fbpx

BJPએ એવું તે શું અપલોડ કર્યું કે ઈન્સ્ટાગ્રામની 3 વાંધાજનક પોસ્ટ દૂર કરવી પડી?

Spread the love

ચૂંટણી પંચની સૂચના પર છત્તીસગઢ BJPના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ત્રણ ‘વાંધાજનક’ પોસ્ટ ડિલીટ કરવામાં આવી છે. આ ઉપરાંત પાર્ટીને ભવિષ્યમાં આવી પોસ્ટ ન કરવા સામે કડક ચેતવણી પણ આપવામાં આવી છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ ચૂંટણી પંચે આ પોસ્ટને લઈને BJP અને ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાનો સંપર્ક કર્યો હતો, ત્યારપછી 24 મેના રોજ ત્રણ પોસ્ટ હટાવી દેવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી રાની કંગાલેએ કહ્યું કે, તેણે BJPના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ત્રણ વાંધાજનક પોસ્ટ હટાવી દીધી છે અને ભવિષ્યમાં આવી પોસ્ટ અપલોડ ન કરવાની કડક ચેતવણી આપી છે.

પ્રથમ પોસ્ટ 15 મેના રોજ અપલોડ કરવામાં આવી હતી. એનિમેટેડ વિડિયોમાં કથિત રીતે કેપ અને લીલા કપડા પહેરેલો એક વ્યક્તિ એક મહિલાને લૂંટતો દેખાતો હતો. જ્યારે મહિલા મદદ માટે પૂછે છે, ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું એક કેરિકેચર મહિલાનું પર્સ લઈને તે પુરુષને આપી દે છે. વીડિયોને 2,637 લાઈક્સ મળી છે.

બીજી પોસ્ટ 20 મેના રોજ અપલોડ કરવામાં આવી હતી. આ એક ફોટો હતો જેમાં રાહુલ ગાંધીનું કેરિકેચર એક મહિલા પાસેથી મંગળસૂત્ર છીનવીને બીજા પુરુષને આપી રહ્યું છે.

ત્રીજી પોસ્ટ 23 મેના રોજ છત્તીસગઢ BJPના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. એનિમેટેડ વિડિયોમાં રાહુલ ગાંધીને ‘મુસ્લિમ’ લેબલવાળા મોટા ઈંડા અને ‘SC’, ‘ST’ અને ‘OBC’ લેબલવાળા નાના નાના ઈંડા મુકતા દેખાડવામાં આવ્યા હતા. પછી ‘મુસ્લિમ’ ઇંડામાંથી નીકળેલું બાળક મોટું થાય છે અને બીજાને માળામાંથી બહાર ધકેલી દે છે. આ પોસ્ટને 1,040 લાઈક્સ મળી છે. કર્ણાટક BJP એકાઉન્ટ પરથી 7 મેના રોજ પણ આ જ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

BJPનું કહેવું છે કે તે પોસ્ટમાં કંઈ વાંધાજનક નથી અને તેઓ માત્ર કોંગ્રેસના મેનિફેસ્ટોને નિશાન બનાવી રહ્યા છે. છત્તીસગઢ BJPના સોશિયલ મીડિયા સેલના સોમેશ પાંડેએ કહ્યું કે, ‘અમને ચૂંટણી પંચ તરફથી કોઈ નોટિસ મળી નથી પરંતુ અમે તેને હટાવી દીધી છે, કારણ કે અમે ચૂંટણી માર્ગદર્શિકાનું પાલન કરી રહ્યા છીએ. એમાં ધાર્મિક કંઈ નહોતું.’

કોંગ્રેસે માંગણી કરી છે કે આ પોસ્ટ માટે પાર્ટીના હેન્ડલને સસ્પેન્ડ કરીને BJP સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. છત્તીસગઢમાં કોંગ્રેસના કોમ્યુનિકેશન સેલના પ્રભારી સુશીલ આનંદ શુક્લાએ કહ્યું કે, ‘આ એક ખૂબ જ ગંભીર મુદ્દો છે, જ્યાં BJP ભારતની સાંપ્રદાયિક સૌહાર્દને ભંગ કરવા અને કોંગ્રેસ પાર્ટીને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહી છે. તેમણે આચારસંહિતાનો ભંગ કરવાની આદત બનાવી દીધી છે. BJPના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર આવી ડઝનબંધ પોસ્ટ છે. તેમના હેન્ડલને સસ્પેન્ડ કરવું જોઈએ. કાયદેસરની કાર્યવાહી પણ થવી જોઈએ.’

30 એપ્રિલના રોજ, BJPએ તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (@bjp4india) પર એક રીલ પોસ્ટ કરી હતી. વિડીયોમાં, BJPએ કોંગ્રેસ પાર્ટી પર તેના ‘વર્ણન’નો પુનરોચ્ચાર કર્યો હતો, કે કોંગ્રેસ આક્રમણખોરો અને લૂંટારાઓના સમુદાયના લોકોને સશક્તિકરણ કરી રહી છે. ઘણા Instagram વપરાશકર્તાઓએ આ રીલને ‘ખોટી માહિતી’ અને ‘અપ્રિય ભાષણ’ તરીકે રિપોર્ટ કરી હતી. થોડા દિવસો પછી આ વીડિયો BJPના હેન્ડલ પરથી ગાયબ થઈ ગયો. જોકે, એ સ્પષ્ટ નથી થયું કે, BJPએ પોતે જ આ વીડિયો હટાવ્યો છે કે ઈન્સ્ટાગ્રામે ભારે વાંધો ઉઠાવ્યા પછી તેને હટાવી દીધો છે.

કર્ણાટક BJPએ 4 મેના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક એનિમેટેડ વીડિયો પોસ્ટ કર્યો હતો. અનામત વિવાદને લઈને બનેલા આ વીડિયોમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને કર્ણાટકના CM સિદ્ધારમૈયાના કાર્ટૂન બતાવવામાં આવ્યા છે. આ વીડિયોને લઈને કોંગ્રેસ પાર્ટી તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યાર પછી કોંગ્રેસે 5 મેના રોજ ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી. આરોપ છે કે, BJP વીડિયો દ્વારા કર્ણાટકમાં રમખાણો ભડકાવવા માંગે છે.

ત્યાર પછી, ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xને કર્ણાટક BJP દ્વારા કરવામાં આવેલી ‘વાંધાજનક’ પોસ્ટને દૂર કરવાનો નિર્દેશ આપ્યો.

error: Content is protected !!