fbpx

CEC જ્ઞાનેશ કુમાર પર 2 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ: કેરળ સરકારે આપ્યા તપાસના આદેશ

Spread the love

CEC જ્ઞાનેશ કુમાર પર 2 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ: કેરળ સરકારે આપ્યા તપાસના આદેશ

કેરળના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે લાંચ માંગવાના નવા આરોપો અંગે પ્રાથમિક તપાસના આદેશ આપ્યા છે. આ મામલો આશરે બે દાયકા જૂના કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ માર્ગ નિર્માણ કામગીરી સાથે જોડાયેલો છે. એક પૂર્વ કોન્ટ્રાક્ટર સાજને આરોપ લગાવ્યો છે કે, તે સમયે રાજ્યના લોક નિર્માણ વિભાગ (PWD)ના સચિવ રહેલા જ્ઞાનેશ કુમારે કામની ચુકવણીના બદલામાં 2 કરોડ રૂપિયાની લાંચ માંગી હતી.

આ ફરિયાદના આધારે વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યુરો (VACB) ને સમગ્ર મામલાની તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ બાબત એ સમયની છે જ્યારે જ્ઞાનેશ કુમાર કેરળમાં PWD સચિવના પદ પર તૈનાત હતા.

06gyanesh

ફરિયાદી સાજન કોલ્લમ જિલ્લાના ચાદયમંગલમના નિવાસી છે. તેમણે વિજિલન્સ એન્ડ એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટરને આપેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે KSTP હેઠળ રોડ બનાવવાનું કામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં સંબંધિત કંપનીની ચુકવણી અટકાવી દેવામાં આવી હતી. સાજનના જણાવ્યા અનુસાર, એન્જિનિયરોએ આશરે 17 કરોડ રૂપિયાના બિલ મંજૂર કરી દીધા હતા, પરંતુ છતાં ચુકવણીના ચેક ઈશ્યુ કરવામાં આવી રહ્યા નહોતા.

સાજને પોતાની ફરિયાદમાં મલેશિયન કંપની PATI-BEL અને તેના કોન્ટ્રાક્ટરોનો ઉલ્લેખ કર્યો છે. તેમનો આક્ષેપ છે કે કંપનીના પ્રોજેક્ટ એન્જિનિયર અને મલેશિયન નાગરિક લી સી બીને તેમને જણાવ્યું હતું કે, જ્ઞાનેશ કુમાર કથિત રીતે 2 કરોડ રૂપિયાની લાંચ લીધા વિના ચુકવણીના ચેક આપતા નહોતા. સાજનના જણાવ્યા મુજબ, કંપનીના અધિકારીઓએ લાંચ આપીને ચેક મેળવવાની પરવાનગી આપી નહોતી. તેમણે ફરિયાદમાં ઉમેર્યું કે તેમણે કંપનીના લોકોને થોડી રકમ આપીને મામલો ઉકેલવા સૂચન પણ કર્યું હતું, પરંતુ કંપની આ માટે તૈયાર થઈ નહોતી.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, ચુકવણીમાં વિલંબ થવાને કારણે PATI-BEL કંપનીના કોન્ટ્રાક્ટરો અને મજૂરોએ ભારે નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સાજને દાવો કર્યો કે લી સી બીને કોન્ટ્રાક્ટરો અને મજૂરોની બાકી ચુકવણી કરવા માટે બેંગલુરુમાં કંપનીના અન્ય એક પ્રોજેક્ટની રકમનો ઉપયોગ કર્યો હતો.

તેમણે આરોપ લગાવ્યો કે ચુકવણી અટકાવવા અને લાંચની કથિત માંગને કારણે લી સી બીન પર ભારે માનસિક દબાણ વધી ગયું હતું. આ જ ઘટનાક્રમને સાજને વર્ષ 2006માં લી ની આત્મહત્યા સાથે પણ જોડ્યો છે. સાજનનો આરોપ છે કે લી સી બીને આત્મહત્યા પહેલા લખેલી કથિત સુસાઈડ નોટમાં જ્ઞાનેશ કુમારની ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે મલેશિયામાં રહેતા લી ના પરિવારના સભ્યોએ કંપનીના કર્મચારીઓને પણ આ બાબતે જાણ કરી હતી.

