fbpx

BJP ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન, તેમની બેઠક પર ગઈકાલે જ મતદાન થયું હતું

Spread the love

ભારતીય જનતા પાર્ટીના મુરાદાબાદ લોકસભા સીટના ઉમેદવાર કુંવર સર્વેશ સિંહનું નિધન થયું છે. તેમણે 71 વર્ષની વયે આજે સાંજે 6:30 વાગ્યે દિલ્હી એમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે કુંવર સર્વેશને BJPમાંથી ટિકિટ મળી, ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ કેન્સરથી પીડિત હતા. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ આ સીટ પર શુક્રવારે 19 એપ્રિલે મતદાન થયું હતું. PM મોદીએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને કહ્યું કે, ‘તેમનું નિધન પાર્ટી માટે ન પુરાય એવી ખોટ છે.’

મુરાદાબાદમાં લગભગ 60 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2019માં આ જ સીટ પર 65.39 ટકા મતદાન થયું હતું. સર્વેશ સિંહ સામે SP તરફથી રુચિ વીરા મેદાનમાં છે. વ્યવસાયે વેપારી કુંવર સર્વેશ કુમાર ઉત્તર પ્રદેશના શક્તિશાળી નેતાઓમાંના એક ગણાતા હતા. વર્ષ 2014માં સર્વેશ સિંહ મુરાદાબાદથી સાંસદ બન્યા હતા. સાંસદ બનતા પહેલા તેઓ ઠાકુરદ્વારા વિધાનસભા બેઠક પરથી 4 વખત ધારાસભ્ય ચૂંટાયા હતા. સર્વેશ કુમાર 2014માં કાંઠ વિધાનસભા ક્ષેત્રમાં લાઉડસ્પીકર વિવાદ દરમિયાન પણ ચર્ચામાં હતા.

PM મોદીએ તેમના એક્સ પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘મુરાદાબાદ લોકસભા સીટના BJPના ઉમેદવાર અને પૂર્વ સાંસદ કુંવર સર્વેશ સિંહજીના અકાળે અવસાનથી અત્યંત દુઃખી છું. તેઓ તેમના અંતિમ ક્ષણ સુધી જનસેવા અને સમાજસેવા માટે સમર્પિત રહ્યા. તેમનું જવું પાર્ટી માટે એક ન પુરાય તેવી ખોટ છે. હું ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરું છું કે, તેમના પરિવારને આ ઊંડો આઘાત સહન કરવાની શક્તિ આપે.’

કુંવર સર્વેશ સિંહનો જન્મ 22 ડિસેમ્બર 1951ના રોજ થયો હતો. સર્વેશ સિંહે પહેલીવાર 1991માં BJPની ટિકિટ પર ઠાકુરદ્વારા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી હતી. આ પછી તેઓ સતત ચાર વખત ચૂંટણી જીતીને વિધાનસભા પહોંચ્યા હતા. 1991 પછી સર્વેશ સિંહે 1993, 1996 અને 2002માં સતત ચૂંટણી જીતી હતી. જોકે, 2007માં તેમને BSPના ઉમેદવાર પાસેથી હારનો સામનો કરવો પડ્યો હતો. BJP નેતા સર્વેશ સિંહના પુત્ર સુશાંત સિંહ, બિજનૌરની બઢાપુર વિધાનસભાના BJPના ધારાસભ્ય છે.

BJPએ સર્વેશ સિંહને મુરાદાબાદ લોકસભા સીટ પરથી ચોથી વખત ઉમેદવાર બનાવ્યા છે. 2009માં તેઓ પૂર્વ ક્રિકેટર અઝહરુદ્દીન સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા, ત્યારપછી 2014માં તેમણે SPની ટિકિટ પર ડૉ.S.T. હસનનો સામનો કર્યો હતો. તેઓ આ ચૂંટણી જીત્યા હતા. આ પછી તેમણે 2019ની લોકસભા ચૂંટણી પણ લડી હતી, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.

મુરાદાબાદ લોકસભા હેઠળ 6 વિધાનસભા મતવિસ્તાર છે. જિલ્લાની 56.77 ટકા વસ્તી સાક્ષર છે. આમાં પુરુષોનો સાક્ષરતા દર 64.83 ટકા અને સ્ત્રીઓનો 47.86 ટકા છે. મુરાદાબાદ લોકસભા સીટ પર સત્તાની ચાવી મુસ્લિમ મતદારોના હાથમાં માનવામાં આવે છે. અહીંની કુલ વસ્તી 52.14 ટકા હિંદુ અને 47.12 ટકા મુસ્લિમ છે. 2014માં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીએ મુરાદાબાદ લોકસભા સીટ પર જીત મેળવી હતી. BJPએ ઉત્તર પ્રદેશમાં 71 બેઠકો જીતી હતી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ક્લીન સ્વીપ કર્યું હતું. કુંવર સર્વેશ કુમારે તેમના હરીફ સમાજવાદી પાર્ટીના ડૉ.S.T. હસનને હરાવ્યા હતા. સર્વેશ કુમાર લગભગ 87 હજાર મતોથી જીત્યા હતા.

error: Content is protected !!