
પાકિસ્તાન અમેરિકા અને ચીનના જોરે ગમે તેટલી મોટી મોટી વાતો કરી લે, પરંતુ તેને અવારનવાર આંતરરાષ્ટ્રીય અપમાનનો સામનો કરવો પડી રહ્યો છે. આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાનીઓ મધ્ય પૂર્વના શ્રીમંત ઇસ્લામિક દેશોમાં, જેમ કે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) તરફ ભીખ માંગવા માટે ભાગી રહ્યા છે. આ દેશોની ચેતવણી છતાં, પાકિસ્તાન તેના ભિખારીઓને કાબૂમાં લેવામાં નિષ્ફળ ગયું છે. તાજેતરમાં જ, સાઉદી અરેબિયાએ ભીખ માંગવાના આરોપમાં આશરે 56,000 પાકિસ્તાનીઓને દેશનિકાલ કર્યા છે.
સાઉદી અરેબિયા અને UAEએ વારંવાર પાકિસ્તાનને તેના ભિખારીઓ પર લગામ લગાવવા ચેતવણી આપી છે. દબાણ હેઠળ, પાકિસ્તાને હજારો પાકિસ્તાનીઓને નો-ફ્લાય લિસ્ટમાં મૂક્યા છે, જેનો અર્થ છે કે તેઓ હવે દેશ છોડીને જઈ શકશે નહીં. અહેવાલો અનુસાર, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી, ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ સંગઠિત ભીખ માંગતી ગેંગને વિદેશ પ્રવાસ કરતા અટકાવવા માટે 2025માં 66,154 મુસાફરોને વિદેશ ઉડાન ભરતા અટકાવ્યા હતા.

ગયા મહિને જ, UAEએ મોટાભાગના પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું હતું. પાકિસ્તાનીઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોડાવા અને ભીખ માંગવા માટે ગલ્ફ દેશોમાં મુસાફરી કરે છે તેવા અહેવાલો આવ્યા હતા, જેના કારણે UAEએ આ નિર્ણય લીધો હતો.
પાકિસ્તાન દ્વારા હજારો નાગરિકોને એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ECL) અથવા નો-ફ્લાય લિસ્ટમાં મૂક્યા પછી પાકિસ્તાનની રાષ્ટ્રીય સભાની એક સમિતિ દ્વારા આ આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. ગયા વર્ષે, સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને ઉમરાહ વિઝાનો દુરુપયોગ કરીને ભીખ માંગવા માટે પર કડક કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
પાકિસ્તાનમાં ઘણી ગેંગ ઉમરાહ વિઝા પર ભિખારીઓને સાઉદી અરેબિયા અને UAE જેવા દેશોમાં ભીખ માંગવા માટે મોકલે છે. પાકિસ્તાનીઓ પણ ગલ્ફ દેશોમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ જોવા મળ્યા છે. આનાથી પાકિસ્તાની યાત્રાળુઓ, કામદારો અને વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે, સાઉદી અરેબિયા અને UAE જેવા દેશો પાકિસ્તાનીઓને વિઝા આપવામાં અનિચ્છા વ્યક્ત કરી રહ્યા છે.

