
દર વર્ષે દુનિયામાં કરોડો લોકો કેન્સરનો ભોગ બની જાય છે. પરંતુ એક સારા સમાચાર પણ છે. World Health Organizationના જણાવ્યા અનુસાર લાઇફસ્ટાઇલમાં યોગ્ય ફેરફાર, વેક્સિન અને સમયસરની સ્ક્રીનિંગ દ્વારા 30થી 50 ટકા કેન્સરના કેસો જરૂર અટકાવી શકાય છે.
આનો અર્થ એ છે કે કેન્સર હંમેશા નસીબની રમત નથી. આપણે કેટલા સતર્ક છીએ તે બાબત આપણા કેન્સરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

ભારતમાં કેન્સરની સ્થિતિ કેટલી ગંભીર છે?
International Agency for Research on Cancerના GLOBOCAN 2022ના આંકડા મુજબ: 2022માં ભારતમાં 14.61 લાખ નવા કેન્સરના કેસ નોંધાયા. 8.08 લાખ લોકોના કેન્સરને કારણે મોત થયા. દર 9માંથી 1 ભારતીયને જીવનકાળમાં ક્યારે ને ક્યારે કેન્સર થવાનું જોખમ છે. વર્ષ 2025 સુધીમાં ભારતમાં દર વર્ષે 15.7 લાખથી વધુ નવા કેસ નોંધાયા હોવાનો અંદાજ મૂકાયો છે. આ આંકડા સ્પષ્ટ રીતે બતાવે છે કે કેન્સર સામેની સૌથી અસરકારક દવા માત્ર સારવાર નહીં, પરંતુ રોકથામ છે.
WHO અનુસાર કેન્સરથી બચવાના 7 અસરકારક ઉપાય
1. તમાકુનો સંપૂર્ણ ત્યાગ
તમાકુ વિશ્વમાં કેન્સરનું સૌથી મોટું કારણ છે. ભારતમાં મોઢા, ગળા અને ફેફસાના મોટા ભાગના કેન્સર માટે ગુટખા, માવો, સુપારી, બીડી અને સિગારેટ જવાબદાર છે.
2. દારૂનું સેવન ટાળો
દારૂનું નિયમિત સેવન મોઢું, ગળું, લિવર, સ્તન અને આંતરડાના કેન્સરનું જોખમ વધારે છે.
3. સ્વસ્થ વજન અને નિયમિત કસરત
રોજ ઓછામાં ઓછા 30 મિનિટ વ્યાયામ અને સ્થૂળતા ટાળવી અનેક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે.
4. સંતુલિત આહાર
વધુ ફળો, લીલા શાકભાજી, આખા અનાજ અને ફાઇબરયુક્ત આહાર લો. પ્રોસેસ્ડ માંસ, વધારે ખાંડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ઓછો કરો.
5. HPV અને હેપેટાઇટિસ-B રસી
HPV રસી ગર્ભાશયના મુખના કેન્સરનું જોખમ ઘટાડે છે, જ્યારે હેપેટાઇટિસ-B રસી લિવર કેન્સર સામે રક્ષણ આપે છે.
6. નિયમિત સ્ક્રીનિંગ
સ્તન કેન્સર માટે મેમોગ્રાફી
સર્વાઇકલ કેન્સર માટે HPV/Pap ટેસ્ટ
મોઢાની તપાસ, ખાસ કરીને તમાકુ વાપરતા લોકોમાં વહેલી ઓળખ સારવારની સફળતા અનેકગણી વધારી દે છે.
7. પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોથી બચો
વાયુ પ્રદૂષણ અને વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ કેટલાક કેન્સરનું જોખમ વધારે છે.

ગુજરાતમાં ખાસ કરીને તમાકુ અને સોપારીના વધતા ઉપયોગને કારણે મોઢા અને ગળાના કેન્સરના કેસો ચિંતાજનક પ્રમાણમાં જોવા મળે છે.
કેન્સર સામેની સૌથી મોટી લડાઈ હોસ્પિટલમાં નહીં, પરંતુ આપણા ઘરમાં શરૂ થાય છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવી, તમાકુથી દૂર રહેવું, જરૂરી રસીઓ લેવી અને સમયસર સ્ક્રીનિંગ કરાવવું—આ ચાર પગલાં લાખો લોકોને કેન્સરથી બચાવી શકે છે.