
રાજસ્થાનના ભીલવાડાના એક પાર્કમાં અનેક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. કારણ સામે આવ્યું તો લોકો વચ્ચે તે ચર્ચાનો વિષય બની ગયું. છોકરાઓ-છોકરીઓ ઝાડની આડમાં બેસતા હતા, એટલે પાર્કના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા. જ્યારે વિસ્તારની મહિલાઓએ વિરોધ કર્યો, ત્યારે કાપવાનું કામ રોકવામાં આવ્યું.
દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, આ ઘટના ભીલવાડાના આર.કે. કોલોનીની, જ્યાં પાર્કની હરિયાળીને લઈને મોટો વિવાદ થયો હતો. અહી શનિવાર 7 ફેબ્રુઆરીના રોજ અચાનક 7-8 (કેટલાક અહેવાલોમાં 20થી વધુ) મોટા-મોટા વૃક્ષો અચાનક કાપી નાખવામાં આવ્યા હતા. આ વૃક્ષો વર્ષો જૂના હતા, ગાઢ છાંયો આપતા હતા અને પક્ષીઓનું ઘર હતા.

કોલોનીની મહિલાઓ આ ઘટનાથી એટલી દુઃખી થઈ ગઈ હતી કે તેઓ આખો દિવસ રડતી હતી. એક મહિલાએ ભાવુક થઈને કહ્યું કે, ‘મેં હાથ જોડીને વિનંતી કરી કે તેમને ન કાપો, પરંતુ માત્ર ઉપરની ડાળીઓ કાપો. પરંતુ તેમણે આખા વૃક્ષને થડમાંથી કાપી નાખ્યું. મારી એક ન સાંભળી.’
