
પ્રાંતિજ ના વદરાડ ખાતે ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી
પ્રાંતિજ તાલુકાના વદરાડના ઉમિયાધામ ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ગામે આવેલા ઉમિયાધામ ખાતે ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ૭૭મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ, જળસંચય અને યોગના મહત્વ અંગે ઉપસ્થિતોને પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો
કાર્યક્રમને સંબોધતા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે માનવજીવન અને પ્રકૃતિ એકબીજા સાથે અવિભાજ્ય રીતે જોડાયેલા છે. વૃક્ષોનું વાવેતર કરવાની સાથે તેનું જતન કરવું પણ એટલું જ જરૂરી છે. વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવા ઉપરાંત શુદ્ધ હવા, જળસંચય અને માનવ સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે. સ્વસ્થ જીવન માટે સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ તેમજ નિયમિત યોગ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું

જિલ્લા પંચાયત પ્રમુખ રીનાબેન પટેલે *‘એક વ્યક્તિ એક વૃક્ષ, એક પરિવાર અનેક વૃક્ષ’*નો સંદેશ આપતાં જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર વૃક્ષારોપણ પૂરતો સીમિત ન રહે, પરંતુ વાવેલા દરેક વૃક્ષની માવજત અને જતનની જવાબદારી સૌએ સ્વીકારવી જોઈએ. દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવે અને દરેક પરિવાર અનેક વૃક્ષો વાવી તેનું સંવર્ધન કરે તો સાબરકાંઠા જિલ્લાને વધુ હરિયાળો બનાવી શકાય તેમ તેમણે જણાવ્યું હતું

હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ વરસાદી પાણીના સંચય અને ભૂગર્ભ જળના પુનઃભરણના મહત્વ પર ભાર મૂક્યો હતો. જ્યારે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે વૃક્ષો સાથે પ્રેમ અને પ્રકૃતિ સાથે નાતો કેળવવાની અપીલ કરી હતી. આવનારી પેઢીને સ્વચ્છ હવા, શુદ્ધ પાણી અને સ્વસ્થ જીવન આપવા માટે પર્યાવરણનું જતન કરવું સૌની સામૂહિક જવાબદારી હોવાનું તેમણે જણાવ્યું હતું

વન મહોત્સવના પ્રસંગે પર્યાવરણ સંરક્ષણ, વૃક્ષારોપણ તથા વન અને પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સંસ્થાઓ, કર્મચારીઓ અને ગ્રામ પંચાયતોનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સાથે જ ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

કાર્યક્રમ દરમિયાન યોગના વિવિધ પ્રદર્શનો યોજી યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉમિયાધામના ટ્રસ્ટીઓ દ્વારા સંસ્થા ખાતે ૫,૦૦૦ વૃક્ષોનો ઉછેર કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વરિષ્ઠ વન અધિકારી સી. કે. સોનવણે, નાયબ વન સંરક્ષક ડૉ. ડી.એફ. ગઢવી, નાયબ વન સંરક્ષક પી.જે. ચૌધરી, ઇન્ચાર્જ પ્રાંત અધિકારી મૌલિક ડાંગા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ઉમિયાધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આસપાસની ગ્રામ પંચાયતોના સરપંચો, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા