
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય)ના પ્રમુખ પી.પી. મેખીયા અને સભ્ય ડૉ. તીર્થેશભાઈ મહેતાની બેન્ચે ઓનલાઇન બેંકિંગ ફ્રોડને લગતા એક મહત્વપૂર્ણ ચુકાદામાં ફરિયાદી દ્વારા બેંક ઓફ બરોડા સામે દાખલ કરવામાં આવેલી ગ્રાહક ફરિયાદ ફગાવી દીધી છે. કમિશને સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે જ્યારે ગ્રાહક પોતાની જ બેદરકારીથી OTP તથા અન્ય ગોપનીય બેંકિંગ માહિતી અજાણ્યા વ્યક્તિને આપે છે અને તેના પરિણામે ખાતામાંથી રકમ ઉપડી જાય છે, ત્યારે બેંકને જવાબદાર ઠેરવી શકાય નહીં.
ફરિયાદી સામાવાળા બેંક ઓફ બરોડામાં બચત ખાતું હતું. તા. ૦૮-૧૦- ૨૦૨૦ના રોજ ફરિયાદીને અજાણ્યા મોબાઇલ નંબર પરથી મેસેજ તથા ત્યારબાદ ફોન આવ્યો હતો. ફોન કરનારે બેંક સંબંધિત માહિતી અપડેટ કરવાની વાત કરી હતી. ફરિયાદીએ વિશ્વાસમાં આવી જરૂરી વિગતો આપી દીધી હતી. ત્યારબાદ તેના ખાતામાંથી પ્રથમ રૂ.૪૪,૯૭૫/- તથા ત્યારબાદ રૂ.૩૯,૦૦૦/- મળી કુલ રૂ.૮૩,૯૭૫/-ની રકમ ઓનલાઇન ટ્રાન્ઝેકશન દ્વારા ઉપડી ગઈ હતી.

ત્યારબાદ ફરિયાદીએ બેંક તથા પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. તથા, સુરત જિલ્લા ગ્રાહક કમિશન (મુખ્ય) સમક્ષ ફરિયાદ દાખલ કરાવી બેંકની સેવામાં ખામી હોવાનું જણાવી પોતે ગુમાવેલ રકમ (૮૩,૯૭૫/-) વળતર તથા અન્ય રાહત સહિત બેન્ક પાસે અપાવવાની દાદ માંગી હતી.
બેંક ઓફ બરોડા તરફ્ લેખિત જવાબ તેમજ દલીલો રજૂ કરતા એડવોકેટ શ્રેયસ દેસાઈ અને એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈએ જણાવ્યું હતું કે ફરિયાદીએ પોતે જ અજાણ્યા વ્યક્તિને OTP તથા અન્ય ગોપનીય બેકિંગ માહિતી આપી હોવાનું ફરિયાદમાં કબૂલ્યું હતું.
OTP તથા અન્ય માહિતી અજાણી/ત્રાહીત વ્યક્તિને આપી હોવાનું એટલે કે ગ્રાહકની પોતાની બેદરકારીના પરિણામે ત્રાહીત વ્યક્તિએ નાણાં ઉપાડી લીધા હતા જેમાં બેંકની કોર બેંકિંગ સિસ્ટમમાં કોઈ ટેકનિકલ ખામી કે બેન્કની સેવામાં ક્ષતિ નહોતી. RBIની માર્ગદર્શિકા તથા નેશનલ કન્ઝ્યુમર કમિશનના ચુકાદાઓ અનુસાર આવા સંજોગોમાં બેંકને જવાબદાર ઠેરવી શકાય નહીં. આ દલીલો ગ્રાહક કમિશને સ્વીકારી ફરિયાદ ફગાવી દીધી હતી. કમિશને પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે ફરિયાદીએ સ્વેચ્છાએ OTP તથા અન્ય જરૂરી માહિતી અજાણ્યા વ્યક્તિને આપી હતી.
જિલ્લા ગ્રાહક કમિશને ફરિયાદ સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. આ ચુકાદો બેન્કિંગ ગ્રાહકો માટે ચેતવણીરૂપ છે જે ઓનલાઇન બેંકિંગ વ્યવહારોમાં OTP, PIN, CVV, પાસવર્ડ તથા અન્ય ગોપનીય માહિતી કોઈપણ અજાણ્યા વ્યક્તિ સાથે શેર ન કરવાની મહત્વપૂર્ણ ચેતવણી આપે છે.