08

ફરિયાદીએ એ પણ જણાવ્યું છે કે આ મામલે વર્ષ 2006માં થયેલી અગાઉની વિજિલન્સ તપાસ દરમિયાન તેમની કે અન્ય એવા લોકોની પૂછપરછ કરવામાં આવી નહોતી, જેમને આ કથિત લાંચની માંગ વિશે સીધી જાણકારી હતી. સાજને તપાસ એજન્સી સમક્ષ લી ના પરિવારના સભ્યો, કંપનીના પૂર્વ કર્મચારીઓ અને અન્ય સાક્ષીઓને રજૂ કરવાની વાત કહી છે.

આ નવી ફરિયાદ બાદ વિજિલન્સ વિભાગે ગૃહ વિભાગ પાસે પ્રાથમિક તપાસના આધારે કેસ નોંધવાની મંજૂરી માંગવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ કાનૂની સલાહ મળ્યા બાદ પ્રાથમિક તપાસનો આદેશ આપ્યો છે.

વિજિલન્સની ટીમ પહેલાથી જ KSTP પ્રોજેક્ટ સાથે જોડાયેલા આરોપોની તપાસ કરી રહી છે. તેવામાં સાજનની નવી ફરિયાદમાં લગાવાયેલા આરોપોને પણ આ જ તપાસના દાયરામાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. તપાસમાં એ પણ જોવામાં આવી શકે છે કે શું અગાઉની તપાસ દરમિયાન આરોપો સંબંધિત કેટલાક મહત્વના પાસાઓની તપાસ કરવાનું રહી ગયું હતું.

વાસ્તવમાં, આ મામલે 4 ઓક્ટોબરે પણ ગૃહમંત્રીએ વિજિલન્સ તપાસના આદેશ આપ્યા હતા. તે સમયે કેરળ પ્રદેશ કોંગ્રેસ કમિટી (KPCC)ના નેતા મલયિનકીઝુ વેણુગોપાલે ફરિયાદ આપીને તપાસની માંગ કરી હતી. તેમનો આરોપ KSTP હેઠળ એમસી રોડ (MC Road)ના અપગ્રેડેશન પ્રોજેક્ટમાં થયેલા કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો હતો. આ પ્રોજેક્ટનું કામ PATI-BEL કન્સોર્ટિયમે કર્યું હતું. જે સમયે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, તે સમયે જ્ઞાનેશ કુમાર કેરળના PWD સચિવ હતા.

અગાઉ લી સી બીનના મોત બાદ વર્ષ 2006માં પણ આ મામલે વિજિલન્સ તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, અહેવાલો મુજબ, તે તપાસને પાછળથી આગળની કોઈ કાર્યવાહી કર્યા વિના જ બંધ કરી દેવામાં આવી હતી, કારણ કે તે સમયે આરોપો સાબિત થઈ શક્યા નહોતા. હવે નવી ફરિયાદ આવ્યા બાદ જૂની તપાસની પદ્ધતિ અને તે દરમિયાન એકત્રિત કરાયેલા તથ્યોની પણ પુનઃ તપાસ થવાની સંભાવના છે. વિજિલન્સ તપાસમાં ફરિયાદીના આરોપો, કથિત સુસાઈડ નોટ અને અન્ય ગવાહોના દાવાની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

જ્ઞાનેશ કુમાર સામે આ નવા આરોપો એવા સમયે સામે આવ્યા છે જ્યારે દેશભરમાં મતદાર યાદીના ખાસ ગહન સુધારણા (Special Intensive Revision-SIR)ને લઈને કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જોકે, હાલની આ ફરિયાદ અને SIR ને લઈને ચાલી રહેલો રાજકીય વિરોધ બંને સંપૂર્ણપણે અલગ-અલગ બાબતો છે.

જ્ઞાનેશ કુમાર પર લગાવાયેલા લાંચની માંગના આરોપોની હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી અને મામલાની તપાસ થવાની બાકી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર તરફથી આ આરોપો અંગે હાલમાં કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

Leave a Reply

error: Content is protected !!