fbpx

બીજી વખત પિતા બન્યો રોહિત, પત્નીએ પુત્રને જન્મ આપ્યો,હવે તે ઓસ્ટ્રેલિયા જઈ શકશે!

Spread the love

ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા બીજી વખત પિતા બન્યો છે. પત્ની રિતિકા સજદેહે પુત્રને જન્મ આપ્યો છે. રોહિત શર્મા પોતાના બાળકનો જન્મ થવાનો હોવાને કારણે ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા ગયો ન હતો, પરંતુ હવે પુત્રના જન્મ થયા પછી તે ઓસ્ટ્રેલિયા જાય તેવી શક્યતા છે. મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ રિતિકાએ શુક્રવારે 15 નવેમ્બરે મુંબઈમાં તેના બીજા બાળકને જન્મ આપ્યો હતો.

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર જશે કે નહીં તે અંગે બોર્ડ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી, કારણ કે તે તેના બાળકના જન્મ થવાની રાહ જોઈ રહ્યો હતો. હવે રોહિત શર્મા પિતા બની ગયો છે, એવામાં હવે શક્યતા છે કે, તે ઓસ્ટ્રેલિયા જવા માટે રવાના થાય, અને આ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચથી જ ભારતની કેપ્ટન્સી સંભાળશે. જો રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા જાય છે તો ભારતની ઓપનિંગની સમસ્યા દૂર થઈ શકે છે, જેને લઈને ટીમ ઈન્ડિયા ચિંતિત દેખાઈ રહી હતી. જોકે, હજુ પણ તે જશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. જો કે, પ્રથમ ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી છે, તેથી રોહિત પાસે સમય છે અને તે ચોક્કસપણે ટીમના હિતમાં નિર્ણય લેશે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર રવાના થતા પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કે, જો રોહિત શર્મા ઉપલબ્ધ નથી રહેતો તો તે સ્થિતિમાં KL રાહુલ અથવા અભિમન્યુ ઈશ્વરન યશસ્વી જયસ્વાલ સાથે ઓપનિંગ કરી શકે છે. જો કે આ બંને બેટ્સમેનો ઓસ્ટ્રેલિયા A સામે સારો દેખાવ કરી શક્યા ન હતા, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા માટે બીજો ઓપનર કોણ હોત તેના પર સવાલો ઉઠી રહ્યા હતા. અહીં તમને જણાવી દઈએ કે, ભારતીય ટીમ પર્થના WACA સ્ટેડિયમમાં મેચ સિમ્યુલેશન હેઠળ રમી રહી છે. તે દરમિયાન KL રાહુલ યશસ્વી જયસ્વાલ સાથે ઇનિંગની શરૂઆત કરવા આવ્યો હતો. તેણે થોડી ઓવર સુધી બેટિંગ કરી, પરંતુ ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણના ઉછળીને આવતા બોલ પર ઈજાગ્રસ્ત થયો હતો. પીચ પર સારવાર કરાવ્યા પછી KL રાહુલ મેદાનની બહાર નીકળી ગયો હતો, પરંતુ તેની ઈજા ગંભીર ન હોવાનું કહેવામાં આવે છે.

Leave a Reply

error: Content is protected !!