
દિલ્હીમાં ચાલી રહેલા ‘કોકરોચ જનતા પાર્ટી’ના તાજેતરના વિરોધ પ્રદર્શનને પ્રખ્યાત યુટ્યુબર ધ્રૂવ રાઠીનું સમર્થન મળ્યું છે. આ દરમિયાન તેઓ કેન્દ્રની સરકાર પર ખૂબ આક્રમક દેખાયા હતા. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ‘માતૃભૂમિ’ ફિલ્મની આડમાં સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમનું કહેવું છે કે સરકારે ચીનના દબાણમાં આવીને સલમાન ખાનની ફિલ્મને રીલિઝ થવા દીધી નથી.
11 ઓક્ટોબરે ધ્રૂવે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેનો એક હિસ્સો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમણે ‘માતૃભૂમિ’ ફિલ્મનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે સરકાર દબાણ હેઠળ હોવાનો આરોપ લગાવ્યો હતો. ધ્રૂવે જણાવ્યું હતું સલમાન ખાનની એક ફિલ્મ (‘માતૃભૂમિ’) આવી રહી હતી, જેમાં ચીન વિરુદ્ધ કેટલીક બાબતો દર્શાવવામાં આવી હતી. પરંતુ સરકારમાં એટલી હિંમત નથી કે તે ફિલ્મને રીલિઝ થવા દે. સલમાનની આ ફિલ્મનું મોટા પાયે રીશૂટિંગ કરાવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે- ‘ના, ના. આને ચીનની તરફેણમાં બનાવો. આપણે ચીનની આટલી વિરુદ્ધ ન જઈ શકીએ.’ આ લોકો એક નંબરના ડરપોક છે. તેઓ ચીનથી ડરે છે, અમેરિકાથી ડરે છે અને એલોન મસ્કથી પણ ડરે છે.

ધ્રૂવે કહ્યું કે તેઓ પોતે બધા સામે ખુલીને બોલે છે છતાં તેઓ કોઈથી ડરતા નથી, પરંતુ સરકારના કિસ્સામાં એવું નથી. ઉલ્લેખનીય છે કે ‘માતૃભૂમિ’નો આ વિવાદ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહ્યો છે, જેના કારણે આ ફિલ્મ અત્યાર સુધી રીલિઝ થઈ શકી નથી. રીલિઝ તો દૂરની વાત છે, આ ફિલ્મના મેકર્સને તેનો મોટો હિસ્સો ફરીથી શૂટ કરવો પડ્યો છે. ત્યારબાદ તેને સરકાર પાસેનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માટે મોકલવામાં આવી હતી અને હવે તેને સેન્સર બોર્ડ (CBFC) પાસે મોકલવામાં આવશે, ત્યારબાદ જ ફિલ્મની રીલિઝ ડેટ જાહેર કરવામાં આવશે.
‘માતૃભૂમિ’ ફિલ્મની કહાની વર્ષ 2020માં ભારત અને ચીન વચ્ચે ગલવાન ખીણમાં થયેલી અથડામણ પર આધારિત છે. તે લડાઈમાં 200 ભારતીય જવાનોએ 1200 ચીની સૈનિકોનો મજબૂતાઈથી સામનો કર્યો હતો. આ સંઘર્ષમાં આશરે 40 ચીની સૈનિકો માર્યા ગયા હતા, જો કે ચીન માત્ર ચાર જ સૈનિકોના મૃત્યુ પામ્યા હોવાનું સ્વીકારે છે. જ્યારે આ સંઘર્ષમાં 20 ભારતીય જવાનો પણ શહીદ થયા હતા.

ડિસેમ્બર 2025માં આ ફિલ્મનું પહેલું ટીઝર રીલિઝ કરવામાં આવ્યું હતું. તે સમયે ચીની મીડિયાએ આ ફિલ્મ પર તથ્યો સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ એવા અહેવાલો આવ્યા કે રક્ષણ મંત્રાલયે મેકર્સને ફિલ્મમાંથી ચીન-વિરોધી કન્ટેન્ટ હટાવવા માટે નિર્દેશ આપ્યા છે. તે સમયે ફિલ્મની રીલિઝ ડેટ પણ જાહેર થઈ ચૂકી હતી, તેમ છતાં ટીમે ફિલ્મમાં પેચવર્કનું કામ શરૂ કરવું પડ્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મના લગભગ 40 ટકા હિસ્સાનું ફરીથી શૂટિંગ કરવું પડ્યું છે, જેના કારણે ફિલ્મનો ક્લાઇમેક્સ અને સલમાન ખાનનું કેરેક્ટર આર્ક પણ બદલાઈ ગયું છે.
અગાઉ આ મૂવીનું નામ ‘બેટલ ઓફ ગલવાન’ હતું, પરંતુ તેને ચીન-ફ્રેન્ડલી બનાવવાને બદલીને ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’ (Maatrubhumi: May War Rest in Peace) કરી દેવામાં આવ્યું. ‘માતૃભૂમિ’ ફિલ્મ છેલ્લા કેટલાક મહિનાઓથી અટવાયેલી હતી, પરંતુ તાજેતરમાં તેને ભારત સરકાર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળી ગયું છે. હાલમાં ફિલ્મનું પોસ્ટ-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. કામ પૂરું થયા પછી તેને સેન્સર બોર્ડ (CBFC) પાસે મોકલવામાં આવશે અને ત્યાંથી લીલીઝંડી મળ્યા બાદ ફિલ્મની નવી રીલિઝ ડેટ જાહેર કરવામાં આવશે. આ ફિલ્મને અપૂર્વ લાખિયાએ ડિરેક્ટ કરી છે.