્યો હતો કે સમાજ કહેશે તો રાજકારણમાં આવશો? તો ઉકાણીએ કહ્યું હતું કે, સમાજ મને સારી રીતે જાણે છે, હું રાજકારણમાં જવાનો નથી. ઉકાણીની વાત પછી હવે રાજકારણમાં જવાની તેમની ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઇ ગયું છે.

જો કે રાજકોટના રાજકારણમાં સી આર પાટીલના નિવેદન પછી મોહન કુંડારીયાના નામની ચર્ચા શરૂ થઇ છે.

સી આર પાટીલે જે મૌલેશભાઇ ઉકાણીના નામનો ઉલ્લેખ કર્યો હતો તેઓ તેમની સેસા ઓઇલ કંપની વેચીને 1200 કરોડ રૂપિયા કમાયા હતા. તેમના પિતાએ માત્ર 16,000ના રોકાણથી શરૂ કરેલી બાન લેબ્સને મૌલેશભાઇએ ઉંચાઇએ પહોંચાડી છે. આજે તેમની કંપનીનું કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. તેઓ 40 જેટલી સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલા છે.

error: Content is protected !!
%d bloggers like this: