
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં મ્યુનિસિપલ કાઉન્સિલની ઘોર બેદરકારીને કારણે, એક જીવિત યુવાનને કાગળ પર મૃત જાહેર કરવામાં આવ્યો, જેના કારણે તેને મળતું રાશન અને વિવિધ સરકારી યોજનાઓના લાભો અચાનક બંધ થઇ ગયા હતા.
યુવકે જાહેર સુનાવણીમાં જિલ્લા કલેક્ટર અને અન્ય અધિકારીઓ સમક્ષ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. પોતાના જીવતા હોવાનો પુરાવો આપતાં તેણે કહ્યું, ‘જ્યારે મેં મારા પિતાનું મૃત્યુ પ્રમાણપત્ર માંગ્યું ત્યારે વહીવટીતંત્રે મને જ જીવતે જીવ મારી નાખ્યો. કલેક્ટર સાહેબ, મારું રાશન અને પાણી પુરવઠો કાપી નાખવામાં આવ્યો છે.’

આ મામલો શિવપુરી જિલ્લાના રનોદ મ્યુનિસિપલ કાઉન્સિલના વોર્ડ નંબર 14નો છે. ગિલ્ટા આદિવાસીનાં પિતા, જિગના આદિવાસીનું 24 ઓક્ટોબર, 2022ના રોજ અવસાન થયું હતું. 2023માં, ગિલ્ટાએ તેના પિતાના મૃત્યુ પ્રમાણપત્ર માટે રનોદ મ્યુનિસિપલ કાઉન્સિલમાં અરજી કરી હતી. પીડિત, ભણેલો ન હોવાના કારણે, પ્રમાણપત્ર ચકાસી શક્યો ન હતો. ત્યાર પછી, જ્યારે તેમણે તેમના પિતાની જમીન ટ્રાન્સફર કરાવવા માટે પટવારીનો સંપર્ક કર્યો, ત્યારે જાણવા મળ્યું કે મ્યુનિસિપલ કાઉન્સિલે તેમના પિતાના બદલે તેમનું (ગિલ્ટા આદિવાસી) મૃત્યુ પ્રમાણપત્ર આપી દીધું હતું.

આ ગંભીર ડેટા એન્ટ્રી ભૂલને કારણે, પીડિતને બેક-એન્ડ ડેટાબેઝ અને આધાર રેકોર્ડમાં મૃત તરીકે ચિહ્નિત કરવામાં આવ્યું હતું. પરિણામે, તેમનું રેશન કાર્ડ રદ કરવામાં આવ્યું હતું, અને છેલ્લા બે વર્ષથી સરકારી લાભો સ્થગિત થવાને કારણે પરિવારને ભારે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અને તેની સાથે પૂર્વજોની મિલકતનું ટ્રાન્સફર કામ પણ અટકી ગયું હતું.

સ્થાનિક સ્તરે એક વર્ષ આમ તેમ આંટા ફેરા માર્યા છતાં કામ ન થતા પીડિતએ કલેક્ટર કચેરીમાં જઈને ફરિયાદ નોંધાવી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લેતા, શિવપુરી જિલ્લા કલેક્ટર અર્પિત વર્માએ જણાવ્યું હતું કે, પીડિતની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જો ડેટા એન્ટ્રી સ્તરે ભૂલ થઈ હોય, તો તેને તાત્કાલિક સુધારવામાં આવશે અને તમામ લાભો પુનઃસ્થાપિત કરવામાં આવશે.