fbpx

મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ…

Spread the love

મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી ભાજપના હારી જનારા ઉમેદવારોએ કેટલીક જગ્યાએ થાંભલા ઉખેડી નાંખ્યા, કોઇ દૂધ ભરવાનું બંધ કરવાની ધમકી આપી તો ક્યાંક પાણી બંધ કરી દેવાનું કહ્યું. આ ઘટનાઓ તો મીડિયામાં પ્રકાશમાં આવી. ઘણી ઘટનાઓ નહીં આવી હશે. અને શક્ય છે આગામી સમયમાં મત ન આપનારાઓની બીજી કોઇ રીતે હેરાનગતિ કરાય. આ બધા વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ પંચાલે એક સંમેલનમાં કહ્યું કે જેમણે મત નથી આપ્યા તેમના ત્યાં પહેલા જજો. તેમને કોઇ રીતે હેરાન ન કરતા. તેમને સમજાવજો કે આ વખતે કદાચ અમે તમને સમજાવી શક્યા નથી. 

જગદીશભાઇની ભાવના સરસ છે. તેઓ પીઢ રાજનેતા છે. તેઓ લોકોને સમજે છે. પરંતુ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ પેઢી બદલવાનું અભિયાન શરૂ કર્યું છે. પાર્ટીમાં યુવાનોને પ્રાથમિકતા આપવાની નીતિ અપનાવી છે. આ રણનીતિ વચ્ચે જે યુવાનોને પાર્ટીમાં લવાય છે કે જેમને ઉમેદવાર બનાવીને સત્તામાં બેસડાય છે તેમને તાલીમ આપવી જરૂરી છે. માત્ર ટકોર કરવાની કામ નહીં ચાલે. જો માત્ર ઉપદેશ આપવાથી સુધારો આવતો હોત તો દુનિયાભરમાં જુદા જુદા ધર્મોએ આખી દુનિયાને સ્વર્ગ બનાવી દીધી હોત. પરંતુ તેમ થયું નથી. હાલમાં ભારતીય જનતા પાર્ટીમાંથી જે લોકો પણ જીતીને આવ્યા છે તેમણે ક્યારેય વિપક્ષનો અનુભવ લીધો નથી. તેમણે માત્ર સત્તા જ જોઇ છે. તેમણે સત્તાની તાકાત જોઇ છે. સત્તાથી શું કરી શકાય છે તે જોયું છે. ઘણા લોકોને થોડા જ સમયમાં સમૃદ્ધિમાં આળોટતા જોયા છે. જો કે બીજી બાજુ તેમણે વિરોધ નથી જોયો. તેમણે વિપક્ષી પાર્ટીઓ સાથે કેવી રીતે વર્તવું તે નથી શીખ્યું. તેમણે લોકો સાથે કઇ રીતે વર્તવું તે નથી શીખ્યું. તેમની પાસે અધિકારીઓ પાસે કામ કઇ રીતે લેવું તેની આવડતા નથી. તેમના મનમાં તો કદાચ એવું જ છે કે અમે રાજા છીએ અને પ્રજાએ અમે જેમ કહીએ તેમ કરવાનું છે. જો તે ન કરે તો ડરાવી, ધમકાવીને પણ કરાવવાનું છે. આ સ્થિતિ સારી નથી. તેમને તાલીમ આપવાની જરૂર છે. 

jagdish-panchal

એક બીજી સમસ્યા પણ છે. આ સમસ્યા અંગે ઘણીવાર ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ પણ જાહેરમાં ફરિયાદો કરી ચૂક્યા છે. આ સમસ્યા છે અધિકારી રાજ. પાર્ટીના કાર્યકરો પાસે કદાચ એ સમજ નથી કે અધિકારીઓ પાસેથી કામ કઇ રીતે કઢાવવું. બીજી બાજુ અધિકારીઓ પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ગણકારતા નથી. બન્ને વચ્ચે એક મોટી ખીણ સર્જાઇ હોય તેમ લાગે છે. તેમની વચ્ચે સંકલન કઇ રીતે થાય તે સરકાર અને પાર્ટી બન્નેએ વિચારવું જરૂરી બની ગયું છે. જો તેમની વચ્ચે સંકલન નહીં હોય તો લોકોના કામો થવામાં મુશ્કેલી થશે જ. ચૂંટણી પહેલા જે લોકોનો રોષ હતો તે તેનો સંકેત હતો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકોના કામ કરાવી શકતા નથી. મોટા સ્તરે તો કામ થઇ જાય છે. રસ્તા બની જાય, ગટર લાઇન લાગી જાય. પરંતુ લોકોની ને જે નાની નાની સમસ્યાઓ હોય છે તેની ઉપર ધ્યાન આપી શકાતું નથી. તેની પાછળનું કારણ અધિકારી રાજ જ છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ફરિયાદ હોય છે કે જો તેઓ અધિકારીની સામે અવાજ ઉઠાવે તો તેમને ઉપરી નેતાઓ દ્વારા ચુપ કરાવી દેવાય છે. એટલે તેઓ સમસમીને બેસી જતા હોય છે. 

Photo-(2)

જગદીશભાઇ હાલ પાર્ટીના પ્રમુખ છે. તેઓ મંત્રી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેમને સરકાર અને પાર્ટી બન્નેનો અનુભવ છે. તેમણે પણ આ સમસ્યાનો સામનો કર્યા જ હશે. તેમણે આ સમસ્યાનો ઉકેલ લાવવાની તાતી જરૂરિયાત છે. રાજનીતિક વિજ્ઞાનનો એક સિદ્ધાંત છે જ્યારે વિપક્ષની હાજરી ન હોય ત્યારે જનતા જ વિપક્ષ બની જાય છે અને સત્તાને બદલી નાંખે છે.

Leave a Reply

error: Content is protected !!