
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પર મહેન્દ્ર સિંહ ધોનીનો પ્રભાવ હવે માત્ર હાથમાં બેટ લઈને મેદાન પર રન બનાવવા પૂરતો મર્યાદિત રહ્યો નથી. હવે તેમનો સૌથી મોટો પ્રભાવ ટીમની ભવિષ્યની રણનીતિ અને નિર્ણયોમાં જોવા મળી રહ્યો છે. ઝહીર ખાનની હેડ કોચ તરીકેની નિમણૂક આ બાબતની સૌથી તાજી સાબિતી છે.
પરંતુ, ધોનીની બદલાતી ભૂમિકા વચ્ચે સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ ધોની વગરના ભવિષ્ય માટે પોતાની જાતને કેવી રીતે તૈયાર કરશે? સ્પૉન્સર્સને પોતાની સાથે જાળવી રાખવા અને બ્રાન્ડ વેલ્યૂ જાળવી રાખવી એ ફ્રેન્ચાઈઝી માટે અત્યારે સૌથી મોટો પડકાર છે.
19 વર્ષ પહેલાં (2008માં) ચેન્નાઈ સુપર કિંગ્સે IPLની પ્રથમ ઓક્શનમાં સૌથી બોલ્ડ નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) કે અન્ય ફ્રેન્ચાઈઝીઓની જેમ CSK એ કોઈ ‘આઈકોન’ પ્લેયર પાછળ દોડવાને બદલે T20 વર્લ્ડ કપ જીતાડનાર તાજા કેપ્ટન MS ધોની પર 1.5 મિલિયન ડૉલરનો દાવ ખેલ્યો હતો. ક્રિકેટના ઇતિહાસમાં આ કદાચ સૌથી શ્રેષ્ઠ અને રોકાણ-સફળ નિર્ણય સાબિત થયો.

ધોનીએ 14 સિઝન સુધી ચેન્નાઈનું નેતૃત્વ કર્યું, જેમાંથી પ્રથમ 10 સિઝનમાં ટીમે સતત પ્લેઓફમાં જગ્યા બનાવી અને રેકોર્ડબ્રેક 5 IPL ખિતાબ પોતાના નામે કર્યા.
CSK લાંબા સમયથી નેતૃત્વના વિકલ્પની શોધમાં હતું. વર્ષ 2022માં ધોનીએ સત્તાવાર રીતે રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી હતી. પરંતુ એ પ્રયોગ સફળ રહ્યો ન હતો. માત્ર 8 મેચોમાં (2 જીત અને 6 હાર) બાદ જાડેજાએ કેપ્ટનશીપ છોડી દીધી અને ધોનીને ફરીથી ટીમની કમાન સંભાળવા વિનંતી કરી જેથી તે પોતાના વ્યક્તિગત રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
ત્યારબાદ 2024માં ધોનીએ કાયમ માટે કેપ્ટનશીપ છોડી દીધી અને રુતુરાજ ગાયકવાડે ટીમની કમાન સંભાળી.
ધોની વિકેટકીપર તરીકે રમતા રહ્યા અને સ્ટમ્પ પાછળથી કેપ્ટનને સતત માર્ગદર્શન આપતા રહ્યા. જોકે, 2024માં તેઓ બેટિંગમાં નીચલા ક્રમે આવવા લાગ્યા અને 2025માં તો તેઓ 9મા નંબરે બેટિંગ કરવા ઊતર્યા હતા. તે સમયના હેડ કોચ સ્ટીફન ફ્લેમિંગે સ્પષ્ટતા કરી હતી કે ધોની ઘૂંટણની જૂની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારબાદ પિંડી (Calf) ની ઈજાના કારણે તેઓ IPL 2026 માં રમી શક્યા ન હતા.
આમ છતાં, ધોની પડદા પાછળ રહીને પણ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે મજબૂતીથી જોડાયેલા રહ્યા છે.
