fbpx

એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

Spread the love
એલોવેરા પાવડરના નામે ખેલ, 22 કિલો પ્રતિબંધિત જપ્ત, 3 આરોપીઓની ધરપકડ

ગુજરાત ATSએ વિદેશમાં પ્રતિબંધિત સાયકોટ્રોપિક પદાર્થ એટોમિડેટના 22 કિલોગ્રામનો જથ્થો જપ્ત કર્યો છે. સાથે જ આ મામલે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ યુવકો એનેસ્થેસીયામાં વપરાતા ‘એટોમિડેટ’ નામના કેમિકલને એલોવેરા પાવડર અને અન્ય નામો હેઠળ વિદેશોમાં તસ્કરી કરતા હતા. જેમાં ત્રણેય યુવકોએ મળીને કસ્ટમને ગોથે ચડાવીને 125 કિલો જથ્થો વિદેશમાં એક્સપોર્ટ કર્યો હતો. તેની અંદાજે કિંમત 6 કરોડની આસપાસ થાય છે. 3 કંપની ખોલીને એલોવેરા પાવડરના નામે મોતનો ખેલ ખેલી રહ્યા હતા.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ગુજરાત ATSને બાતમી મળી હતી કે, મુંબઈ એરપોર્ટથી ‘એટોમિડેટ’ પાવડરનો જથ્થો થાઈલેન્ડ મલેશિયા સિંગાપુર સહિતના દેશોમાં ખોટા બિલ અને ખોટા કસ્ટમ ક્લિયરન્સના કાગળો બનાવીને એલોવેરા પાવડર નામથી ખોટું લેબલ લગાવીને એક્સપોર્ટ કરવામાં આવે છે. જેથી ATSએ ગુનો નોંધી નિકુંજ ગઢિયા નામના એક આરોપીની સુરતથી ધરપકડ કરી હતી. ત્યારબાદ તપાસમાં 2 યુવકના નામ સામે આવ્યા હતા. ATSએ સુરતના ચેતન વાવડીયા અને ભૌતિક પદમણીની પણ ધરપકડ કરી હતી.

ગુજરાત ATSના પોલીસ સ્ટેશન ખાતે 7 માર્ચ 2026ના રોજ નોંધાયેલા ફરિયાદ નંબર 03/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 336(2), 336(3), 338, 340(2) અને 350(1) મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપી નિકુંજ ગઢીયા (ઉં.વ 28, રહે. B-302, બ્લુ કેન્ડલ, ભરીમાતા, કતારગામ, સુરત)ની અટકાયત કરવામાં આવી હતી.

81

આરોપીઓએ મુંબઈ એરપોર્ટથી થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપુર સહિતના દેશોમાં ખોટા બિલ અને ખોટા કસ્ટમ્સ ક્લિયરન્સના કાગળો તૈયાર કરીને એલોવેરા પાવડર અને જીનોપોલ-24 પાવડરના નામે મિસલેબલિંગ કરીને આ પદાર્થનો ગેરકાયદેસર એક્સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.

ATS દ્વારા જપ્ત કરવામાં આવેલા મોબાઈલ ફોન્સમાંથી મળેલી વોટ્સએપ ચેટમાં સાબિત થયું છે કે આ નેટવર્ક મલેશિયા અને થાઈલેન્ડના નાર્કો કાર્ટેલ્સ સાથે જોડાયેલું હતું. આરોપીઓ મુંબઈ એરપોર્ટના એર-કાર્ગો મારફતે પ્રતિબંધિત પદાર્થોની હેરાફેરી કરતા હતાં.

નિકુંજ ગઢીયાના CMF by Nothing મોબાઈલમાંથી મળેલી વોટ્સએપ ચેટમાં તારીખ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ ‘TH ETM’ નામથી સેવ થયેલા મલેશિયાના નંબર પર 4 કિલોના બોક્સનો ફોટો મોકલવામાં આવ્યો હતો. આ સાથે ટ્રેકિંગ નંબર 37301788425 પણ શેર કરાયો હતો. આ ચેટમાં ‘Mr. Chua’ નામના વ્યક્તિનો ઉલ્લેખ છે, જે મલેશિયાના નાર્કો કાર્ટેલનો સભ્ય હોવાનું મનાય છે. આ ડેટા પરથી સ્પષ્ટ થાય છે કે આરોપીઓ માત્ર માલ મોકલતા નહોતા, પરંતુ તેની ડિલિવરી સુધી સતત પણ મોનિટરિંગ કરતા હતા.

