
મહારાષ્ટ્રના નાસિકમાં રખડતા શ્વાનના વધતા જતા ત્રાસ સામે ચાલી રહેલું વિરોધ પ્રદર્શન ત્યારે એક અલગ જ વળાંક પર પહોંચી ગયું, જ્યારે યુવા સેનાના કાર્યકરો મહાનગરપાલિકાની કચેરીમાં બે રખડતા શ્વાનના બચ્ચાં (ગલુડિયાં) લઈને પહોંચ્યા અને તેમને મુખ્ય અધિકારીના ટેબલ પર જ છોડી દીધા.
આ ઘટનાના નાટકીય દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં શિવ સેનાની યુવા પાંખ ‘યુવા સેના’ના જિલ્લા પ્રમુખ વિક્રમ રાંધવે, નિફાડ સ્થિત નગર પંચાયત કચેરીમાં ચીફ ઓફિસર ધીરજ ભામરેના ટેબલ પર શ્વાનના બચ્ચાંને છોડતા જોવા મળે છે. રખડતા શ્વાનની વારંવારની ફરિયાદો છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા કાર્યકરોએ આ રીતે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.
અધિકારીની ઓફિસમાં લાવતા પહેલા આ ગલુડિયાંને નાની બોરીઓમાં રાખવામાં આવ્યા હતા. ટેબલ પર છોડાતા જ આ બચ્ચાં ગભરાઈ ગયા હતા અને અજાણ્યા વાતાવરણમાં આમતેમ દોડાદોડી કરવા લાગ્યા હતા. વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રાંધવેએ ચીફ ઓફિસર ભામરેના ટેબલ પર ચલણી નોટોનો હાર પણ મૂક્યો હતો.
કાર્યકરોએ આરોપ લગાવ્યો હતો કે રખડતા કૂતરાઓએ અનેક લોકોને કરડી લીધા છે. વહીવટીતંત્રને વારંવાર રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. હાલ ચાલી રહેલા ગણેશોત્સવનો ઉલ્લેખ કરતા રાંધવેએ જણાવ્યું હતું કે, રખડતા શ્વાનના કારણે ગણેશ પંડાલોની મુલાકાતે આવતા ભક્તો અને નાગરિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. 
તેમણે તાત્કાલિક શ્વાનના ખસીકરણ અભિયાન, શ્વાનને પકડવાની યોગ્ય વ્યવસ્થા અને તેમની વસ્તી પર નિયંત્રણ લાવવા માટેના પગલાં ભરવાની માંગ કરી હતી. નાગરિક વહીવટીતંત્રની ટીકા કરતા રાંધવેએ કહ્યું કે, આટલા દિવસોથી મુદ્દો ઉઠાવવા છતાં કોઈ વાસ્તવિક કાર્યવાહી થઈ નથી. વહીવટીતંત્ર નાગરિકોની સમસ્યાઓ ઉકેલવાને બદલે માત્ર ટેન્ડર પ્રક્રિયાઓ પર જ ધ્યાન આપી રહ્યું છે. રાંધવેએ વધુમાં ચેતવણી આપી હતી કે જો વહીવટીતંત્ર પગલાં લેવામાં નિષ્ફળ જશે, તો તેઓ નાગરિકોની હાજરીમાં ફરીથી આ જ રીતે વિરોધ કરશે અને મુખ્ય અધિકારીની ઓફિસમાં રખડતા કૂતરાઓ છોડશે.
નોંધનીય છે કે, ગત મહિને મધ્યપ્રદેશના ખંડવામાં પણ આવો જ એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો, જ્યાં નગર નિગમના ખસીકરણ અભિયાનમાં કથિત ગેરરીતિઓ તરફ ધ્યાન દોરવા માટે એક વ્યક્તિ કૂતરાનું માસ્ક પહેરીને લોકસુનાવણીમાં પહોંચ્યો હતો. ખંડવા નગર નિગમના વિપક્ષી નેતા દીપક મુલ્લુ રાઠોડે શહેરની રખડતા શ્વાનની સમસ્યા તરફ ધ્યાન દોરવા માટે આ પ્રદર્શન કર્યું હતું, જેના પછી અધિકારીઓએ આ આરોપોની તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માટે એક સમિતિ બનાવવાની ખાતરી આપી હતી. 
નાસિકના આ વિરોધ પ્રદર્શને રોજિંદી સિવિક સમસ્યાને એવા સ્વરૂપમાં ફેરવી દીધી જેને નજરઅંદાજ કરવાનું વહીવટીતંત્ર માટે અશક્ય બની ગયું, અને રખડતા શ્વાનનો મુદ્દો અક્ષરશઃ સરકારી ઓફિસની અંદર પહોંચી ગયો.