fbpx

દારૂ ઢીંચીને કાર ચલાવનાર નબીરાએ 4 લોકોને કચડ્યાં, માતા-પુત્રએ ગુમાવ્યો જીવ, કારમાંથી બોટલો મળી આવી

Spread the love

દારૂ ઢીંચીને કાર ચલાવનાર નબીરાએ 4 લોકોને કચડ્યાં, માતા-પુત્રએ ગુમાવ્યો જીવ, કારમાંથી બોટલો મળી આવી

અમદાવાદમાં દારૂ ઢીંચીને કાર ચલાવનારા નબિરાઓનો આંતક દિન પ્રતિદિન વધી રહ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં નશામાં ચૂર નબિરાએ ફૂટપાથ પર 4 લોકોને કચડ્યાં હતા. જેમાં માતા-પુત્રના મોત થયા હતા. જ્યારે 2 લોકોની હાલત ગંભીર છે. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારના બોનેટ અને દિવાલ વચ્ચે ભીંસાઈ જતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા. કાર પાછળ હટે તેમ ન હોવાથી ત્યાં હાજર લોકોએ કારને ઊંચકીને યુવકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે ચણિયાચોળી વેચનાર માતા પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેના પુત્ર સાગર નગવાડિયા (ઉ.વ. 15)એ જીવ ગુમાવ્યા હતા. જ્યારે ખરીદી કરી રહેલા કાર્તિક વસોયા (ઉં.વ.34) અને તેમની પત્ની સ્નેહલબેન વસોયા (ઉં.વ.34) ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

ahmedabad2

કારચાલકની ઓળખ નાના ચિલોડામાં રહેતા વિરલ સવજીભાઈ ચૌધરી (ઉં.વ 36) હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે વિરલે દારૂ ઢીંચી રાખ્યો હતો અને કાર ગફલતભરી રીતે હંકારતા સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને નિર્દોષ લોકોને કચડી માર્યા હતા. મેડિકલ રિપોર્ટમાં પણ વિરલ નશામાં હોવાનું સામે આવ્યું છે અને કારમાંથી 6 બિયરના ટીન પણ મળ્યાં છે. શરૂઆતમાં બે બિયરના ટીમ મળ્યા હતા, જ્યારે પોલીસે કારની વધુ તપાસ કરતા વધુ ચાર બિયરના ટીન મળી આવ્યા હતા.

ઘટના નજરે જોનાર અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરનાર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ટક્કર એટલી પ્રચંડ હતી કે આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ચાલક વિરલ ચૌધરીને સ્થાનિકોના ટોળાએ ઝડપી પાડી જાહેરમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્યારબાદ તેને પોલીસના હવાલે કરાયો હતો. પોલીસે કારની ઝડતી લેતા અંદરથી બિયરનાં બે ટીન મળી આવ્યાં હતાં. ટોળાના મારથી ઈજાગ્રસ્ત થયેલા ચાલકને નશાની ચકાસણી અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાયો છે.

ahmedabad

ઉલ્લેખનીય છે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પાસે એક મહિના પહેલા પણ નબીરાએ અકસ્માત સર્જ્યો હતો.  પકવાન ચાર રસ્તા તરફથી ફૂલ સ્પીડમાં આવતી કારના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્વિસ રોડ પર પડેલી કારોને જોરદાર ટક્કર વાગી હતી. આ અકસ્માતમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

Leave a Reply

error: Content is protected !!