fbpx

ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ માટે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

Spread the love

ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ માટે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સુચના

ગુજરાતમાં ચોમાસાની ઋતુ પૂરજોશમાં ખીલી ઉઠી છે. રાજ્યમાં એકસાથે 5 હવામાન સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી 7 દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્થાનિક ગુજરાત સમાચાર

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 131 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં તાપી જિલ્લાના ડોલવાણ અને નવસારીના ખેરગામમાં સૌથી વધુ પોણા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકમાં જ 56 તાલુકાઓમાં વરસાદી હાજરી જોવા મળી હતી, જેમાં સુરત જિલ્લાના બારડોલીમાં સૌથી વધુ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.

rain

ચાલુ સિઝનના કુલ વરસાદની સ્થિતિ પર નજર કરીએ તો, સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ સામાન્ય વરસાદ (505.7 મિમી) સામે 506.5 મિમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ગુજરાતમાં સામાન્ય કરતાં 19% વધુ વરસાદ નોંધાયો છે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતા 25% ઓછો વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં એકસાથે 5 હવામાન સિસ્ટમ કાર્યરત છે:

1. બંગાળની ખાડીમાં સર્જાયેલું નવું લો-પ્રેશર એરિયા.
2. શિયર ઝોન.
3. રાજસ્થાનથી સેન્ટ્રલ ગુજરાત તરફ ખસેડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન.
4. સક્રિય દક્ષિણ-પશ્ચિમી પવનો.
5. મોનસૂન ટ્રફ.

આ પાંચેય સિસ્ટમ એકસાથે સક્રિય હોવાના કારણે રાજ્યભરમાં ચોમાસું વધુ વેગવંત બન્યું છે.

આગામી 22 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની પૂરી શક્યતા રહેલી છે. વિશેષ કરીને દક્ષિણ ગુજરાત તેમજ રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા જિલ્લાઓ જેવા કે અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં મેઘગર્જના, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

02

વરસાદી સિસ્ટમના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાક (ઝાટકા સાથે 30 નોટ્સ સુધી) પહોંચવાની શક્યતા છે. આથી સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના તમામ દરિયાકાંઠે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગ અને તંત્ર દ્વારા કડક ચેતવણી આપવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!