fbpx

ભારતમાં વૃદ્ધ માતા-પિતા સાથે સમય વિતાવવા માઇક્રોસોફ્ટના VPએ 23 વર્ષ જૂની નોકરી છોડી, કરોડોમાં હતો પગાર

Spread the love
ભારતમાં વૃદ્ધ માતા-પિતા સાથે સમય વિતાવવા માઇક્રોસોફ્ટના VPએ 23 વર્ષ જૂની નોકરી છોડી, કરોડોમાં હતો પગાર

કેટલીકવાર, ટેકનોલોજી ક્ષેત્રના અતિ પ્રતિષ્ઠિત અને ઉચ્ચ હોદ્દાઓ પણ પરિવાર સામે ગૌણ બની જતા હોય છે. માઇક્રોસોફ્ટ કંપનીના એન્જિનિયરિંગ વિભાગના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ કેસવન શણમુગમ  કંપની સાથેની તેમની 23 વર્ષની સફળ કારકિર્દી બાદ પોતાના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. આ પાછળનું કારણ? તેઓ ભારતમાં વસતા તેમના વૃદ્ધ માતા-પિતા સાથે વધુ સમય વિતાવવા માટે ભારત પરત ફરવા માગે છે.

શણમુગમનો આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ટેક જગતમાં AI ક્ષેત્રે મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. તેઓ માઇક્રોસોફ્ટના એક્સેલ કોપાયલોટ  અને એજન્ટિક AI સિસ્ટમ્સ પાછળની મુખ્ય કામગીરી સંભાળતા હતા. ઈતિહાસના સૌથી મોટા AI બૂમ દરમિયાન આવા ઉચ્ચ હોદ્દાને છોડીને નીકળી જવું એ સરળ પસંદગી નહોતી, પરંતુ શણમુગમ માટે પરિવાર હંમેશાં પ્રથમ ક્રમે રહ્યો.

06

લીન્ક્ડઇન (LinkedIn) પર લખેલી એક ભાવુક પોસ્ટમાં, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે, શણમુગમે પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે આ નિર્ણયને મુશ્કેલ પરંતુ જરૂરી ગણાવ્યો હતો.

તેમણે લખ્યું, માઇક્રોસોફ્ટમાં 23 વર્ષ સેવા આપ્યા બાદ, ભારતમાં રહેતા મારા વૃદ્ધ માતા-પિતા સાથે વધુ સમય વિતાવવા માટે હું આજે નિવૃત્ત થઈ રહ્યો છું. એક્સેલ કોપાયલોટના રોમાંચક કામ અને માઇક્રોસોફ્ટના અદ્ભુત સહકર્મીઓથી દૂર થવું ખૂબ મુશ્કેલ હતું. પરંતુ પરિવાર અને મિત્રો પર મારી ઊર્જા ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ મારી દ્રષ્ટિએ એકદમ યોગ્ય નિર્ણય છે.

તેમણે તેમના સહકર્મીઓનો પણ આભાર માન્યો હતો અને નોંધ્યું હતું કે ટેક ક્ષેત્રની આ દિગ્ગજ કંપનીમાં તેમની બે દાયકાની સફર તેમના સાથ-સહકારને કારણે મનોરંજક, ઉત્સાહજનક અને સંતોષકારક રહી.

આ પોસ્ટે ટેક ઉદ્યોગના પ્રોફેશનલ્સના દિલ જીતી લીધા છે અને તેના પર સેંકડો પ્રતિક્રિયાઓ મળી રહી છે. ઘણા યુઝર્સે તેમની વ્યાવસાયિક મહત્વાકાંક્ષાઓ કરતાં માતા-પિતાને પ્રાથમિકતા આપવાના તેમના નિર્ણયની પ્રશંસા કરી હતી.

એક રિપોર્ટ મુજબ તેમને બોનસ, સ્ટોક, સેલેરી મળીને 3 મિલિયનથી 7 મિલિયન ડોલર સુધીની કમાણી થતી હશે તેવો રિપોર્ટ છે. એટલે કે 60 કરોડથી પણ વધુ વાર્ષિક કમાણી કહી શકાય.

