fbpx

પહેલા કરી દોસ્તીની વાત, પછી શી જિનપિંગે તાઇવાન પર ટ્રમ્પને ચેતવણી આપી; US સાથેની મુલાકાતમાં ડ્રેગને કડક વલણ અપનાવ્યું

Spread the love

પહેલા કરી દોસ્તીની વાત, પછી શી જિનપિંગે તાઇવાન પર ટ્રમ્પને ચેતવણી આપી; US સાથેની મુલાકાતમાં ડ્રેગને કડક વલણ અપનાવ્યું

બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે અમેરિકા અને ચીન વચ્ચેની મહત્વપૂર્ણ બેઠકમાં મિત્રતા અને તણાવ બંનેનો પરિચય થયો. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીતની શરૂઆત સહયોગ અને ભાગીદારીની વાતોથી કરી હતી, પરંતુ તાઇવાનનો મુદ્દો આવતાની સાથે જ તેમનું વલણ અત્યંત કડક બની ગયું.

ચીનની સરકારી મીડિયા શિન્હુઆ અનુસાર, શી જિનપિંગે ટ્રમ્પને કહ્યું કે, તાઇવાનનો મુદ્દો ચીન-અમેરિકા સંબંધોમાં સૌથી મહત્વપૂર્ણ અને સંવેદનશીલ મુદ્દો છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી, ‘જો આ મુદ્દાને યોગ્ય રીતે હેન્ડલ કરવામાં આવે તો બંને દેશો વચ્ચેના સંબંધો સ્થિર રહેશે. પરંતુ, જો તેને ખોટી રીતે હેન્ડલ કરવામાં આવશે તો તે બંને દેશો વચ્ચે ટક્કર અથવા તો સંઘર્ષ તરફ દોરી શકે છે.’

Xi-Jinping-Taiwan1

શી જિનપિંગે એમ પણ કહ્યું કે, ‘તાઇવાનની આઝાદી’ અને તાઇવાન સ્ટ્રેટમાં શાંતિ એક સાથે રહી શકતી નથી. ચીને સતત તાઇવાનને પોતાનો પ્રદેશ ગણાવ્યો છે, જ્યારે તાઇવાન પોતાને એક અલગ લોકશાહી સંસ્થા માને છે. અમેરિકા લાંબા સમયથી તાઇવાનને શસ્ત્રો અને રાજકીય સમર્થન પૂરું પાડતું આવ્યું છે, આ પગલાનો ચીન સતત વિરોધ કરતુ આવ્યું છે.

જોકે, કડક ચેતવણી આપતા પહેલા, શી જિનપિંગે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ચીન અને અમેરિકાએ ‘ભાગીદાર બનવું જોઈએ, હરીફ નહીં’ અને વિશ્વમાં સ્થિરતા લાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ. બેઠક દરમિયાન વેપાર અને ટેરિફના મુદ્દાઓ પણ મુખ્ય સ્થાને રહ્યા. શીએ કહ્યું કે ચીન અને અમેરિકા વચ્ચેના આર્થિક સંબંધો ‘જીત-જીત’ છે, જેનો અર્થ બંને દેશો માટે ફાયદાકારક છે. તેમણે ફરી વખત કહ્યું કે, વેપાર યુદ્ધમાં ક્યારેય કોઈ જીતી શકતું નથી.

Xi-Jinping-Taiwan2

રાષ્ટ્રપતિ શી જિનપિંગે જણાવ્યું હતું કે, એક દિવસ પહેલા બંને દેશોની વેપાર ટીમો વચ્ચેની વાતચીત સકારાત્મક હતી અને તેણે વિશ્વને સકારાત્મક સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મતભેદો અને તણાવ બરાબરીના ધોરણે વાતચીત દ્વારા જ ઉકેલી શકાય છે.

હકીકતમાં, છેલ્લા કેટલાક વર્ષોમાં ચીન અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ રહ્યા છે. વેપાર યુદ્ધો, ચિપ ટેકનોલોજી, દક્ષિણ ચીન સાગર અને તાઇવાન જેવા મુદ્દાઓએ બંને દેશોને ઘણી વખત એકબીજાની સામ-સામે લાવ્યા છે. હાલ પૂરતી બંને દેશો વચ્ચે ટેરિફમાંથી કામચલાઉ રાહત મળી છે, પરંતુ તાઇવાન એક મુખ્ય તણાવ બિંદુ બની રહ્યું છે.

Leave a Reply

error: Content is protected !!