fbpx

આ તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ, લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા

Spread the love

આ તારીખે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ, લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા

ગુજરાતમાં હાલ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. ચોમાસાની સત્તાવાર વિદાય બાદ રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 19 ઑક્ટોબરના રોજ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અરબી સમુદ્રમાં હલચલ મચવાની અને એક ‘લૉ-પ્રેશર એરિયા’ બનવાની શક્યતા છે. જેના પરોક્ષ પ્રભાવના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. જોકે, હાલની સ્થિતિ જોતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની કોઈ સંભાવના નથી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આ હવામાન પલટાની અસર જોવા મળી શકે છે, જ્યાં હળવા કે છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

rain1

ભારતમાં 15 ઑક્ટોબરે નૈઋત્યના ચોમાસાની વિધિવત વિદાય થઈ ગઈ છે અને દેશના બાકી રહેલા ભાગોમાંથી પણ ચોમાસું પરત ફરી ગયું છે. નૈઋત્યના ચોમાસાના પૂરું થતાંની સાથે જ ઉત્તર-પૂર્વનું (ઈશાનનું) ચોમાસું શરૂ થઈ ગયું છે, જેનો સૌથી વધુ લાભ દક્ષિણ ભારતના રાજ્યો (ખાસ કરીને તામિલનાડુ અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો) ને ડિસેમ્બર સુધી મળશે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, હાલ નૈઋત્યના ચોમાસાની વિદાયરેખા ધુબરી, કોલકાતા, અંગુલ, ખમ્મમ અને હોનાવર પરથી પસાર થઈ રહી છે. આ ઉપરાંત, 13 ઑક્ટોબરે નૈઋત્ય રાજસ્થાન પર સર્જાયેલું ‘અપર ઍર સાયક્લોનિક સર્ક્યુલેશન’ હાલ સરેરાશ સમુદ્ર સપાટીથી 0.9 કિમીની ઊંચાઈએ દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર સ્થિત છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 19 ઑક્ટોબરે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. નવસારી અને વલસાડ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેમજ દાદરા અને નગરહવેલીમાં પણ વરસાદ પડી શકે છે. અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ સિવાય રાજ્યના બાકીના તમામ જિલ્લાઓ અને પ્રદેશોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. આગામી 6 થી 7 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની શક્યતા નથી.

છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સામાન્ય રીતે સૂકું રહ્યું હતું. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કે સામાન્ય કરતાં વધુ નોંધાયું હતું. ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં નોંધપાત્ર રીતે વધુ રહ્યું હતું.

Leave a Reply

error: Content is protected !!