એક લીન્ક્ડઇન યુઝરે લખ્યું, વિશ્વની સૌથી પ્રભાવશાળી ટેકનોલોજી કંપનીઓમાંથી એકમાં કારકિર્દી બનાવવી એ એક અદ્ભુત સિદ્ધિ છે, પરંતુ તમારા પરિવાર માટે તમારી ગમતી વસ્તુ છોડી દેવી આ નિર્ણયને વધુ અર્થપૂર્ણ બનાવે છે.

અન્ય એક યુઝરે પોતાનો વ્યક્તિગત અનુભવ શેર કરતા કમેન્ટ કરી, આ કદાચ તમારા દ્વારા લેવાયેલા શ્રેષ્ઠ નિર્ણયોમાંથી એક છે. તાજેતરમાં જ મારા માતા-પિતામાંથી એકને ખોમનાર વ્યક્તિ તરીકે, હું તમને ભારપૂર્વક કહીશ કે તમે તેમને તમારી નજીક રાખવાનો પૂરો પ્રયાસ કરો.

અન્ય એક શુભચિંતકે લખ્યું, ભાઈ, હું તમને વ્યક્તિગત રીતે ઓળખતો નથી, પરંતુ તમારા માતા-પિતાને પ્રાથમિકતા આપવાના તમારા નિર્ણયે મારું ધ્યાન ખેંચ્યું છે અને મારી તરફથી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
જોકે શણમુગમની પોસ્ટે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું, પરંતુ તેમની આ જાહેરાતે સોશિયલ મીડિયા પર અટકળો પણ શરૂ કરી દીધી છે કે શું અમેરિકાની બદલાતી ઇમિગ્રેશન નીતિઓએ તેમની આ એક્ઝિટમાં કોઈ ભૂમિકા ભજવી છે કે કેમ.

કેટલાક યુઝર્સે સવાલ ઉઠાવ્યા હતા કે શું આ નિર્ણય ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લેવાયેલા તાજેતરના પગલાં સાથે જોડાયેલો છે. આ મહિનાની શરૂઆતમાં, યુએસ અધિકારીઓએ જાહેરાત કરી હતી કે H-1B વિઝાના કથિત દુરુપયોગની ચાલી રહેલી તપાસ વચ્ચે માઇક્રોસોફ્ટ, એડોબ (Adobe) અને કેટલીક અગ્રણી આઉટસોર્સિંગ કંપનીઓને પરમનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ હેઠળ નવી ગ્રીન-કાર્ડ સ્પોન્સરશિપ અરજીઓ દાખલ કરવા પર કામચલાઉ ધોરણે રોક લગાવવામાં આવી છે.

જોકે, શણમુગમે પોતાના આ નિર્ણયને સંપૂર્ણપણે પરિવાર પર કેન્દ્રિત એક વ્યક્તિગત પસંદગી ગણાવી હતી.

શણમુગમ આ નિર્ણય લેનારા એકમાત્ર સિનિયર NRI ટેક લીડર નથી. તેમની નિવૃત્તિ મેટાના એન્જિનિયરિંગ લીડર બાલાજી ગુરુરાજનની જાહેરાતના થોડા મહિનાઓ પછી જ આવી છે. ગુરુરાજને 18 વર્ષ બાદ યુએસ છોડીને બેંગલુરુ શિફ્ટ થવાની જાહેરાત કરી હતી.

ગુરુરાજને પણ પોતાના વૃદ્ધ માતા-પિતાની નજીક રહેવા માટે આ નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાના પરિવારના જીવનનો મહત્વનો તબક્કો દૂરથી જોવા નહોતા માગતા. તેમની પોસ્ટે પણ વિદેશમાં રહેતા ભારતીય પ્રોફેશનલ્સ વચ્ચે કારકિર્દીની સફળતા અને હોમટાઉનમાં વસતા પરિવારની સંભાળ વચ્ચે સંતુલન જાળવવા અંગેની એક નવી ચર્ચા જગાવી હતી.

Leave a Reply

error: Content is protected !!