fbpx

સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

Spread the love

સુરતની કોલેજોમાં પ્રોફેસરોને રીઝવવા જૂનો નુસખો- ‘જવાબવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી લખ્યું- ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’

ગત માર્ચમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત  (VNSU સંલગ્ન કોલેજોમાં પરીક્ષાઓ લેવાઈ હતી, જેમાં ગેરરીતિના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જે જોઈને પરીક્ષા વિભાગના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે. ડિજિટલ યુગમાં હવે વિદ્યાર્થીઓ ચોરી કરવા માટે પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરી રહ્યા છે. યુનિવર્સિટીની સ્કોડની તપાસ દરમિયાનમાં પ્લાઝો ડ્રેસ અને કાળા સ્કાફ પર આખેઆખા જવાબો લખી લાવનારી વિદ્યાર્થિનીઓ પણ ઝડપાઈ હતી. આ તમામ કિસ્સાઓમાં શિસ્ત સમિતિ દ્વારા કડક કાર્યવાહીના સંકેત આપવામાં આવ્યા છે. તો બીજી તરફ કેટલાક વિદ્યાર્થીઓ હજુ પણ પાસ થવા માટે ઉત્તરવહીમાં 100 રૂપિયાની નોટ મૂકીને પ્રોફેસરોને રિઝવવાનો જૂનો નુસખો અપનાવી રહ્યા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પરીક્ષા દરમિયાન BA તૃતીય વર્ષના એક વિદ્યાર્થિની ઉત્તરવહી જ્યારે તપાસ માટે આવી ત્યારે તેમાં માત્ર લખાણ જ નહીં, પરંતુ 100 રૂપિયાની કડકડતી નોટ પણ જોવા મળી હતી. આ વિદ્યાર્થીએ માત્ર એક વિષયમાં નહીં, પરંતુ દરેક વિષયની ઉત્તરવહીમાં 100 રૂપિયાની નોટ મૂકી હતી અટેચ કરી હતી. આ સાથે તેણે લાલ પેનથી વિનંતી લખી કે, ‘સર-મેડમ, મને પ્લીઝ પાસ કરી દેજો’. વિદ્યાર્થીએ પરીક્ષાની તૈયારી કરવાને બદલે લાંચ આપીને પાસ થવાનો શોર્ટકટ અપનાવ્યો હતો, જે તેને હવે ભારે પડવાનો છે. યુનિવર્સિટીની કમિટીએ આવા 3 કિસ્સા નોંધ્યા છે, જેમાં ચલણી નોટ મૂકીને ગેરરીતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

VNSGU-Exam3

પરીક્ષામાં ચોરી કરવા માટે વિદ્યાર્થિનીઓએ ફેશનનો પણ સહારો લીધો હતો. એક ચોંકાવનારા કિસ્સામાં એક વિદ્યાર્થિનીએ પોતાના કાળા રંગના સ્કેફ પર જાણે આખી બુક ઉતારી દીધી હોય તેમ નાના અક્ષરે જવાબો લખ્યા હતા. કાળો રંગ હોવાથી તે કોઈની નજરમાં નહીં આવે તેવું તેને લાગ્યું હતું, પરંતુ સ્કોડની ટીમે તેની શંકાસ્પદ હલચલ જોઈને તેને પકડી પાડી હતી. આ ઉપરાંત એક કિસ્સામાં વિદ્યાર્થિની પોતાના પ્લાઝો ડ્રેસ પર આખેઆખા જવાબો લખીને પરીક્ષા ખંડમાં આવી હતી.

ડિજિટલ યુગમાં હવે મેડિકલના વિદ્યાર્થીઓ પણ પાછળ નથી. VNSGUમાં MBBSની પરીક્ષા દરમિયાન 6 વિદ્યાર્થીઓ AI ટૂલ ‘Chat GPT’નો ઉપયોગ કરીને ચોરી કરતા ઝડપાયા હતા. આ વિદ્યાર્થીઓ મોબાઈલ અને બ્લૂટૂથ ગેઝેટ્સ દ્વારા Chat GPTની મદદથી જવાબો લખી રહ્યા હતા. યુનિવર્સિટીએ આ બાબતને ગંભીરતાથી લઈને તમામ 6 વિદ્યાર્થીઓને 10 હજાર રૂપિયાનો રોકડ દંડ ફટકાર્યો હતો. આટલું જ નહીં, તેમની ચાલુ પરીક્ષાઓ પણ રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેનાથી તેમના કરિયર પર મોટું પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. આ પ્રકારની હાઈટેક અને ‘ક્રિએટિવ’ ચોરી જોઈને પ્રોફેસરો પણ દંગ રહી ગયા હતા.

VNSGU-Exam1

યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની સ્કોડ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણમાં કુલ 226 વિદ્યાર્થીઓ શંકાસ્પદ ગેરરીતિ કરતા મળી આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા, જેમાંથી 153 વિદ્યાર્થીઓ રૂબરૂ હાજર રહ્યા હતા, જ્યારે 73 જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. હાજર રહેલા વિદ્યાર્થીઓના નિવેદનો લેવામાં આવ્યા છે અને તેમના દ્વારા કરવામાં આવેલી ગેરરીતિના પુરાવાઓની તપાસ કરવામાં આવી રહી છે. ગેરહાજર રહેલા વિદ્યાર્થીઓ સામે યુનિવર્સિટી હવે એકપક્ષીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે.

પરીક્ષા નિયામક એ. વી. ધડુકએ જણાવ્યું કે, પકડાયેલા તમામ વિદ્યાર્થીઓ સામે દંડ અને પરીક્ષા રદ કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, યુનિવર્સિટીએ માત્ર સજા જ નહીં, પરંતુ સુધારાત્મક અભિગમ પણ અપનાવ્યો છે. ગેરરીતિમાં પકડાયેલા વિદ્યાર્થીઓ પૈકી 14 વિદ્યાર્થીઓને માનસિક તણાવ કે અન્ય સમસ્યા હોવાનું જણાતા, ‘મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન અને સલાહ કેન્દ્ર’ દ્વારા તેમનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ શોર્ટકટ છોડીને મહેનત પર ધ્યાન આપે તે જરૂરી છે, અન્યથા આવા કિસ્સાઓમાં સજાની જોગવાઈ ખૂબ જ કડક છે. નકલ માટે નવી નવી રીતો અપનાવવામાં આવી રહી છે, પરંતુ યુનિવર્સિટી પણ એટલી જ સતર્ક છે. કોઈપણ પ્રકારની ગેરરીતિને સહન કરવામાં આવશે નહીં.’

VNSGU-Exam2

શિક્ષણ ક્ષેત્રમાં વધતી હાઈટેક નકલની ઘટનાઓ ચિંતાજનક છે. વિદ્યાર્થીઓએ ટૂંકા રસ્તા અપનાવવા કરતા યોગ્ય મહેનત અને ઈમાનદારીથી અભ્યાસ કરવાની જરૂર છે, નહીં તો આવા પગલાં તેમના ભવિષ્ય માટે ગંભીર અસરકારક સાબિત થઈ શકે છે. જોકે ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યુનિવર્સિટી તંત્ર દ્વારા કડક માર્ગદર્શિકા અમલમાં મૂકવાની તૈયારી પણ દર્શાવવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!