
મધ્ય-પૂર્વમાં વધતા તણાવ વચ્ચે, અમેરિકાએ 11 આરબ દેશોમાં રહેતા પોતાના નાગરિકો માટે સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. આ વોર્નિંગમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE), કુવૈત, જોર્ડન, બહેરીન, ઓમાન, કતાર, ઈરાક, લેબનોન, યમન અને ઈઝરાયેલનો સમાવેશ થાય છે. અમેરિકી રાજદ્વારી મિશનોએ નાગરિકોને સતર્ક રહેવા અને પોતાની મુસાફરીની યોજનાઓમાં ફેરફાર કરવા માટે તૈયાર રહેવાની સલાહ આપી છે, કારણ કે આ ક્ષેત્રમાં સુરક્ષાની સ્થિતિ અચાનક બગડી શકે છે.

અમેરિકાની આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે આ ક્ષેત્રમાં ઈરાન અને તેના સમર્થિત હુથી જૂથોની ગતિવિધિઓને લઈને ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકી અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે જો તણાવ વધે છે, તો અમેરિકી હિતો, કંપનીઓ અને સંસ્થાઓ નિશાન બનાવી શકાય છે. જોકે, આ એલર્ટનો અર્થ એવો નથી કે આ તમામ દેશોમાં હુમલાનું તાત્કાલિક જોખમ છે, કે પછી હવાઈ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે.
અમેરિકી મિશનોએ મુસાફરોને ચેતવણી આપી છે કે જો પરિસ્થિતિ વધુ બગડે છે, તો આ ક્ષેત્રમાં હવાઈ ક્ષેત્રબંધ થઈ શકે છે. આના કારણે ફ્લાઈટ્સમાં વિલંબ, રદ થવા અથવા તેના રૂટમાં ફેરફાર કરવો પડી શકે છે. નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે મુસાફરી કરતા પહેલા તેઓ પોતાની એરલાઈન્સ અને સંબંધિત એરપોર્ટ પરથી ફ્લાઈટ્સ અંગેની નવીનતમ માહિતી મેળવે. ઈરાકમાં આવેલા અમેરિકી મિશને મુસાફરોને બગદાદ, એર્બિલ, બસરા અને સુલેમાનિયાહના એરપોર્ટ સાથે જોડાયેલી ફ્લાઈટ્સની સ્થિતિની પુષ્ટી કરવા જણાવ્યું છે. તો, લેબનોનમાં આવેલા અમેરિકી દૂતાવાસે નાગરિકોને બેરૂત સ્થિત ‘રફિક હરીરી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ’ અંગેની અપડેટ્સ મેળવતા રહેવાની સલાહ આપી છે.

અમેરિકાની આ ચેતવણીઓમાં ઈરાન સમર્થિત હુથી સમૂહો તરફથી સાઉદી અરેબિયામાં નાગરિક એરપોર્ટ અને મહત્ત્વપૂર્ણ માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ હુમલાઓથી સામાન્ય નાગરિકોની સુરક્ષા અને હવાઈ મુસાફરી પ્રભાવિત થવાની આશંકા છે. ઈરાનમાં માટેના અમેરિકાના વર્ચ્યુઅલ એમ્બેસી’એ ફરી એકવાર ઈરાનની મુસાફરી ન કરવાની સલાહ આપી છે અને હાલમાં ઈરાનમાં ઉપસ્થિત અમેરિકી નાગરિકોને દેશ છોડવા કહેવામાં આવ્યું છે.