fbpx

ખેડૂતો સાવધાન રહેજો, હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ માવઠાની કરી આગાહી

Spread the love

ખેડૂતો સાવધાન રહેજો, હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ માવઠાની કરી આગાહી

ગુજરાતમાં હાલ દિવસ દરમિયાન આકરો તાપ વરસી રહ્યો છે, મોડી રાત્રે ગુલાબી ઠંડી અનુભવાય છે ત્યાં હવે આગામી બે દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આમ, આગામી બે દિવસ દરમિયાન ત્રેવડી સિઝન જામી શકે છે. બે દિવસ જ્યાં વરસાદની આગાહી છે તે તેમાં મુખ્યત્વે નવસારી-વલસાડ-દમણ-દાદરા નગરહવેલી-અમરેલી અને ભાવનગરનો સમાવેશ થાય છે

તાપમાનની વાત કરીએ તો, આગામી 24 કલાક સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે, પરંતુ ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જ્યારે આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદ શહેરમાં હવામાન મુખ્યત્વે સાફ રહેશે અને મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ તેમજ લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે.

rain1

ગત રાત્રિના નલિયામાં 18.6 ડિગ્રી સાથે સૌથી નીચું જ્યારે રાજકોટમાં 39.3 ડિગ્રી સાથે સૌથી વધારે તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 36.1 ડિગ્રીએ મહત્તમ તાપમાન, 22.4 ડિગ્રીએ લઘુતમ તાપમાનનો પારો હતો. 31 ઓક્ટોબર બાદ અમદાવાદમાં લઘુતમ તાપમાનનો પારો તબક્કાવાર ઘટવા લાગે તેવી સંભાવના છે. અન્યત્ર ભુજમાં 38, સુરતમાં 37.5, સુરેન્દ્રનગરમાં 37.3, ગાંધીનગરમાં 36.5, વડોદરામાં 36.2, ભાવનગરમાં 35.8 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અનેક વિસ્તારમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પણ છવાઈ હતી.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું કે, પવન ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશામાં ફૂંકાશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવન ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશામાં 15-20 નોટની ઝડપે ગતિ કરશે. આ ઉપરાંત, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીમાં એક સાઇક્લોનિક સ્ટોર્મ સક્રિય છે, જે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે અને ભેજવાળા પવનોના કારણે દક્ષિણ ગુજરાત તરફ કન્વર્જન્સ સર્જાતા આ હળવા વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે.

rain2

27-28 ઓક્ટોબર દરમિયાન સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે. 29 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નાગર હવેલીના અલગ-અલગ વિસ્તારોમાં હળવો વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા છે. બાકીના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેશે. 30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નાગર હવેલી ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદ/ગાજવીજની શક્યતા છે. 31 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી તમામ જિલ્લાઓમાં હવામાન ફરી સૂકું થઈ જશે.

VTV ગુજરાતીના અહેવાલ અનુસાર, વાવાઝોડા અર્નબની ગુજરાત પર કેવી અસર થશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યના અનેક ભાગોમાં વાવાઝોડાની અસર જોવા મળશે. 30 ઓક્ટોબરથી 3 નવેમ્બર વચ્ચે કમોસમી વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર પંચમહાલ, છોટાઉદેપુરના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે.

ambalal-patel

અંબાલાલ પટેલે કહ્યું કે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી સુરતમાં કમોસમી વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર અને જૂનાગઢમાં પણ કમોસમી વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલની નવી આગાહી મુજબ, દિવાળીમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આજથી ગુજરાતમાં પવનનું જોર વધવાની શક્યતા છે. 12-14 નવેમ્બર દરમિયાન પણ માવઠું પડી શકે.

Leave a Reply

error: Content is protected !!