fbpx

સમાજ બહાર કરાયેલા ગબ્બર-અર્જૂનના સમર્થનમાં વિક્રમ ઠાકોર, બોલ્યો- ‘બંધારણ ઘડનારને જ નથી ખબર DJ શું છે’

Spread the love

સમાજ બહાર કરાયેલા ગબ્બર-અર્જૂનના સમર્થનમાં વિક્રમ ઠાકોર, બોલ્યો- ‘બંધારણ ઘડનારને જ નથી ખબર DJ શું છે'

ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ઠાકોર સમાજે 16 મુદ્દાનું સામાજિક બંધારણ બનાવ્યું હતું, જેમાં એક મુદ્દો હતો કે લગ્ન પ્રસંગે કોઇએ જાનમાં DJ વગાડવું નહીં. થોડા દિવસ અગાઉ ડીસાના કલાકાર બંધુ અર્જૂન અને ગબ્બર ઠાકોરે DJના બંધારણનું ઉલ્લઘન કર્યું હોવાનું બહાર આવતા ઠાકોર સમાજે એક વર્ષ માટે સમાજ બહાર કર્યા છે.

હવે વિક્રમ ઠાકોર અર્જૂન અને ગબ્બરના સમર્થનમાં અને DJના વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય કલાકારોના સમર્થનમાં ઉતર્યો છે. વિક્રમ ઠાકોરે સમાજનું બંધારણ બનાવનાર ઠાકોર સમાજના આગેવાનોની DJની સમજ પર સવાલ ઉઠાવ્યા છે. તેણે કહ્યું છે કે, ‘જો DJ વગાડવાનું બંધ કરાવશો તો અનેક કલાકારો બેરોજગાર થઈ જશે. અમારી બાજુ તો DJ બંધ નહીં જ થાય. DJ બંધ કરાવવાનો નિર્ણય છે. જો કોઈ બંધ કરાવવા આવે તો મને ફોન કરજો. DJથી દારૂ પીવાય અને ઝઘડા થાય એ વાત ખોટી છે.’

Vikram-Thakor2

વિક્રમ ઠાકોરે કહ્યું કે, DJ બંધ કરવાથી સમાજમાં સુધારો આવશે એ વાત એકદમ ખોટી છે. લોકોએ વીઘા વેચીને DJ ખરીદ્યા છે. DJ ન વગાડવાના બંધારણથી ઘણા કલાકારો બેરોજગાર થઇ રહ્યા છે. એમને સમાજના આગેવાનો નોકરી આપે. તેણે કહ્યું કે, ગબ્બર ઠાકોરે DJ કરતા તેમને સમાજ બહાર મૂકી દીધા છે. હું DJમાં કદી ગાતો નથી એ બધાને ખબર છે, પરંતુ ગાંધીનગરના સેક્ટર-11માં ઠાકોર સમાજનું સંમેલન હતું, ત્યારે મેં ગેનીબેનને DJ અંગે વિનંતી કરી હતી, તો ગેનીબેન એવું કહેતા હતા કે બંધારણ મેં નથી ઘડ્યું. પરંતુ પહેલાં આગળ તો તમે આવ્યા હતા ને..

સમાજના આગેવાનોની સમજ પર સવાલ ઉઠાવતા વિક્રમ ઠાકોરે જણાવ્યું કે, બનાસકાંઠાના ઠાકોર સમાજના આગેવાનોએ આગળ આવીને બંધારણ કર્યું હશે. બરાબર છે બંધારણ કર્યું, જેમાં ઘણા કુરિવાજો દુર થયા પણ એના લીધે બનાસકાંઠામાં DJના જે કલાકારો હતા એ બીચારા ઘરે બેસી ગયા. જે આગેવાનોએ બંધારણ કર્યું એમને જ ખબર નથી કે DJ એટલે શું?

Vikram-Thakor

વિક્રમ ઠાકોરે વધુમાં કહ્યું કે, આગેવાનું માનવું છે કે DJ વાગશે એટલે બધા નાચશે-કૂદશે અને દારૂ પીશે એટલે ઝઘડા થશે. પરંતુ એવું નથી પીવાવાળા તો ઢોલ વાગશે ત્યારે પણ દારૂ પીશે, ઝઘડો કરવાવાળો તો ઢોલ પર પણ ઝઘડો કરશે. એટલે DJ બંધ થવાની સમાજમાં સુધારો આવશે એ વાત ખોટી છે. બંધારણ કરવાવાળા બધા મોટા માણસો છે એટલે એમને DJની ખબર નથી પડતી. લોકો વીઘા વેચીને DJ લાવ્યા છે, એક DJમાં 15 કલાકારો કામ કરતા હોય છે. આમાં કેટલા બધા કલાકારોની કમાણી બંધ થઇ ગઇ છે, એમને તમે રોજગાર આપો.

વિક્રમ ઠાકોર DJના સમર્થનમાં ઉતરતા ઠાકોર સમાજે જેમને સમાજ બહાર મૂક્યા છે એ અર્જૂન ઠાકોરે જણાવ્યું કે, વિક્રમભાઇ 2-4 વર્ષ પછી ગમે ત્યારે રાજકારણમાં ઉતરશે ત્યારે ગબ્બર ઠાકોર અને અર્જૂન ઠાકોરનો ફૂલ સ્પોર્ટ રહેશે. વિક્રમ ઠાકોર માટે માથું આપવાનું થશે તો પણ અમે અચકાશું નહીં.

Gabbard & Arjun

ઉલ્લેખનીય છે કે 3 ફેબ્રુઆરીએ ગબ્બર અને અર્જુન ઠાકોરે પિતરાઇ ભાઇના લગ્ન પ્રસંગે આ બંને ભાઇઓએ ગામમાં DJ વગાડીને બંધારણ તોડતા 4 ફેબ્રુઆરીએ તેમના જ ગામ ઝાબડિયામાં ઠાકોર સમાજની બેઠક મળી હતી. જેમાં બંને ભાઇઓને એક વર્ષ માટે ઠાકોર સમાજની બહાર કરવામાં આવ્યા હતા અને દોષિતોને સહકાર આપનારને પણ દોષિત ગણવામાં આવશે એવો ઠાકોર સમાજે નિર્ણય લીધો હતો.

error: Content is protected !!