

અમરોહામાં મનરેગા યોજનામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. અહીં ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને બનેવીને પણ મનરેગાના મજૂર બનાવવામાં આવ્યા છે. આટલું જ નહીં પરિવારના અન્ય સભ્યોના જોબ કાર્ડ પણ બનાવી દેવામાં આવ્યા હતા. પ્રકરણ સોશિયલ મીડિયામાં પર ચર્ચામાં આવ્યા બાદ, જિલ્લા પ્રશાસનની પ્રાથમિક તપાસમાં આરોપોની પુષ્ટિ થઈ છે. આખા પ્રકરણમાં હવે DMએ મનરેગાના લોકપાલ પાસેથી રિપોર્ટ મગાવ્યો છે. ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો શમીના મોટા ભાઈ મોહમ્મદ હસીબે આ કેસમાં મોહમ્મદ શમીનું નામ ખોટી રીતે સામેલ કરવાનો આરોપ લગાવ્યો છે.
મળતી માહિતી મુજબ, ઝોયા બ્લોક વિસ્તારના પલૌલા ગામમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન સબીના અને બનેવી ગજનબીનો પરિવાર રહે છે. બુધવારે સવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ મુજબ, સબીના અને ગજનબીના મનરેગાના જોબ કાર્ડ બનાવવામાં આવ્યા હતા. તેના આધાર પર તેમને મજૂરીની ચૂકવણી પણ કરવામાં આવતી હતી. પોતે સબીનાના સાસુ ગામના વર્તમાન સરપંચ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપો વચ્ચે બુધવારે જ CDO અશ્વની કુમાર મિશ્રાએ BDO ઝોયા લોકચંદ આનંદને આ મામલાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

તપાસમાં ફરિયાદ સાચી હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ દરમિયાન ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને બનેવી સાથે જ પરિવારના અન્ય 2 સભ્યોના જોબ કાર્ડ બનાવવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો. તેની સાથે જ તપાસમાં સામે આવ્યું છે કે તેમના ખાતામાં 70-70 હજાર રૂપિયાની ચૂકવણી પણ કરવામાં આવી છે. BDO ઝોયાએ આ વાતની પુષ્ટિ કરતા CDO અશ્વની કુમાર મિશ્રાને રિપોર્ટ સોંપ્યો છે. ઉચ્ચ અધિકારી રિપોર્ટની સમીક્ષા કરીને આ મામલે કડક કાર્યવાહી કરવાનો દાવો કરી રહ્યા છે. બીજી તરફ, મોહમ્મદ શમીનું નામ આ પ્રકરણમાં ઉછાળવા પર તેના ભાઈ મોહમ્મદ હસીબે આપત્તિ દર્શાવી છે. તેનું કહેવું છે કે શમીના આ પ્રકરણ સાથે કોઈ લેવાદેવા નથી, એવામાં તેનું નામ બિનજરૂરી રીતે ખેંચવામાં ન આવે.
આ હાઈપ્રોફાઈલ મામલો સામે આવતા જ ઉચ્ચ અધિકારીઓના પણ હોંશ ઉડી ગયા. મોડી રાત સુધી અધિકારીઓ વિકાસ ભવનમાં તેને લઇને રેકોર્ડ ચેક કરતા જોવા મળ્યા હતા. જોકે, કોઇ પણ અધિકારી આ મામલાને લઇને ખુલ્લેઆમ બોલતા બચી રહ્યા હોય તેવું જણાયું હતું. માનવામાં આવી રહ્યું છે કે, આ છેતરપિંડી માટે, સંબંધિત ગ્રામ પંચાયત સચિવ, રોજગાર સેવક, સરપંચ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ સિવાય મનરેગા યોજના હેઠળ મળેલી રકમ ગુનેગારો પાસેથી પાછી માગી શકાય છે.

DM નિધિ ગુપ્તાના જણાવ્યા અનુસાર, ક્રિકેટર મોહમ્મદ શમીની બહેન અને બનેવીનો મનરેગા જોબ કાર્ડ બન્યો હોવાની ફરિયાદ તપાસમાં સાચી નીકળી છે. મનરેગા લોકપાલ પાસેથી સંપૂર્ણ માહિતી માગવામાં આવી છે. ક્યારથી અને ક્યાં સુધી મનરેગાથી ચૂકવણી કરવામાં આવી તેમો વિસ્તૃત રિપોર્ટ મળ્યા બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા ડૉક્ટરો અને એન્જિનિયરો પાસે પણ મનરેગાનો જોબ કાર્ડ છે, સમગ્ર મામલાની તપાસ દરમિયાન રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.