fbpx

ચોરોએ 50 તોલા સોનુ ચોર્યું, પછી 35 તોલા પરત કર્યું, આ કહાની તમને ચોંકાવી દેશે!

Spread the love

જયપુરથી ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક ચોર પબ્લિક રિલેશન ઓફિસર (PRO)ના ઘરેથી લગભગ 50 લાખ રૂપિયાના દાગીના અને થોડી રોકડની ચોરી કરી ગયો. જો કે, ઘટનાના લગભગ 15 દિવસ પછી, ચોરો 35 લાખ રૂપિયાની કિંમતના ઘરેણાં ઘરની અંદર ફેંકીને ફરાર થઈ ગયા હતા.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ, મામલો જયપુરના ગાંધીનગર વિસ્તારનો છે. જ્યાં ઓફિસર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટના પબ્લિક રિલેશન ઓફિસર ડૉ. અમૃત કૌર 25 ઓક્ટોબરે ઘરની બહાર ગયા હતા. દરમિયાન અધિકારીના ઘરની પાછળના ભાગેથી જાળી કાપીને ચોરોએ આશરે 50 તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. બપોરે જ્યારે અમૃત કૌર પરત ફર્યા ત્યારે તેમને કબાટની અંદર વેરવિખેર હાલતમાં વસ્તુઓ જોવા મળી. સામાનની તપાસ કરતાં 50 તોલા સોનાના દાગીના અને 50 હજાર રૂપિયા ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના અંગે તેમણે ગાંધી નગર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

ત્યારપછી પોલીસે શંકાના આધારે 3 લોકોની અટકાયત કરી હતી. જેમાં એક સફાઈ કામદાર અને એક દંપતીનો સમાવેશ થતો હતો. અમૃત કૌરના જણાવ્યા અનુસાર, 9 નવેમ્બરે પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન તે ત્યાં ગઈ હતી અને તંત્ર-મંત્રના નામે આરોપીઓને ડરાવવા લાગી હતી. તેમણે આરોપીઓને કહ્યું છે કે, તેને તંત્ર-મંત્ર દ્વારા ખબર પડી છે કે, ચોર કોણ છે અને તે તેનો ચહેરો જાણે છે. જેના કારણે અટકાયત કરાયેલા ત્રણેય આરોપીઓ ખૂબ જ ડરી ગયા હતા. જોકે પોલીસે થોડા સમય પછી આરોપીઓને છોડી મુક્યા હતા.

તેના બીજા દિવસે એટલે કે 10મી નવેમ્બરની સવારે અમૃત કૌરને તેના બગીચામાં એક પર્સ મળ્યું. જેમાં 35 તોલા સોનું રાખવામાં આવ્યું હતું. ઘટના અંગે ગાંધીનગરના SHO રાજકુમારે જણાવ્યું હતું કે, 9 નવેમ્બરે સફાઈ કર્મચારી અને તેના પરિચિતની રાત્રે 10 વાગ્યા સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી, રવિવારે સવારે 9 વાગ્યે લૉનમાંથી એક પર્સ મળ્યું, જેમાં લગભગ 35 તોલા સોનાના દાગીના હતા. અમૃત કૌરે આ અંગે જાણ કરતાં ગાંધીનગર પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી હતી. સામાનની તપાસ કરતાં પર્સમાં 2 સોનાની ચેન, 2 મંગળસૂત્ર, 6 સોનાની વીંટી, હીરાનો સેટ, સોનાની બંગડીઓ, ટોપ, નેકલેસ અને ચાંદીની બંગડીઓ મળી આવી હતી. પોલીસે તેઓને જપ્ત કર્યા છે. જો કે, પોલીસના જણાવ્યા અનુસાર સોનાના બે નેકલેસ હજુ પણ ગુમ છે.

અહીં તમને જણાવી દઈએ કે, હવે પોલીસ ફરી એકવાર તે ત્રણ આરોપીઓને બોલાવીને તેમની પૂછપરછ કરશે.

Leave a Reply

error: Content is protected !!