fbpx

RSSના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સ્મારક ટિકિટ અને સિક્કો જાહેર કરશે PM નરેન્દ્ર મોદી

Spread the love
RSSના 100 વર્ષ પૂર્ણ થવાના અવસર પર સ્મારક ટિકિટ અને સિક્કો જાહેર કરશે PM નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શતાબ્દી વર્ષ નિમિત્તે એક સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે. 1924માં વિજયાદશમીના દિવસે સ્થાપિત RSS ગુરુવારે 100 વર્ષ પૂર્ણ કરશે. જાણકારોના મતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સંગઠનના શતાબ્દી વર્ષના સમારોહની પૂર્વસંધ્યાએ RSSના મહાસચિવ દત્તાત્રેય હોસાબલેની હાજરીમાં સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે.

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ RSSની નિઃસ્વાર્થ સેવા અને અનુશાસનની પ્રશંસા કરતા કહ્યું હતું કે તેના સ્વયંસેવકોના દરેક કાર્યમાં ‘રાષ્ટ્ર પ્રથમ’ હંમેશાં સર્વોપરી હોય છે. પોતાના માસિક ‘મન કી બાત’ સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, RSSની સ્થાપના 1925માં વિજયાદશમીના દિવસે કેશવ બલિરામ હેડગેવાર દ્વારા દેશને બૌદ્ધિક ગુલામીમાંથી મુક્ત કરવા માટે કરી હતી અને ત્યારથી તેની યાત્રા જેટલી પ્રેરણાદાયક છે એટલી જ નોંધપાત્ર અને અભૂતપૂર્વ પણ રહી છે.

modi

સ્વયં RSSના પ્રચારક રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હેડગેવારના ઉત્તરાધિકારી એમ.એસ. ગોલવલકરની પ્રશંસા કરતા કહ્યું કે તેમનું કથન ‘આ મારું નથી, રાષ્ટ્રનું છે’ લોકોને સ્વાર્થથી ઉપર ઉઠીને અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણને અપનાવવા માટે પ્રેરણા આપે છે. ગુરુજી ગોલવલકરના આ નિવેદને લાખો સ્વયંસેવકોને ત્યાગ અને સેવાનો માર્ગ બતાવ્યો છે. ત્યાગ, સેવા અને તેમાંથી પ્રાપ્ત અનુશાસનની આ ભાવના જ સંઘની સાચી તાકાત છે. આજે RSS 100 વર્ષથી વધુ સમયથી રાષ્ટ્રની અથાક સેવા કરી રહ્યું છે.’

RSSની શતાબ્દી વર્ષના ઉપલક્ષ્યમાં દેશભરમાં એક લાખથી વધુ ‘હિન્દુ સંમેલનો’ સહિત દેશભરમાં અસંખ્ય કાર્યક્રમોનું આયોજન કરવાની તૈયારીઓ ચાલી રહી છે. RSS પ્રમુખ મોહન ભાગવતે રવિવારે નાગપુરમાં એક કાર્યક્રમને સંબોધતા RSSના ગીતોના સંગ્રહનું વિમોચન કર્યું હતું, જેને તેમણે માતૃભૂમિ પ્રત્યે સમર્પણ ગણાવ્યું. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

modi1

‘સંઘ ગીત’ આલ્બમમાં પ્રખ્યાત ગાયક શંકર મહાદેવન દ્વારા ગવાયેલા 25 ગીતો શામેલ છે, જેમાંથી 10 પર તેમણે કાર્યક્રમ દરમિયાન પ્રસ્તુતિ આપી. ગીતોની ભાવનાની પ્રશંસા કરતા ભાગવતે કહ્યું કે, ‘સંઘ ગીત માતૃભૂમિ પ્રત્યે સમર્પણ અને જીવનની તપસ્યાથી ઉત્પન્ન થાય  છે. આ ગીતો સ્વયંસેવકોના જીવંત અનુભવોમાંથી ઉત્પન્ન થાય છે. આ ગીતો માતૃભૂમિ પ્રત્યેની ભક્તિની ભેટ છે.’

RSS પાસે દરેક ભારતીય ભાષામાં ગીત છે, જેની અંદાજિત કુલ સંખ્યા 25000 થી 30000 વચ્ચે છે. ભાગવત ગુરુવારે નાગપુરમાં સ્થિત RSS મુખ્યાલયમાં તેમનું વાર્ષિક વિજયાદશમી સંબોધન આપશે, જેની સાથે આગામી વિજયાદશમી સુધી દેશભરમાં કાર્યક્રમોની શ્રેણી શરૂ થઈ જશે. ભાગવત એક દેશવ્યાપી ઘરે-ઘરે જનસંપર્ક અભિયાન પણ શરૂ કરશે અને સામાજિક સમરસતા સહિત વિવિધ વિષયો પર તમામ રાજ્યોમાં હજારો સેમિનાર આયોજિત કરવામાં આવશે.

error: Content is protected !!