fbpx

દિવાળી પહેલા અદાણી ગેસનો ઝટકો, ભાવમાં 4.45 રૂપિયાનો વધારો, કિંમત 98 રૂપિયાને પાર, રિક્ષાચાલકો ભાવ વધારશે?

Spread the love

દિવાળી પહેલા અદાણી ગેસનો ઝટકો, ભાવમાં 4.45 રૂપિયાનો વધારો, કિંમત 98 રૂપિયાને પાર, રિક્ષાચાલકો ભાવ વધારશે?

દિવાળીની ખરીદી અને તહેવારની તૈયારીઓ વચ્ચે સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી, પરંતુ CNG વાહનચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસ દ્વારા એક જ દિવસમાં CNGના ભાવમાં સીધો 4.45 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે હવે વાહનચાલકોએ ગેસ ભરાવવા માટે વધુ રૂપિયા ચૂકવવા પડશે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, અદાણી CNGના ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. રિક્ષા ચાલકો રોજ કમાઈને રોજ ખાતા હોય છે જેથી ભાવ વધારાના કારણે તેમને સીધી અસર થતી હોય છે. 100 રૂપિયા સુધી ભાવ પહોંચી ગયો છે એવું સમજી શકાય. કારણ કે છૂટક રૂપિયા તો ફીડર દ્વારા પરત આપવામાં આવતા નથી. બીજી તરફ દરેક વસ્તુઓમાં ભાવ વધારો પણ થઈ ગયો છે. અમારે ભાડામાં વધારો જોઈતો નથી અમારી માંગણી છે કે CNGના ભાડામાં ઘટાડો કરવામાં આવે.

રિક્ષા ચાલક છનાભાઈ નાયકે જણાવ્યું હતું કે, CNGના ભાવમાં એટલો વધારો કરવામાં આવ્યો છે કે ખાવાના પૈસા પણ નથી બચતા. અદાણી પણ સરકારને પૂછ્યા વગર સીધો જ ભાવ વધારો કરી દે છે. દિવાળીમાં પરિવાર ફટાકડા અને મીઠાઈ માંગશે તો ક્યાંથી લાવી આપીશું ? કેમ કે દરરોજ 200થી 300 રૂપિયા કમાઈએ છીએ.

adani-gas3

અન્ય એક રિક્ષા ચાલકે પણ આવી જ વ્યથા જણાવી, તેણે કહ્યું કે, એક જ દિવસમાં આટલો ભાવ વધારો કરવો એ ખૂબ મોટી વાત છે. દિવાળીમાં ફટાકડા, મીઠાઈ, કપડા ક્યાંથી લાવી શકીએ. પહેલા થોડા મીઠાઈ અને ફટાકડા ખરીદી શકતા હતા તે પણ હવે નહીં ખરીદી શકીએ.

રિક્ષા ચાલક જયંતીભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, છાશવારે CNGના ભાવમાં વધારો કરવામાં આવે છે. મન ફાવે ત્યારે અદાણી દ્વારા ભાડામાં વધારો કરવામાં આવે છે. જેથી હવે ઘર ચલાવવું પણ અઘરું થઈ ગયું છે. દિવાળીમાં કપડા, ફટાકડા અને મીઠાઈ લેવા માટે કે બહાર ફરવા જવા માટે પણ ભીખ માંગવી પડે તેવી સ્થિતિ છે. ભાડામાં ઘટાડો કરવામાં આવે તે માટે સરકાર પાસે અમે વિનંતી કરીએ છીએ. જો ભાડામાં વધારો કરીએ તો મુસાફર બેસવા માટે પણ તૈયાર નથી. જેથી ભાડામાં વધારો કરવાની જગ્યાએ ભાવ ઘટાડવામાં આવે.

અગાઉ પણ અદાણી દ્વારા CNGના ભાવમાં વધારો થતા અમદાવાદમાં રિક્ષાચાલકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ગેસના ભાવમાં સતત વધારો થતો હોવા છતા રિક્ષાના ભાડામાં તે પ્રમાણે વધારો થતો નથી, તેવી રજૂઆતો રિક્ષાચાલકો દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વાહન વ્યવહાર કમિશનર સાથે બેઠક કર્યા બાદ ભાડામાં વધારો કરવાની છૂટ આપવામાં આવી હતી. પરંતુ તે સમયે પણ રિક્ષા ચાલકોને જોઈએ તેટલો ભાડામાં વધારો મંજૂર કરવામાં આવ્યો નહોતો. તેમજ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા પણ ભાડામાં કોઈ વધારો કરવામાં ન આવતા બંધ પાળી વિરોધ કર્યો હતો. પરંતુ તેમ છતા રિક્ષા ચાલકોની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા અત્યારે ભારત ટેક્સી સિવાય તમામ ઓનલાઇન એપ્લિકેશનનો બહિષ્કાર કરી રિક્ષા ચાલકો સવારી ભરી રહ્યા હતા.

adani-gas

ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઢી મહિનામાં બીજી વખત CNGના ભાવમાં મોટો વધારો થયો છે. સતત વધી રહેલા ભાવને કારણે ખાસ કરીને રિક્ષા, ટેક્સી અને કેબ ચલાવીને રોજગારી મેળવતા લોકોની મુશ્કેલી વધી શકે છે. છેલ્લે ઓગસ્ટ 2026માં પણ એક સાથે ચાર રુપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેના કારણે પ્રતિ કિલો અદાણી CNGનો ભાવ 94.2 રૂપિયાનો હતો, જો કે ફરી એક વાર 4.45 રુપિયાનો વધારો કરવામાં આવતા હાલ નવો ભાવ 98.47 રૂપિયા પર પહોંચી ગયો છે. ત્યારે અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિવને આ ભાવ વધારાનો વિરોધ કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, CNGના ભાવમાં વધારો થવા પાછળ આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના વધતા ભાવ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સપ્લાય ચેઈનમાં સર્જાયેલા વિક્ષેપને કારણે વૈશ્વિક બજારમાં ગેસના ભાવ વધ્યા છે. આ ઉપરાંત આયાત કરવામાં આવતો LNG મોંઘો થતાં ગેસ કંપનીઓનો ખરીદી ખર્ચ પણ વધી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ મોંઘો થવાની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી શકે છે. જેના કારણે સામાન્ય વાહનચાલકો અને પરિવહન સાથે જોડાયેલા લોકોનો ખર્ચ વધી શકે છે.

એક તરફ CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, તો બીજી તરફ અદાણી ટોટલ ગેસ કંપનીના નફામાં પણ વધારો નોંધાયો છે. કંપની દ્વારા જાહેર કરવામાં આવેલા વર્ષના બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો મુજબ, કંપનીને 173 કરોડ રૂપિયાનો નફો થયો છે. ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન કંપનીને 163 કરોડ રૂપિયાનો નફો થયો હતો. એટલે કે કંપનીના નફામાં 5.9 ટકાનો વધારો નોંધાયો છે. આ ઉપરાંત કંપનીની આવકમાં પણ 34 ટકાનો વધારો થયો છે અને આવક 2,109 કરોડ રૂપિયા પર પહોંચી છે. PNGની માગ વધવાને કારણે કંપનીની કમાણીમાં તેજી જોવા મળી રહી છે.

Leave a Reply

error: Content is protected !!