
પૂર્વ ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી દિવ્યા મિત્તલે ગુરુવારે પોતાના રાજકીય પક્ષના નામની જાહેરાત કરી છે. તેમણે પોતાના પક્ષનું નામ ‘જન નીતિ ભારત’ રાખ્યું છે અને જાહેરાત કરી છે કે તેમનો પક્ષ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી લડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરીને દિવ્યા મિત્તલે જણાવ્યું હતું કે, તેમનો પક્ષ નાગરિકોને નીતિ ઘડતરના કેન્દ્રમાં રાખશે. તેમણે કહ્યું, રાજનીતિ તમારા પર શાસન કરે છે. જ્યારે ‘જન નીતિ’માં તમે પોતે શાસન કરશો.
આ જાહેરાત તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) લીધી અને રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી તેના લગભગ એક મહિના પછી આવી છે. તે સમયે, ઉત્તર પ્રદેશ કેડરના આ ભૂતપૂર્વ અધિકારીએ કહ્યું હતું કે તેઓ એવા લોકોનો અવાજ બનવા માંગે છે જેમની ચિંતાઓ અને સમસ્યાઓ ભાગ્યે જ સત્તાના ગલિયારા સુધી પહોંચે છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ કોઈપણ પક્ષના ઝંડા હેઠળ ચૂંટણી નહીં લડે, પરંતુ જનતાના સમર્થનથી આગળ વધશે.

2013 બેચના IAS અધિકારી દિવ્યા મિત્તલે જણાવ્યું કે રાજીનામું આપ્યા પછી તેમને પોતાના આ નિર્ણય પર વિચાર કરવા માટે સમય જોઈતો હતો. તેમણે કહ્યું, મેં IAS માંથી રાજીનામું આપ્યું અને મારી પાછળ ઘણા સવાલો છોડી દીધા. આ એક મોટું કામ છે અને હું હિંમત ભેગી કરી રહી હતી. આજે હું જવાબ આપવા આવી છું. આગળ શું? તો તેનો જવાબ છે રાજનીતિ.
અગાઉ, મિત્તલે સિસ્ટમની નિષ્ફળતાઓની એક શ્રેણી તરફ ઈશારો કર્યો હતો, જેણે રાજકારણમાં આવવાના તેમના નિર્ણયને આકાર આપ્યો હતો. જેમાં તેમણે મંજૂર થયેલી પણ ક્યારેય ન બનેલી શાળાઓ, લીઝ પર આપેલી પણ ક્યારેય સોંપવામાં ન આવેલી જમીનો, લોકોના જીવ લેતા ક્ષતિગ્રસ્ત રસ્તાઓ અને પેપર લીકથી પ્રભાવિત વિદ્યાર્થીઓના અસ્પષ્ટ ભવિષ્ય જેવા મુદ્દાઓ ગણાવ્યા હતા.
તેમણે મિર્ઝાપુરમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) તરીકે સેવા આપતી વખતે લહુરિયા દહ નામના ગામના નિરીક્ષણનો કિસ્સો યાદ કર્યો હતો. તેમણે વિચાર્યું હતું કે ત્યાં મળેલી એક મહિલા પેન્શન કે ઘરની માંગણી કરશે. પરંતુ તે મહિલા, જેના ઘરે પીવાના પાણીનું કનેક્શન પણ નહોતું, તેણે પોતાના ઘરને બદલે પોતાના ગામ માટે એક શાળાની માંગણી કરી હતી.

દિવ્યા મિત્તલે જણાવ્યું કે તેમણે શાળા મંજૂર કરી દીધી હોવા છતાં, ત્રણ વર્ષ પછી પણ તેનું નિર્માણ કાર્ય શરૂ થઈ શક્યું નહોતું. તેમણે સવાલ ઉઠાવ્યો, મને કહો, ત્યાં શું ઉપલબ્ધ નહોતું? ફંડ, નિયમો કે મંજૂરીઓ? બધું ઉપલબ્ધ હતું, પરંતુ માત્ર દાનત નહોતી. તેમણે ઉમેર્યું કે તેઓ આવી કાગળ પર રહેલી પરંતુ વાસ્તવિકતામાં ‘અદ્રશ્ય’ શાળાઓ વિશે જવાબ માંગવા માંગે છે.