fbpx

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી મોટી રાહત, માનહાનિના કેસ પર લગાવી રોક; PM મોદી પરની ટિપ્પણી સાથે જોડાયેલો છે મામલો

Spread the love

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપી મોટી રાહત, માનહાનિના કેસ પર લગાવી રોક;  PM મોદી પરની ટિપ્પણી સાથે જોડાયેલો છે મામલો

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રની ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. સાથે જ, કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને ફરિયાદીને નોટિસ પાઠવીને 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ અગાઉ, બોમ્બે હાઈકોર્ટે માનહાનિનો કેસ રદ કરવાની રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી.

બોમ્બે હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ કોંગ્રેસ નેતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અપરેશ કુમાર સિંહની બેન્ચે આ આદેશ આપ્યો છે. આ કેસ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી કમાન્ડર-ઇન-થીફ ટિપ્પણી સાથે સંબંધિત છે. કોર્ટ સમન્સ રદ કરવાનો ઇનકાર કરવાના બોમ્બે હાઈકોર્ટના તે આદેશની સમીક્ષા કરવા પણ સહમતિ દર્શાવી છે.

rahul-gandhi2

શું છે સમગ્ર મામલો?

આ કેસ 2018માં રાફેલ ફાઈટર જેટ સોદા અંગે રાહુલ ગાંધી તરફથી કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓ સાથે જોડાયેલો છે. તેમના પર X પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કમાન્ડર-ઇન-થીફ અને ચોરોના સરદાર જેવી ટિપ્પણીઓ કરવાનો આરોપ છે. ભાજપના નેતા મહેશ શ્રીશ્રીમાલે આ મામલે મહારાષ્ટ્રની ગિરગાંવ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદીનો આરોપ છે કે રાહુલ ગાંધીની આ ટિપ્પણીઓ વડાપ્રધાન, સત્તાધારી પક્ષ અને તેના સભ્યોને લક્ષ્ય બનાવીને કરવામાં આવી હતી. આ ટિપ્પણી કથિત રીતે વડાપ્રધાન અને પક્ષના અન્ય નેતાઓની છબી ખરડવાના ઈરાદાથી કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે આ કેસમાં સમન્સ પાઠવ્યા હતા, ત્યારબાદ રાહુલ ગાંધીએ સમન્સ અને કાર્યવાહી ચાલુ રાખવાના નિર્ણયને પડકારવા માટે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો; જોકે, ત્યાં તેમને ઝટકો લાગ્યો હતો.

rahul-gandhi

બોમ્બે હાઈકોર્ટે 8 સપ્ટેમ્બરે માનહાનિનો કેસ રદ કરવાની રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ, રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો, જ્યાંથી તેમને મોટી રાહત મળી છે. રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વકીલે દલીલ કરી હતી કે આ ફરિયાદ કાયદેસર રીતે ટકી શકે તેમ નથી, કારણ કે તેમણે તેમના ટ્વીટમાં ભાજપ કે અન્ય કોઈ રાજકીય પક્ષનો ઉલ્લેખ કર્યો નહોતો.

તો, હવે સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકાર અને ફરિયાદીને નોટિસ ફટકારીને ચાર અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું છે. સાથે જ કોર્ટે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટમાં માનહાનિના કેસની આગળની કાર્યવાહી પર પણ રોક લગાવી છે. આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના 8 સપ્ટેમ્બરના તે આદેશની સમીક્ષા કરવા માટે પણ સંમતિ દર્શાવી છે, જેમાં કેસ રદ કરવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!