
શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો ચાલતી કારના પૈડા અચાનક ઝડપી ગતિએ અલગ થઈ જાય તો શું થાય? તેનો વિચાર આવતા જ તમારા રુંવાટા ઉભા થઇ જાય. જોકે, મલેશિયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચેરી ઓમોડા 5 કારનો આખો પાછળનો એક્સલ એસેમ્બલી જ ચાલતા વાહનથી અલગ થઈને રસ્તા પર પડી ગયો.
આ ઘટનામાં કારનું પાછળનું સસ્પેન્શન, બંને પૈડા અને અન્ય ઘણા મહત્વપૂર્ણ પાર્ટ ચેસિસથી અલગ થઈ ગયા હતા. એ તો સારું થયું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. જોકે, આ ઘટનાએ લગભગ બે વર્ષ પહેલાં શરૂ કરાયેલા એક મોટા સલામતી અભિયાનની યાદ તાજી કરી દીધી છે. એશિયા વન અનુસાર, આ ઘટના 6 ઓક્ટોબરના રોજ જાલન પંડન પર AEON મોલ નજીક બની હતી. ઘટનાસ્થળના ફોટા અને ડેશકેમ ફૂટેજમાં JWL 2862 નંબરની કાળી ઓમોડા 5 કાર દેખાય છે. કાર ટ્રાફિક લેનમાં પાર્ક કરવામાં આવી હતી, જ્યારે તેની પાછળની આખી સસ્પેન્શન એસેમ્બલી તૂટી ને રસ્તા પર પડી હતી.

ફોટામાં ટ્રાંસવર્સ ટોર્સિયન બીમ, પાછળના પાર્ટ્સ, શોક એબ્જોબર્સ, બ્રેક લાઇન અને બંને પાછળના વ્હીલ્સ ચેસિસથી અલગ થયેલા દેખાય છે. કારના પાછળના ભાગને જોતાં, એવું અનુમાન કરી શકાય છે કે સસ્પેન્શન એસેમ્બલીથી અલગ થયા પછી કાર આગળ વધવાની સ્થિતિમાં ન હતી. પાછળના જમણા પેસેન્જર દરવાજા પર પણ ડેન્ટ્સ દેખાય છે. જો કે, હજુ સુધી સ્પષ્ટ નથી કે આ ડેન્ટ્સ આ ઘટના દરમિયાન થયા હતા કે અગાઉના અકસ્માતનું પરિણામ છે.
આ ઘટનાએ મે 2024માં થયેલા ઓમોડા 5 અકસ્માતને યાદ કરાવ્યો છે. 28 એપ્રિલ, 2024ના રોજ, મલેશિયામાં ઓમોડા 5નો પાછળનો એક્સલ બીમ ટ્રાફિકમાં વાહન ચલાવતી વખતે તૂટી ગયો. આ ઘટના પછી, મલેશિયન રોડ ટ્રાન્સપોર્ટ વિભાગે તપાસ શરૂ કરી. આ પછી, ચેરી ઓટો મલેશિયાએ સાવચેતીના પગલા તરીકે 600 કાર માટે સલામતી ઝુંબેશ શરૂ કરી.

મે 2024માં ટેકનિકલ બ્રીફિંગ દરમિયાન, ચેરી ઓટો મલેશિયાના ઉપપ્રમુખ લી વેન સિયાંગે જણાવ્યું હતું કે, સમસ્યાનું મૂળ વિદેશી ઘટક સપ્લાયર પાસેથી ઘટકોના કેલિબ્રેશન સાથે સંબંધિત હતું. કંપનીના જણાવ્યા મુજબ, જાળવણી દરમિયાન ઓટોમેટેડ વેલ્ડીંગ ટીપ બદલવામાં આવી હતી. ત્યાર પછી આ યોગ્ય રીતે રીકેલિબ્રેશન ન થવાને કારણે, કેટલાક રીઅર એક્સલ બીમ પર વેલ્ડ ઊંડાઈ અપૂરતી હતી. આનો અર્થ એ થયો કે વેલ્ડિંગ કરવાના ભાગમાં વેલ્ડીંગ મજબૂત રીતે કરવામાં આવ્યું ન હતું.
હાલ પૂરતું ફોટાઓ પરથી ફક્ત એટલી જ ખબર પડે છે કે, કારનું પાછળનું સસ્પેન્શન એસેમ્બલી વાહનથી અલગ થઈ ગયું છે. ફોટાઓના આધારે, તે નક્કી કરી શકાતું નથી કે ખામી માઉન્ટિંગ પોઈન્ટ પર, ટ્રાંસવર્સ બીમની અંદર, અથવા અન્ય ઘટક સાથેના ઇન્ટરફેસ પર થઈ છે. જો કે, આ નવા અકસ્માતે ફરી એકવાર ચેરી કારની મજબૂતાઈ પર પ્રશ્નો ઉભા કર્યા છે.

ચેરી ઓટો એક ચીની કાર ઉત્પાદક છે. ચેરી ઓટોમોબાઈલ હવે ભારતમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. કંપની ભારતીય બજારમાં પ્રવેશવા માટે JSW ગ્રુપ સાથે ભાગીદારી પર કામ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે, ચેરીના પ્રથમ વાહનો 2026ના અંત અને 2027ની વચ્ચે ડેબ્યૂ કરી શકે છે. જો આ યોજના શેડ્યૂલ મુજબ આગળ વધે છે, તો ભારતીય કાર બજારમાં બીજી મજબૂત ચીની ઓટો બ્રાન્ડનો સીધો પ્રવેશ જોવા મળશે. BYD પહેલાથી જ ભારતમાં ઇલેક્ટ્રિક કારનું વેચાણ કરી રહી છે.