83

નિકુંજ ગઢીયાની અન્ય એક ચેટમાં જાન્યુઆરી 2026 દરમિયાન કોઈ વિદેશી વ્યક્તિએ પૂછ્યું હતું કે, તમે કસ્ટમ્સ ક્લિયરન્સ માટે કયા નામનો ઉપયોગ કરશો? સામે નિકુંજે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે તે ‘એલોવેરા પાવડર’ નામનો ઉપયોગ કરશે. આરોપીએ એ પણ કબૂલાત કરી હતી કે તે રેગ્યુલરલી એલોવેરા અથવા કાર્બોમર પાવડરના નામે જ આ પ્રતિબંધિત ડ્રગ મોકલે છે. આ રીતે તે એરપોર્ટ પર રહેલી સુરક્ષા એજન્સીઓ અને કસ્ટમ્સના અધિકારીઓની આંખમાં ધૂળ નાખતો હતો.

કતારગામ વિસ્તારના રહેવાસી નિકુંજ હરેશભાઈ ગઢીયાની પૂછપરછમાં જાણવા મળ્યું કે, તેણે ‘DWN બાયોસાયન્સ’ અને ‘ન્યૂટ્રલ ફાર્મા’ જેવી કંપનીઓ બનાવી હતી. ઇન્ડિયા માર્ટ પર રજીસ્ટ્રેશન કરાવી તે મલેશિયાના ગ્રાહકોના સંપર્કમાં આવ્યો હતો. આરોપી એટોમિડેટ પાવડરને એલોવેરા પાવડરના ખોટા લેબલ લગાવી એક્સપોર્ટ કરતો હતો. તેણે સ્વીકાર્યું છે કે અત્યાર સુધીમાં તેણે આશરે 50 કિલો જેટલો એટોમીડેટ પાવડર આ રીતે વિદેશ મોકલ્યો છે, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડોમાં થાય છે.

ચેતન વાવડીયાના મોબાઈલમાંથી મળેલી 8 ફેબ્રઆરી, 2025ની ચેટમાં એક અમેરિકન નંબર (+1 628…) સાથેની વાતચીત મળી છે. જેમાં સામેવાળાએ પૂછ્યું હતું કે, તમે પેકેજ કેવી રીતે મોકલશો?, ચેતને જવાબ આપ્યો હતો કે અમે નામ ચેન્જ કરીને જ મોકલી આપીશું. ચેતન એટોમિડેટને ‘ગીનોપોલ-24’ (Gynopol-24) પાવડર તરીકે ઓળખાવતો હતો. અત્યાર સુધીમાં તેણે પણ 50 કિલો જેટલો પાવડર આ જ રીતે વિદેશી કાર્ટેલ્સને સપ્લાય કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

80

અમરોલીનો ભૌતિક પદમાણી પાસેથી સેમસંગ ગેલેક્સી S25 અલ્ટ્રા જપ્ત કરવામાં આવ્યો છે. તે ‘જાની ફાર્મા’નો માલિક છે. તેની ચેટમાં ‘JTT THAILAND’ નામના કોન્ટેક્ટ સાથે કુરીયર ટ્રેકિંગ નંબરોની આપ-લે થઇ છે. આ ચેટમાં ચોંકાવનારી વિગત એ છે કે થાઈલેન્ડ પોલીસના ઇન્વેસ્ટિગેશન યુનિટે તારીખ 23 ફેબ્રુઆરી, 2026ના રોજ કેટલાક પાર્સલ સીઝ કર્યા હતા, જેની જાણકારી ભૌતિકને વોટ્સએપ દ્વારા મળી ગઈ હતી.

ભૌતિક પદમાણીની વધુ એક ચેટમાં તાઈવાનના એક વ્યક્તિએ તેને ચેતવણી આપી હતી કે, આ પ્રોડક્ટ (એટોમિડેટ) તાઈવાનમાં ઈલીગલ છે, એટલે તેને અલગ રીતે મોકલવું પડશે. ભૌતિકે તરત જ સહમતી દર્શાવી હતી અને વિશ્વાસ અપાવ્યો હતો કે તે અલગ નામથી જ માલ મોકલી આપશે. આ ગુનાહિત માનસિકતા દર્શાવે છે કે આરોપીઓ જાણતા હતા કે તેઓ જે પદાર્થ મોકલી રહ્યા છે તે અન્ય દેશોમાં પ્રતિબંધિત ડ્રગ્સની શ્રેણીમાં આવે છે.

ગુજરાત ATSના અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીઓની વધુ પૂછપરછ અને આંતરરાષ્ટ્રીય નેટવર્કની તપાસ ચાલુ છે. આ કેસમાં વધુ સાક્ષ્યો અને સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાત ATSના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપીઓ આ ડ્રગ્સને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિ કિલો અંદાજે 4-5 હજાર અમેરિકન ડોલરના દરે વેચતા હતા. આ રીતે તેઓ લાખો રૂપિયાનો ગેરકાયદેસર વેપાર કરતા હતા. ATS દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે થાઈલેન્ડ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાં પહોંચેલા આ ડ્રગ્સના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે. જેના કારણે આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કનો મહત્વપૂર્ણ પર્દાફાશ થયો છે.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2025-12-26-at-11.31.10-AM-1024x178.jpeg
error: Content is protected !!