fbpx

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- લોકોને મતદાનના અધિકારથી વંચિત રાખવા એ મનસ્વી કહેવાય, બાબા સાહેબે પણ ચેતવણી આપી હતી કે…

Spread the love

સુપ્રીમ કોર્ટના જજે કહ્યું- લોકોને મતદાનના અધિકારથી વંચિત રાખવા એ મનસ્વી કહેવાય, બાબા સાહેબે પણ ચેતવણી આપી હતી કે...

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાએ મતદાનના અધિકારને લઇને કહ્યું કે ભારતીય નાગરિકની નાગરિકતા અને તેમનો મતાધિકાર જોડાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે કોઇ ભારતીય નાગરિકને મતદાનના અધિકારથી વંચિત રાખવા એ તેને પોતાના જ દેશમાં ‘દ્વિતીય શ્રેણીના નાગરિક’ બનાવવા જેવું હશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે બંધારણની કલમ 326 સાથે કોઈ પણ રીતે છેડછાડ કરી શકાતી નથી અને બંધારણથી ઉપર કોઈ નથી.

NALSARમાં યોજાયેલી નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધાના સમાપન સમારોહમાં બોલતા જસ્ટિસ ભુઈયાએ કહ્યું હતું કે, ભારતીય નાગરિકના દૃષ્ટિકોણથી જોઈએ તો, મતદાનનો અધિકાર અથવા મતદાર યાદીમાં સામેલ થવાનો અધિકાર અલગ કરી શકાતો નથી. આવું કરવું એ શરીરમાંથી આત્માને અલગ કરવા જેવું છે.

તેમણે જણાવ્યું હતું કે ભારતીય બંધારણ નાગરિકોના બે વર્ગો બનાવતું નથી. એક વર્ગ જેની પાસે મતદાનનો અધિકાર હોય શકે અને બીજો એ નાગરિકોનો, જે તેનાથી વંચિત હોય. એવી કોઈપણ પ્રક્રિયા, જેનાથી મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો મતદાનના અધિકારથી વંચિત રહેતા હોય, તે બંધારણની કલમ 326 અને 14નું ઉલ્લંઘન હશે.

ujjal bhuyan

જસ્ટિસ ભુઈયાએ કહ્યું કે, જો કોઈ પ્રક્રિયા લાખો ભારતીય નાગરિકોને તેમના પોતાના દેશમાં મતદાનના અધિકારથી વંચિત રાખતી હોય અને તેમને દ્વિતીય શ્રેણીના નાગરિક બનાવી દેતી હોય, તો આવી પ્રક્રિયા પોતાની જાતમાં મનસ્વી છે. તેને કોઈ પણ દલીલ દ્વારા યોગ્ય ઠેરવી શકાય નહીં. આ બંધારણના મૂળ પર હુમલો છે અને તેઓ તો અહીં સુધી કહી ગયા કે આ ભારતીય બંધારણ હેઠળ અપનાવવામાં આવેલી બંધારણીય વ્યવસ્થાને નકારવા જેવું છે.

જસ્ટિસ ભુઈયાએ એમ.પી. જૈનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે વિધાયિકા મતદાનના અધિકારને મર્યાદિત કરતી અતાર્કિક અથવા અનુચિત જોગવાઈઓ ન બનાવે. મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણીઓ તથા લોકશાહી, બંધારણની મૂળભૂત વિશેષતાઓ છે. જો આ વાત કાયદા માટે સાચી હોય, તો તે વહીવટી પ્રક્રિયાઓને પણ તેટલી જ, પરંતુ તેનાથી પણ વધુ સાચી છે.

તેમણે કહ્યું કે નાગરિકતા અને મતદાનનો અધિકાર એકબીજા સાથે જોડાયેલા છે અને તેમને અલગ કરી શકાતા નથી. નાગરિક પાસે મતદાનનો અધિકાર છે; તેમાં લિંગ, જાતિ, ધર્મ, સંપત્તિ, શિક્ષણ કે સામાજિક દરજ્જાના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી; માત્ર મર્યાદિત અને વ્યાજબી અપવાદો સિવાય.

ujjal bhuyan

જસ્ટિસ ભુઈયાએ ડૉ. આંબેડકરના સમાપન ભાષણનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકરે ચેતવણી આપી હતી કે મતદાનનો અધિકાર અને ભારતીય નાગરિકોનો પુખ્ત મતાધિકાર બંધારણમાં લખવો જોઇએ, તેને સંસદીય કાયદાના ભરોસે ન છોડવો જોઈએ. જસ્ટિસ ભુઈયાને કહ્યું હતું કે ભારતીય નાગરિકનો મતદાનનો અધિકાર વિદેશી શાસન સામેના ભારતના લાંબા સંઘર્ષ સાથે જોડાયેલો છે; તે અપાર સંઘર્ષ અને બલિદાન બાદ પ્રાપ્ત થયેલી સ્વતંત્રતાની અભિવ્યક્તિ છે.

તેમણે જણાવ્યું હતું કે અનુચ્છેદ 326 સાથે કોઈ પણ રીતે છેડછાડ કરી શકાતી નથી; કોઈ પણ ઓથોરિટી એવી આવું કરી શકતી નથી, કે કોઈ પણ કોર્ટ આવા પગલાંને યોગ્ય ઠેરવી શકતી નથી. બંધારણથી ઉપર કોઈ નથી.

જસ્ટિસ ભુઈયાને ‘નેશનલ મૂટ કોર્ટ સ્પર્ધા’ના સમાપન સમારોહ દરમિયાન NALSARના વિદ્યાર્થીઓની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ દેશ અને વિશ્વ બતાવી દીધું છે કે યુનિવર્સિટીનો વિદ્યાર્થી અને ખાસ કરીને કાયદાના વિદ્યાર્થી કેવા હોવા જોઇએ. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓને પ્રતિભાશાળી, નિર્ભય અને સાહસી છે. આ સાથે જ, ફેકલ્ટી સભ્યોની પ્રશંસા કરતા તેમણે કહ્યું હતું કે તેમણે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવી છે, જે એક યુનિવર્સિટીના શિક્ષક પાસેથી રાખવામાં આવે છે.

Leave a Reply

error: Content is protected !!