કરાચી સ્થિત એક સ્થાનિક અખબારએ પાકિસ્તાનના FIAના વડા રિફત મુખ્તારનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે, ‘તાજેતરમાં, સંગઠિત ભીખ માંગવામાં સામેલ 56,000 પાકિસ્તાનીઓને સાઉદી અરેબિયામાંથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા.’
જ્યારે એક અંગ્રેજી અખબારમાં છપાયેલા અહેવાલ અનુસાર, ભિક્ષા માંગતી ગેંગ અને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને વિદેશ જતા અટકાવવા માટે FIAએ આ વર્ષે 66,154 મુસાફરોને વિદેશ જવાથી રોક્યા હતા.
મુખ્તારએ કહ્યું કે, ગેરકાયદેસર સ્થળાંતર અને ભીખ માંગવાના નેટવર્કે વૈશ્વિક સ્તરે પાકિસ્તાનની છબીને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. વર્ષોથી, પાકિસ્તાની ભિખારીઓ તીર્થયાત્રા અને પ્રવાસી વિઝાનો દુરુપયોગ કરીને પશ્ચિમ એશિયાઈ શહેરોની શેરીઓમાં ભીખ માંગતા જોવા મળ્યા છે. આનાથી યજમાન દેશોમાં ચિંતા વધી છે અને કાયદેસર પાકિસ્તાની મુસાફરો માટે કડક વિઝા તપાસ કરવામાં આવી છે.
2024માં, સાઉદી અરેબિયાના ધાર્મિક બાબતોના મંત્રાલયે ચેતવણી આપી હતી કે, જો પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં નહીં આવે, તો તે પાકિસ્તાની ઉમરાહ અને હજ યાત્રાળુઓને અસર કરી શકે છે. સાઉદી અરેબિયાની શેરીઓમાં પાકિસ્તાની ભિખારીઓની હાજરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.

2024માં, ઇસ્લામાબાદના રહેવાસી ઉસ્માનએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘હું હમણાં જ ઉમરાહથી પાછો ફર્યો છું અને મને પાકિસ્તાની હોવા પર શરમ આવે છે. તેઓ (પાકિસ્તાની ભિખારીઓ) બિન દાઉદ સ્ટોર્સની અંદર, ઉમરાહ દરમિયાન અને શેરીઓમાં ભીખ માંગી રહ્યા છે.’
ખાસ વાત તો એ છે કે, આમાંના ઘણા ભિખારીઓ ધંધાકીય રીતે કામ કરે છે. તેઓ વિઝા મેળવ્યા પછી પાકિસ્તાન છોડી દે છે.
પાકિસ્તાનના સ્થાનિક અખબારમાં પ્રકાશિત એક લેખમાં, કાનૂની નિષ્ણાત રફિયા ઝકારિયાએ અગાઉ લખ્યું હતું કે, પાકિસ્તાનીઓ તેમના પોતાના જ દેશવાસીઓને ‘મક્કા’ અને ‘મદીના’ના પવિત્ર સ્થળોની બહાર પડાવ નાખતા, વિદેશી યાત્રાળુઓને પૈસા માટે પરેશાન કરતા જોઈ રહ્યા છે.’ તેમણે આ ભિખારીઓને મુખ્ય ચાલાક તરીકે વર્ણવ્યા હતા, જેઓ લોકોના ભોળપણનો ફાયદો ઉઠાવીને તેમની પાસેથી પૈસા પડાવે છે.

આ સમસ્યા ફક્ત સાઉદી અરેબિયા પૂરતી મર્યાદિત નથી, જે ઇસ્લામના બે સૌથી પવિત્ર સ્થળોનું ઘર છે, મક્કા અને મદીના. પાકિસ્તાની ભિખારીઓ ઘણા પશ્ચિમ એશિયાઈ દેશોમાં દેખાય છે, જેમાં UAE, કુવૈત, અઝરબૈજાન અને બહેરીનનો સમાવેશ થાય છે. 2024માં, ઓવરસીઝ પાકિસ્તાનીઓના સચિવ ઝીશાન ખાનઝાદાએ જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાઈ દેશોમાં અટકાયતમાં લેવામાં આવેલા 90 ટકા ભિખારીઓ પાકિસ્તાનના હતા.
જ્યારે આનાથી વિદેશમાં પાકિસ્તાનીઓની છબી પર અસર પડી છે, ત્યારે દેશમાં નોકરી શોધનારાઓને પણ નુકસાન થયું છે. ભિખારીઓની આ ‘નિકાસ’ માત્ર સાઉદી અરેબિયા જેવા દેશોને જ પરેશાન કરી રહી નથી, પરંતુ કાયદાનું પાલન કરતા પાકિસ્તાનીઓને પણ પ્રતિકૂળ અસર કરી રહી છે. તેઓને હવે કડક વિઝા તપાસ અને વિઝા રિજેકશનનો સામનો કરવો પડી રહ્યો છે.