ગત 21 સપ્ટેમ્બરે જ્યારે સ્ટીફન ફ્લેમિંગની જગ્યાએ ઝહીર ખાનને હેડ કોચ બનાવવામાં આવ્યા, ત્યારે CSKના મેનેજિંગ ડિરેક્ટર અને CEO કાસી વિશ્વનાથને જણાવ્યું હતું કે, આ મેનેજમેન્ટનો સામૂહિક નિર્ણય હતો, પરંતુ ફ્રેન્ચાઈઝી હંમેશા ધોનીની સલાહ લઈને જ નિર્ણયો લે છે. ધોનીએ ઝહીર ખાનના નામ સૂચવ્યા બાદ મેનેજમેન્ટે તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને આ જવાબદારી સોંપી હતી.

ઝહીર ખાન પણ માને છે કે ધોનીનું માર્ગદર્શન ખૂબ મહત્વનું રહેશે. CSK દ્વારા શેર કરવામાં આવેલા એક વીડિયોમાં ઝહીરે કહ્યું, ‘મને લાગે છે કે MS ધોનીનું માર્ગદર્શન ટીમ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.’
MS ધોની અને CSK એકબીજાના પર્યાય બની ગયા છે. ઈન્વેસ્ટમેન્ટ બેંક હુલીહાન લોકીના ‘IPL વેલ્યુએશન સ્ટડી 2026’ રિપોર્ટ અનુસાર, CSK ની બ્રાન્ડ વેલ્યૂ US$ 244 મિલિયન (આશરે ₹2000+ કરોડ) છે, જે ગયા વર્ષના $235 મિલિયન કરતાં 3.8% વધુ છે. આ સાથે ચેન્નાઈ IPLની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સની યાદીમાં RCB ($312 મિલિયન), મુંબઈ ઈન્ડિયન્સ ($264 મિલિયન) અને KKR ($245 મિલિયન) પછી ચોથા સ્થાને છે.
HL રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે સતત ત્રીજી સિઝનમાં પ્લેઓફમાં ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહેવાને કારણે 2026માં ટોચની ચાર ફ્રેન્ચાઈઝીઓમાં CSKનો ગ્રોથ રેટ સૌથી ઓછો રહ્યો છે, જેના કારણે તે KKR થી સહેજ પાછળ રહી ગયું છે. પરંતુ રિપોર્ટ અનુસાર, ટીમના બિઝનેસ ફાઉન્ડેશનમાં કોઈ ઘટાડો થયો નથી અને તે બિઝનેસ વેલ્યૂમાં બીજા સ્થાને છે, જે દર્શાવે છે કે કમર્શિયલ રીતે ટીમ હજુ પણ અત્યંત મજબૂત છે.
આ મજબૂતીનું મુખ્ય કારણ સ્પૉન્સર્સ છે. પરંતુ HL નું કહેવું છે કે, ‘સ્પૉન્સર્સ માત્ર ક્રિકેટ માટે પૈસા નથી ચૂકવતા, પણ તેઓ ધોનીના ફેનબેઝ સુધી પહોંચવા માટે પૈસા ચૂકવે છે.’
ધોની રમતા હોય કે ન રમતા હોય, કેમેરા તેમના તરફ ફરે એટલે સ્ટેડિયમમાં મોટો અવાજ ગુંજી ઉઠે છે. વર્ષ 2024માં જ્યારે રવિન્દ્ર જાડેજા ધોનીના બેટિંગ ક્રમ પર ગ્રાઉન્ડ પર નીકળીને ફેન્સ સાથે મજાક કરી હતી, ત્યારે આખું સ્ટેડિયમ શાંત થઈ ગયું હતું. બાદમાં જાડેજા પાછા ફર્યા અને ધોની પેડ પહેરીને મેદાનમાં આવ્યા ત્યારે સ્ટેડિયમ ગૂંજી ઊઠ્યું હતું. જાડેજાએ 2023માં કહ્યું હતું, ‘હું હંમેશા માહી ભાઈના નામના નારા સાંભળું છું. જો હું ઉપર બેટિંગ કરવા જાઉં તો ચાહકો ઈચ્છે છે કે હું જલ્દી આઉટ થઈ જાઉં જેથી ધોની બેટિંગ કરવા આવે.’
