fbpx

ખેડૂતો વીજ ટાવરના મામલે ફરી એક વખત આર-પારના મૂડમાં, મોરબીમાં 12 જિલ્લાના ખેડૂતોની બેઠક બોલાવાઈ

Spread the love

ખેડૂતો વીજ ટાવરના મામલે ફરી એક વખત આર-પારના મૂડમાં,  મોરબીમાં 12 જિલ્લાના ખેડૂતોની બેઠક બોલાવાઈ

ગુજરાતમાં ખેતરોમાંથી પસાર થતી ખાનગી કંપનીઓની વીજલાઇન અને વીજ પોલના યોગ્ય વળતરની માંગ સાથે ખેડૂતો આરપારના મૂડમાં જોવા મળી રહ્યા છે. મોરબી જિલ્લાના જેતપર ગામેથી વીજ પોલના પૂરતા વળતર મામલે હવે આંદોલન ભાગ-3ના સત્તાવાર મંડાણ કરી દેવામાં આવ્યા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આંદોલન ભાગરૂપે જેતપર ગામની રામવાડી ખાતે મોરબી સહિત સૌરાષ્ટ્રના 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં સરકાર દ્વારા વીજપોલના વળતર માટે બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવશે. આ સિવાય ચર્ચા વિચારણને અંતે વીજપોલ વળતરનું આંદોલન રાજ્યવ્યાપી બનાવવા નીતિ ઘડવામાં આવશે. જેમાં રાજ્યસ્તરની ‘આંદોલન સમિતિ’ની રચના કરવામાં આવશે.

farmers meeting

સમગ્ર ગુજરાતમાં હાલ ખાનગી કંપનીઓ દ્વારા વીજપોલ ઊભા કરવા અને વીજ વાયર પાથરવાની કામગીરી ચાલી રહી છે. ખેતરોમાં ઊભા કરાતા વીજપોલ અને પસાર થતા લાઈનના બદલામાં ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાથી વ્યાપક નારાજગી જોવા મળી રહી છે. આ અગાઉ યોગ્ય વળતરની માંગ સાથે જેતપર ગામે ખેડૂતોએ 19 દિવસ સુધી આમરણાંત ઉપવાસ આંદોલન કર્યું હતું. જોકે, 19મા દિવસે ખેડૂતોની તબિયત લથડતા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પારણા કરાવાયા હતા.

તાજેતરમાં જ સરકારે ખાનગી વીજ કંપનીના વીજપોલ અને વાયરના વળતર અંગે નવી નીતિ જાહેર કરી છે, પરંતુ જેતપરના ખેડૂતોએ આ પરિપત્ર સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને કેવા પ્રકારનું આર્થિક નુકસાન થઈ શકે છે તે અંગે ચર્ચા કરવા માટે રાત્રે 9:00 વાગ્યે 12 જિલ્લાના ખેડૂત આગેવાનોની એક મહત્ત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મોરબી, રાજકોટ, જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ, કચ્છ અને બનાસકાંઠાના ખેડૂત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.

farmers meeting

 આ સાથે જ આગામી વ્યૂહરચનાના ભાગરૂપે બીજી બેઠક યોજાશે. 9 તારીખે રાત્રે 9 વાગ્યે વધુ 12 જિલ્લાના ખેડૂતોની બેઠક યોજાશે. જેમાં સાબરકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વાવ-થરાદ, મહેસાણા, ગાંધીનગર અને નર્મદા જિલ્લાના આગેવાનો ભાગ લેશે. તમામ જિલ્લાના ખેડૂતો સાથે ચર્ચા અને સર્વસંમતિ સાધ્યા બાદ ગુજરાત સ્તરની નવી ‘આંદોલન કમિટી’ની રચના કરવામાં આવશે. આ કમિટી અંતર્ગત ખાનગી વીજ કંપનીઓ પાસેથી પૂરતું વળતર મેળવવા માટે ‘આંદોલન પાર્ટ 3’ ની સત્તાવાર શરૂઆત કરવામાં આવશે.

મોરબીના જેતપર ગામે છેલ્લા 19 દિવસથી ચાલતાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન-પાર્ટ 2ને 7 જુલાઈએ સમેટી લેવાયું હતું, પરંતુ સરકાર અને ખાનગી વીજ કંપનીઓ સામેની લડત હજુ યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા વીજપોલના વળતર અંગે જાહેર કરાયેલા નવા પરિપત્ર સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે, જેને કારણે ખેડૂત આગેવાનોએ હવે આંદોલન પાર્ટ-3 શરૂ કરવાની જાહેરાત કરી છે.

આંદોલનના અગ્રણી નેહુલ અમૃતિયાએ સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કરતા આંકડાકીય માહિતી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વીજપોલના વળતર માટે જે નવી નીતિનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેનાથી દરેક ખેડૂતને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવું પડશે. આ નવા પરિપત્ર મુજબ ખાનગી વીજ કંપનીઓ ખેડૂતોને માત્ર લાખો રૂપિયાનું જ વળતર આપીને સંતોષ માની લેશે, જે ખેડૂતો સાથે અન્યાય છે. હાલ પૂરતો જેતપર ગામના તમામ ખેડૂતો દ્વારા સરકારના આ નવા પરિપત્રનો સદંતર અસ્વીકાર કરવામાં આવ્યો છે.

farmers meeting

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈન તથા વીજ ટાવર ઉભા કરવા બદલ ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં માતબર વધારો કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને લેવામાં આવેલ આ નિર્ણય અનુસાર ખેડૂતોને હાલ મળતા જંત્રીના 200%ના બદલે વળતર તરીકે હવે જમીનના પ્રવર્તમાન બજારભાવના બમણા ભાવ ચૂકવવાનો નિર્ણય લીધો હતો.  હવે રાજ્ય સરકારની આ જાહેરાત બાદ પણ વિરોધના સૂર ઉઠી રહ્યા છે.

આ અગાઉ વીજ ટ્રાન્સમિશનની લાઈનના મુદ્દે ખેડૂતોએ ઉપાડેલા આંદોલનના પગલે રાજ્ય સરકારે જમીનની બજાર કિંમતના 200 ગણા અને રાઇટ ઓફ વે (ROW) કોરિડોરના વળતર પેટે ગ્રામ્ય વિસ્તારમાં ફકત 30 ટકા જ જોગવાઈ કરતા દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજે તેનો વિરોધ કરીને ખેડૂતો સાથે ક્રૂર મજાક ગણાવી હતી.

Leave a Reply

error: Content is protected !!