fbpx

અમેરિકાની ટ્રેડ ડીલમાં ભારતનો સંપૂર્ણ નકશો… ટ્રમ્પે PoK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ ગણાવ્યા

Spread the love

અમેરિકાની ટ્રેડ ડીલમાં ભારતનો સંપૂર્ણ નકશો... ટ્રમ્પે PoK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ ગણાવ્યા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાની ટ્રેડ ડીલના ફ્રેમવર્કની જાહેરાત સાથે,બીજી એક ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલા ભારતના નકશાએ પાકિસ્તાનને ચિંતામાં મૂકી દીધું છે અને કૂટનીતિક ગલિયારામાં નવી બહેસ છેડાઈ ગઈ છે.

અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​ઓફિસે ટ્રેડ ડીલની માહિતી જાહેર કરતા ભારતનો જે સત્તાવાર નકશો શેર કર્યો છે, તેમાં સમગ્ર જમ્મુ-કાશ્મીર, પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) અને અક્સાઈ ચીનને ભારતના ભાગ ગણાવવામાં આવ્યા છે. આ એવું પગલું છે, જેને અમેરિકાના અગાઉના વલણથી અલગ માનવમાં આવી રહ્યું છે.

India US Trade Deal

જોકે ભારતના પ્રાદેશિક સાર્વભૌમત્વને ક્યારેય કોઈ બાહ્ય મંજૂરીની જરૂર પડી નથી. ભારત હંમેશાં સ્પષ્ટ કરતું આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેમ છતા અમેરિકા દ્વારા આવો નકશો બહાર પાડવો પાકિસ્તાન માટે એક મજબૂત રાજકીય અને કૂટનીતિક સંદેશ માનવમાં આવે છે.

કેમ મહત્ત્વનો છે આ નકશો?

અત્યાર સુધી, અમેરિકન વિદેશ વિભાગ અથવા અન્ય સત્તાવાર એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા નકશાઓમાં PoKને લઈને સ્પષ્ટ સીમાંકન બતાવવામાં આવતું હતું, જેથી પાકિસ્તાનની આપત્તિઓને સંતુલિત કરી શકાય. જો કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ નવીનતમ નકશામાં પાકિસ્તાનના દાવાઓને પૂરી રીતે નજરઅંદાજ કરવામાં આવ્યા છે.

આ નકશાનો સમય પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ટ્રમ્પના શાસનકાળ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ફરીથી ટ્રેક પર આવી રહ્યા છે, ત્યારે ટ્રેડ ડીલ અંગે લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. આ દરમિયાન, ટ્રમ્પ વહીવટીતંત્રએ ભારત પર 50 ટકા સુધીના ટેરિફ લગાવી દીધા હતા, જે અમેરિકના સહયોગી દેશોમાં સૌથી વધુ છે.

હવે, વચગાળાના ટ્રેડ ડીલ હેઠળ આ ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે, જે એશિયન દેશોમાં સૌથી નીચા દરોમાં સામેલ છે. આનાથી ભારતીય નિકાસકારોને મોટી રાહત મળી છે.

PoK સાથે અક્સાઈ ચીન પણ ભારતનો ભાગ

આ નકશાની સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે તેમાં અક્સાઈ ચીનને ભારતના ભાગ ગણાવવામાં આવ્યો છે. આ એ જ વિસ્તાર છે જેના પર ચીન લાંબા સમયથી દાવો કરી રહ્યું છે અને જેના પર ભારત અને ચીન વચ્ચે તણાવ પણ રહ્યો છે.

ભારતનું વિદેશ મંત્રાલય અગાઉ ઘણી વખત અમેરિકા અને અન્ય વૈશ્વિક એજન્સીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા નકશામાં જમ્મુ-કાશ્મીર અને અરુણાચલ પ્રદેશની ખોટી પ્રસ્તુતિ પર આપત્તિ દર્શાવી ચૂક્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રના આ પગલાને ભારતની આજ જૂની આપત્તિઓને સ્વીકાર કરવા જેવું માનવમાં આવી રહ્યું છે.

India US Trade Deal

અમેરિકાના આ પગલા પર રણનીતિક અને સંરક્ષણ બાબતોના નિષ્ણાતોએ ખૂલીને પ્રતિક્રિયા આપી છે. નિવૃત્ત મેજર ગૌરવ આર્યએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, ‘નકશા માટે અમેરિકાને પૂરા માર્ક્સ. શાનદાર પગલું.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ પાકિસ્તાન, અસીમ મુનીર અને તેમની વોશિંગ્ટન મુલાકાતોને લગતા પ્રચાર પર આ એક મોટો ઝટકો છે.’

છેલ્લા 6 મહિનામાં પાકિસ્તાનની કૂટનીતિ ખૂબ જ આક્રમક રહી છે. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે 3 વખત અમેરિકાની મુલાકાત લીધી અને ટ્રમ્પ સાથે 2 વાર મુલાકાત કરી. જૂનમાં લંચ મીટિંગ ખૂબ ચર્ચામાં રહી કારણ કે તે પહેલી વાર હતું જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ કોઈ નાગરિક નેતૃત્વ વિના પાકિસ્તાની આર્મી ચીફ સાથે મુલાકાત કરી હતી. એક પત્રકારે લખ્યું કે, ‘ટ્રેડ ડીલ પોતાની જગ્યાએ છે, પરંતુ વાસ્તવિક ગેમ ચેન્જર આ નકશો છે, જેમાં PoKને ભારતના ભાગ ગણાવવામાં આવ્યો છે.’

ટ્રેડ ડીલથી ભારતને શું મળ્યું?

આ વચગાળાની ટ્રેડડીલ માર્ચના મધ્ય સુધીમાં હસ્તાક્ષર થવાની ધારણા છે. આ ડીલ ભારતીય નિકાસકારોને મોટી રાહત આપે છે. ભારતે સ્ટીલ, એલ્યુમિનિયમ, તાંબુ, ફાર્માસ્યૂટિકલ્સ, કાર અને ઓટો પાર્ટ્સ જેવા ક્ષેત્રોમાં છૂટછાટો મેળવી છે. જોકે, ભારતે કૃષિ અને ડેરી જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાની રેડ લાઇન યથાવત રાખી છે.

error: Content is protected !!