fbpx

IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

Spread the love

IPLમાંથી બહાર થયા પછી વૈભવ સૂર્યવંશી રડવા લાગ્યો; સપોર્ટ સ્ટાફે આપી સાંત્વના, જુઓ વીડિયો

કરોડો ફેન્સના દિલ જીતી લેનાર ખેલાડી વૈભવ સૂર્યવંશીની ટીમનો IPL 2026માં સફરનો અંત આવી ગયો છે. શુક્રવારે (29 મે) મુલ્લાંપુરમાં રમાયેલી ક્વોલિફાયર-2માં, રાજસ્થાન રોયલ્સ (RR)ને ગુજરાત ટાઇટન્સ (GT) સામે 7 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો; આ હાર સાથે જ, ટીમનું ફાઇનલમાં પહોંચવાનું સપનું પણ સમાપ્ત થઈ ગયું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે, જ્યાં હવે તેમનો સામનો રવિવારે (31 મે) ડિફેન્ડિંગ ચેમ્પિયન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે થશે.

vaibhav2

હાર બાદ, રાજસ્થાન રોયલ્સના ડગઆઉટમાંથી એક ભાવનાત્મક દૃશ્ય સામે આવ્યું છે. 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી ખૂબ જ નિરાશ થઇને એકલો બેઠેલો જોવા મળ્યો હતો. તેની આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા, જ્યારે ટીમના સપોર્ટ સ્ટાફનો એક સભ્ય તેને સાંત્વના આપતા જોવા મળ્યો હતો. આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ, અને ફેન્સ આ યુવા બેટ્સમેનનું દુ:ખ અનુભવતા નજરે પડ્યા હતા.

જોકે, આ હાર છતા વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર સાબિત કર્યું કે તે ફક્ત ભવિષ્ય નહીં, પરંતુ ભારતીય ક્રિકેટનો વર્તમાન પણ છે. એક મોટી મેચના દબાણમાં પણ, તેણે નિર્ભય અંદાજમાં બેટિંગ કરી અને ગુજરાત ટાઇટન્સના બોલરોને ઘોયા. યુવા બેટ્સમેન સદીથી માત્ર ચાર રન દૂર રહી ગયો, પરંતુ તેની વિસ્ફોટક ઇનિંગે સ્ટેડિયમમાં હાજર દરેક ફેનને રોમાંચિત કરી દીધા.

સમગ્ર IPL 2026 સીઝન દરમિયાન વૈભવ સૂર્યવંશીનું બેટ રનોનો વરસાદ કરી રહ્યું હતું. વિશ્વભરના અનુભવી T20 સ્ટાર્સથી ભરેલી ટૂર્નામેન્ટમાં આ 15 વર્ષીય બેટ્સમેન જે આત્મવિશ્વાસ અને આક્રમકતા સાથે રમ્યો, તેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. પોતાની બીજી IPL સીઝનમાં વૈભવે 48.76ની સરેરાશથી 776 રન ફટકાર્યા અને ટૂર્નામેન્ટનો સૌથી મોટો સુપરસ્ટાર બન્યો. પરંતુ ફક્ત રન જ નહીં; તેનો રમવાનો અંદાજ પણ ચર્ચાનો વિષય રહી. તેણે આખી સીઝન દરમિયાન તેણે 237.30ના વિસ્ફોટક સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી, જે T20 ક્રિકેટમાં એક સપના જેવો આંકડો માનવામાં આવે છે.

vaibhav

સૌથી મોટી વાત એ છે કે, વૈભવ સૂર્યવંશીએ આ સીઝનમાં રેકોર્ડતોડ 72 છગ્ગા ફટકાર્યા, જે IPLના ઇતિહાસમાં કોઈપણ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી વધુ છગ્ગા છે. આ મામલે તેણે ક્રિસ ગેલનો રેકોર્ડ તોડી દીધો; વર્તમાન સીઝનમાં અભિષેક 43 છગ્ગા સાથે બીજા ક્રમે છે, જ્યારે રજત પાટીદાર 41 છગ્ગા સાથે ત્રીજા ક્રમે છે.

વૈભવ સૂર્યવંશીએ આ યાદગાર સીઝનમાં એક સદી ફટકારી હતી અને નર્વસ નાઇન્ટીમાં ત્રણ વખત આઉટ થયો હતો. રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં ન પહોંચી શકી પરંતુ, આ યુવા બેટ્સમેને પોતાના પ્રદર્શન દ્વારા સમગ્ર વિશ્વને બતાવી દીધું કે ભારતીય ક્રિકેટને આગામી દિવસોમાં એક નવો સુપરસ્ટાર મળી ચૂક્યો છે.

Leave a Reply

error: Content is protected !!