ધોનીની મેદાન પરની સક્રિયતા ઘટતી જોઈને, હુલીહાન લોકી (HL) રિપોર્ટે એક મહત્વનો પ્રશ્ન ઉઠાવ્યો છે: શું રુતુરાજ ગાયકવાડ અને ‘પોસ્ટ-ધોની જનરેશન’ (ધોની પછીની પેઢી) 2027ના મીડિયા સાઈકલ સુધી CSKના આ પ્રીમિયમ સ્ટેટસને જાળવી શકશે?
AMP સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેઈનમેન્ટના સ્થાપક ઈન્દ્રનીલ દાસ બ્લાએ હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું હતું કે, ‘ફ્રેન્ચાઈઝીઓ હંમેશા ઈચ્છશે કે આવા દિગ્ગજ ખેલાડીઓ ફેસ ઓફ ધ બ્રાન્ડ તરીકે જોડાયેલા રહે અને ટીમમાં કોઈને કોઈ ભૂમિકામાં રહે.’ તેમણે ઈશારો કર્યો હતો કે ભવિષ્યમાં વિરાટ કોહલીને લઈને RCB પણ આવી જ સ્થિતિનો સામનો કરી શકે છે.
તેમણે ઉમેર્યું, ‘ધોની કોઈને કોઈ ભૂમિકામાં – પછી તે મેન્ટર હોય કે કોચ – સક્રિય રહે અને સ્ટેડિયમમાં કે કેમેરા પર દેખાય તે જરૂરી છે. જો ધોની દેખાતા રહેશે તો ફ્રેન્ચાઈઝી સ્પૉન્સર્સ પાસેથી પ્રીમિયમ ચાર્જ કરી શકશે.’

આવો ક્રેઝ માત્ર ક્રિકેટ પૂરતો મર્યાદિત નથી. લિયોનેલ મેસી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જ્યારે સ્પેનિશ ક્લબ છોડી ત્યારે લાખો ફેન્સ તેમની સાથે USA અને સાઉદી અરેબિયાની લીગ તરફ વળ્યા હતા. આ દર્શાવે છે કે ફેન્સ ક્લબ કરતાં ખેલાડી સાથે વધુ જોડાયેલા હોય છે.
આ જ કારણે સ્પૉન્સર્સ કરારમાં ખાસ કલમ (Clause) ઉમેરે છે. દાસ બ્લાએ સ્પષ્ટ કર્યું, ‘મોટાભાગના સ્પૉન્સર્સ શરત રાખે છે કે જો આગામી સિઝનમાં વિરાટ કોહલી કે ધોની જેવા સ્ટાર નહીં હોય, તો કાં તો વધુ ડિલિવરેબલ્સ આપવા પડશે અથવા ફાઈનાન્સિયલ કમિટમેન્ટ (પૈસા) ઓછા કરવા પડશે.’
ધોની રમવાનું ચાલુ રાખે કે ન રાખે, પણ CSK અને ધોનીનો સંબંધ ક્યારેય પૂરો થાય તેમ નથી. 2021માં પૂર્વ BCCI ચીફ અને ફ્રેન્ચાઈઝીના ચેરમેન એન. શ્રીનિવાસને કહ્યું હતું, ‘ધોની વગર કોઈ CSK નથી અને CSK વગર કોઈ ધોની નથી.’
સ્પૉન્સર્સ માટે હવે સવાલ એ નથી કે CSK ધોની વગર ટકી શકશે કે નહીં, પરંતુ સવાલ એ છે કે શું નવી પેઢી બ્રાન્ડની કમર્શિયલ વેલ્યૂ ઘટાડ્યા વગર આ વારસો આગળ ધપાવી શકશે? અત્યાર સુધીના સંકેતો મુજબ ચેન્નાઈ સુપર કિંગ્સે આ ભવિષ્ય માટે વહેલી તૈયારીઓ શરૂ કરી દીધી છે.