fbpx

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલો વધુ એક કેસ પાછો ખેંચ્યો, હાર્દિક પટેલ સહિત તમામને રાહત

Spread the love

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલો વધુ એક કેસ પાછો ખેંચ્યો, હાર્દિક પટેલ સહિત તમામને રાહત

પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલા કેસ પર આખરે પૂર્ણવિરામ લાગી ગયું છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વર્ષ 2018ના નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસમાં રાજ્ય સરકારની કેસ પાછો ખેંચવાની અરજી મંજૂર કરતાં હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં હવે ફોજદારી કાર્યવાહી આગળ નહીં વધે. પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસોમાંથી આ એક મહત્ત્વનો કેસ હતો.

19 ઓગસ્ટ, 2018ના રોજ પાટીદાર અનામત અને ખેડૂતોની દેવા માફીની માંગ સાથે પાસના તત્કાલીન કન્વીનર હાર્દિક પટેલે નિકોલના દયાવાન ફાર્મ ખાતે એકદિવસીય પ્રતિક ઉપવાસનું આયોજન કર્યું હતું. જેમાં રેલીને અટકાવવામાં આવતા તેઓ ઉશ્કેરાયા હતા. આરોપીઓએ પોલીસને અપશબ્દો કહીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી. તેમજ શહેર પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કર્યો હતો.

hardik-patel

19 ઓગસ્ટ, 2018 ના રોજ બપોરે આશરે 12 વાગ્યે નિકોલના દયાવાન ફાર્મ ખાતે કેટલાક PAAS કાર્યકરો એકઠા થયા હોવાની પોલીસને બાતમી મળી હતી. તેઓ ત્યાંથી વગર પરવાનગીએ ઉપવાસ સ્થળ તરફ રેલી સ્વરૂપે જવાની તૈયારીમાં હતા. પોલીસે એવો આરોપ મૂક્યો હતો કે આ કાયદો અને વ્યવસ્થા ખોરવવાની ગુનાહિત યોજનાનો ભાગ હતો.પોલીસે આ અનધિકૃત પ્રવૃત્તિ અટકાવવા કાર્યકરો સાથે શાંતિપૂર્ણ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા, પોલીસે આપેલી સૂચનાઓ અનાદર કર્યો હતો અને ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હતા. પુરુષ કાર્યકરોએ અસભ્ય ભાષાનો પ્રયોગ કર્યો હતો અને નિકોલને સળગાવી દેવાની ધમકી આપી હતી. પોલીસને તેમની કાયદેસરની ફરજ બજાવતા રોકવામાં આવતા અને ઘર્ષણ થતાં પોલીસે ન્યૂનતમ બળપ્રયોગ કરીને સ્થળ પરથી ગીતાબેન પટેલ, સંદીપકુમાર પટેલ, કિરણભાઈ પટેલ, ભરતભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, આશિષકુમાર પટેલની ધરપકડ કરવામાં આવી હતી

પોલીસના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા અને પોલીસની પૂર્વ મંજૂરી વિના મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત નિકોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી પોલીસે છ આરોપી સામે ચાર્જશીટ દાખલ કરી હતી.

hardik-patel

સરકારે કેસ પાછો કેમ ખેંચ્યો?

રાજ્ય સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે સમગ્ર ઘટનામાં કોઈ વ્યક્તિને શારીરિક ઈજા પહોંચી નહોતી, કોઈ જાહેર કે ખાનગી મિલકતને નુકસાન થયું નહોતું. સરકારી વકીલે દલીલ કરી હતી કે આવા સંજોગોમાં કેસ આગળ ચલાવવાનો કોઈ વાજબી હેતુ રહેતો નથી. હાર્દિક પટેલ ઉપરાંત કિરણભાઈ બી. પટેલ, ગીતાબેન કે. પટેલ, આશિષકુમાર પી. પટેલ, સંદીપ એમ. પટેલ અને વિપુલભાઈ નરોત્તમભાઈ પટેલને પણ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

જોકે, અગાઉ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ આ કેસમાં હાજર ન રહેતા તેની સામે કોર્ટે ધરપકડ વોરંટ જાહેર કર્યું હતું. આ વોરંટને હાર્દિક પટેલે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં તેને કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહેવાની બાહેંધરી આપતા હાઇકોર્ટે હાર્દિક પટેલ સામેનું ધરપકડ વોરંટ રદ્દ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે, અગાઉ માર્ચ, 2025માં પાટીદાર અનામત આંદોલન સમયે 5 આરોપીઓ સામે અમદાવાદ DCB પોલીસ મથકે નોંધાયેલ કેસમાં સરકારે પરત ખેંચવા અમદાવાદ કોર્ટમાં અરજી કરી હતી. જેને અમદાવાદ સેશન્સ કોર્ટે મંજૂર કરી હતી. DCB પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ પાટીદારોને OBCમાં સમાવવાની શક્યતા નહીંવત હોવા છતા હાર્દિક પટેલ સહિતના આરોપીઓએ પાટીદારોને ઉશ્કેર્યા હતા.

પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક કેસ નોંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા આવા કેસોની તબક્કાવાર સમીક્ષા કરીને અનેક કેસો પરત ખેંચવામાં આવી રહ્યા છે. નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસને પરત ખેંચાતા હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓને વધુ એક કાનૂની રાહત મળી છે. આ નિર્ણય બાદ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, આ મુદ્દે હાર્દિક પટેલ અથવા રાજ્ય સરકાર તરફથી કોઈ વિગતવાર સત્તાવાર નિવેદન જાહેર થયું નથી.

Leave a Reply

error: Content is protected !!