
E20 પેટ્રોલ અંગે ભારતમાં ચાલી રહેલી ચર્ચા અને વિરોધ વચ્ચે, ભૂટાને ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા E20 ઇંધણ પૂરું પાડવાની ઓફરને ચૂપચાપ રીતે નકારી કાઢી છે. ભૂટાનના અગ્રણી અખબાર, ‘ધ ભૂટાનીઝ’માં આ અહેવાલ પ્રકાશિત થયો હતો. અહેવાલ મુજબ, ભૂટાને ભારતને કહ્યું છે કે, જ્યાં સુધી ભારતીય બજારમાં સામાન્ય પેટ્રોલ ઉપલબ્ધ હોય ત્યાં સુધી નિયમિત પેટ્રોલનો પુરવઠો ચાલુ રાખવો જોઈએ. આખરે ભૂટાને ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલ સામે આટલો સખત વાંધો કેમ વ્યક્ત કર્યો? ચાલો જાણી લઈએ…
આનું મુખ્ય કારણ ભૂટાનનું જૂનું અને નબળું ઇંધણ સંગ્રહ માળખું છે. દેશના મોટા ભાગના ઇંધણ ટાંકી ભૂગર્ભમાં છે, જેના કારણે તેમાં પાણી જવાની શક્યતા બની રહેલી છે. આનાથી E20 પેટ્રોલ બગડવાનું અને વાહનોને નુકસાન થવાનું જોખમ વધે છે. આ ઉપરાંત, ભૂટાનનો પર્વતીય અને ખડકાળ ભૂપ્રદેશ એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરે છે, જેના કારણે વાહનોને સતત ઉચ્ચ શક્તિ અને વિશ્વસનીય કામગીરી પ્રદાન કરવાની જરૂર પડે છે. અધિકારીઓને ડર છે કે, E20 પેટ્રોલ આ પરિસ્થિતિઓમાં ઇચ્છિત કામગીરી પ્રદાન કરશે નહીં.

ભારતમાં પહેલાથી જ 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ ધરાવતા E20 પેટ્રોલ અંગે વિવાદ ચાલી રહ્યો છે. 2023 પહેલા ઉત્પાદિત પેટ્રોલ વાહનોના માલિકો માઇલેજમાં ઘટાડો, જાળવણી ખર્ચમાં વધારો અને એન્જિન પર વધારાના દબાણની ફરિયાદ કરી રહ્યા છે. જો કે, સરકારનું માનવું છે કે, E20 માઇલેજમાં થોડો ઘટાડો કરે છે, પરંતુ બદલામાં, તે એન્જિનની કામગીરી અને પ્રવેગકમાં સુધારો કરે છે. આપણા દેશની E20 નીતિની સીધી અસર ભૂટાન પર પડે છે, જે તેની જરૂરિયાતનું તમામ ઇંધણ ભારતમાંથી આયાત કરે છે.
ભૂટાન હાલમાં ભારતમાંથી ઉચ્ચ-ગુણવત્તાવાળા નિકાસ-ગ્રેડ પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે, જેની કિંમત ભારતીય પેટ્રોલ પંપ પર વેચાતા ઇંધણ કરતાં વધુ છે. પરંતુ હવે, ભૂટાનના વેપાર વિભાગે IOCL, BPCL અને HPCL જેવી ભારતીય કંપનીઓ દ્વારા E20 સપ્લાય કરવાની ઓફરને સ્પષ્ટપણે નકારી કાઢી છે. ભૂટાનના અધિકારીઓના મતે, જૂની ભૂગર્ભ ટાંકીઓમાં પાણી લીક થવું સામાન્ય છે, જેના કારણે E20 પેટ્રોલ સુરક્ષિત રીતે સંગ્રહિત કરવું મુશ્કેલ બને છે. વૈજ્ઞાનિક રીતે, ઇથેનોલમાં હાઇડ્રોક્સિલ જૂથ હોય છે, જે તેને ખૂબ જ હાઇગ્રોસ્કોપિક બનાવે છે, એટલે કે તે વાતાવરણમાંથી ભેજને સરળતાથી શોષી લે છે.
સામાન્ય પેટ્રોલની તુલનામાં, E20 પાણીના દૂષણનું વધુ જોખમ ઊભું કરે છે. જો આવા બળતણમાં પાણી મળી જાય તો તેને સરળતાથી અલગ કરી શકાતું નથી. આ બળતણની ગુણવત્તાને બગાડે છે અને સ્ટીલ ટાંકીઓ અને પાઇપલાઇનોમાં જલ્દી કાટ લાગી જાય છે. આ લાંબા ગાળે વાહનના એન્જિન અને તેમના પ્રદર્શન પર તેની અસર થઇ શકે છે. ભૂટાનની સરકારે જણાવ્યું હતું કે દેશના ઘણા ભૂગર્ભ સંગ્રહ ટાંકીઓની વર્તમાન સ્થિતિને જોતાં, ગુણવત્તા જાળવવાની દ્રષ્ટિએ ઇથેનોલ-મિશ્રિત બળતણની આયાત અને સંગ્રહ કરવો પડકારજનક હોઈ શકે છે.

આ ઉપરાંત, ભૂટાનના મોટાભાગના બળતણ ડેપો પર્વતીય અને અત્યંત ભેજવાળા વિસ્તારોમાં સ્થિત છે, જેના કારણે ટાંકીઓમાં ભેજ અથવા ઘનીકરણ અટકાવવાનું અત્યંત મુશ્કેલ બને છે. આ કારણોસર, ભૂટાને ભારતીય તેલ કંપનીઓને એ પણ વિનંતી કરી છે કે, જો ભારત પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ વધારવાની અથવા સંપૂર્ણપણે ઇથેનોલ-આધારિત બળતણ તરફ જવાની યોજના ધરાવે છે તો તેઓ અગાઉથી સૂચના આપે. સાથે જ, તેણે લીક-પ્રૂફ બળતણ ટાંકીઓની જોગવાઈની માંગ કરી છે. તાજેતરમાં, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ભારત સરકારે જણાવ્યું હતું કે, E20 નીતિ એક ‘પ્રયોગ’ તરીકે છે અને તેના વાસ્તવિક પરિણામો આવતા વર્ષ સુધીમાં જાણી શકાશે.
જોકે આ નિવેદન પર વિવાદ વધ્યા પછી સરકારે આવું કોઈ પણ પ્રકારનું નિવેદન આપવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ એટર્ની જનરલનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ દરમિયાન, ભારતે E25 પેટ્રોલનું પરીક્ષણ પણ શરૂ કરી દીધું છે, જે 25 ટકા ઇથેનોલ મિશ્રણ ધરાવતું બળતણ છે. અહેવાલ મુજબ, જો ભૂલથી E20 બળતણ ભૂટાન મોકલી આપવામાં આવે છે, તો તે સરળતાથી ઓળખી શકાશે, કારણ કે બળતણ જેવું ભેજના સંપર્ક આવશે તરત જ તે દૂધિયું રંગનું થઈ જશે. ભૂટાનનું ઉદાહરણ દર્શાવે છે કે બળતણમાં બદલાવની નીતિ દરેક દેશ અથવા પ્રદેશ માટે એક સરખી નથી હોતી. ખાસ કરીને પર્વતીય અને મુશ્કેલ ભૌગોલિક વિસ્તારોમાં શુદ્ધ પેટ્રોલ (0 ટકા ઇથેનોલ મિશ્રણ) હજુ પણ વધુ વ્યવહારુ અને સલામત વિકલ્પ માનવામાં આવે છે.