fbpx

આદિવાસીઓને જંગલ જમીનના હક્ક અપાવવા મુદ્દે ભાજપના જ બે નેતાઓના વિરોધાભાસી નિવેદન

Spread the love

આદિવાસીઓને જંગલ જમીનના હક્ક અપાવવા મુદ્દે ભાજપના જ બે નેતાઓના વિરોધાભાસી નિવેદન

નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણ અને માલિકીના હકો મેળવવાના મામલે સાંસદ મનસુખ ખુલ્લેઆમ મેદાનમાં છે. તો બીજી તરફ તેમની જ પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી એવું કહી રહ્યા છે કે આ તો નર્મદા જિલ્લાનો પ્રશ્ન જ નથી. ત્યારે આદિવાસી સમાજના લોકોને જંગલની જમીનના હક્કના મામલે સત્તાધારી પાર્ટીના જ બે દિગ્ગજ નેતાઓ વચ્ચે વિરોધાભાસી નિવેદન સામે આવતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, છોટાઉદેપુરમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ભાજપના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી કુબેર ડિંડોરે જંગલ જમીનના મામલે વિરોધાભાસી નિવેદન આપીને સૌને ચોંકાવી દીધા છે. જંગલની જમીનના પ્રશ્ન અંગે ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જંગલની જમીનનો પ્રશ્ન નર્મદા જિલ્લાનો છે જ નહીં. જો ખરેખર નર્મદા જિલ્લાનો આવો કોઈ પ્રશ્ન હશે, તો તેઓ પોતે પણ તેનો ઉકેલ લાવવા માટે તૈયાર છે.

Kuber Dindor

ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં વર્ષોથી વસવાટ કરતા અને ખેતી કરતા આદિવાસી પરિવારોને જંગલની જમીનના સનદ મળ્યા ન હોવાની લાંબા સમયથી વાતો થઇ રહી છે. આ મામલે આદિવાસી સમાજના પ્રશ્નોને વાચા આપવા માટે ભરૂચના સાંસદ ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે અને સરકાર સમક્ષ રજૂઆત પણ કરી રહ્યા થે. તેમણે આદિવાસીઓને તેમના બંધારણીય હક્ક મુજબ જંગલની જમીન અપાવવા માટે સરકારના વિવિધ સ્તરે રજૂઆતોનો દોર શરૂ કર્યો છે.

એક તરફ સાંસદ જમીનના હક્ક માટે લડત ચલાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાર્ટીના જ અન્ય નેતા દ્વારા ‘નર્મદા જિલ્લાનો આ પ્રશ્ન જ નથી’ જેવું નિવેદન આપવામાં આવતા આદિવાસી સમાજમાં પણ અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. હવે જોવાનું એ રહેશે કે પક્ષના બે મોટા નેતાઓ વચ્ચેના આ નિવેદનબાજીના જંગ બાદ આદિવાસીઓની જંગલની જમીનનો પ્રશ્ન ઉકેલાય છે કે જેમનો તેમ રહે છે?

mansukh vasava

ABP અસ્મિતાના અહેવાલ મુજબ, તાજેતરમાં જ સાંસદ મનસુખ વસાવાએ સેટેલાઈટ સર્વેની ક્ષતિઓને કારણે ખેડૂતો હકોથી વંચિત રહેવાની ભીતિ વ્યક્ત કરી હતી અને ખેડૂતોને એકજૂથ થઈને મજબૂત લડત આપવા માટે ખુલ્લું આહ્વાન કર્યું હતું. સાંસદ મનસુખ વસાવાના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિએ સમગ્ર જિલ્લામાં માત્ર 12-16 લોકોને જ જમીનના હકો મળવાની સંભાવના દેખાઈ રહી છે, જે અત્યંત ચિંતાજનક છે. આ સમસ્યાના ઉકેલ માટે તેમણે ખેડૂતોને માર્ગદર્શન આપતા જણાવ્યું છે કે વન અધિકાર મેળવવા માટે કુલ 6-7 પ્રકારના અધિકૃત પુરાવા રજૂ કરી શકાય છે. જેમાં દંડની પહોંચ, પરંપરાગત ખેતીના પુરાવા તેમજ સેટેલાઈટ રેકોર્ડ્સને આધારે મજબૂતીથી દાવો રજૂ કરી શકાય છે.

તેમણે ખેડૂતોને ચેતવણી આપતા સલાહ આપી હતી કે તેઓ કોઈપણ રાજકીય કે અન્ય સ્વાર્થી વ્યક્તિઓની ગેરમાર્ગે દોરતી વાતોમાં ન આવે. સાંસદે આક્ષેપ કર્યો હતો કે વન વિભાગના અધિકારીઓ પોતે જ જંગલ જમીનના હકો ખેડૂતોને આપવામાં માનસિક કે પ્રશાસકીય રીતે તૈયાર નથી, જેના કારણે જટિલતાઓ વધી રહી છે. ખેડૂતોએ પોતાના હક માટે કોઈના પર આધાર રાખ્યા વિના મક્કમતાથી કાયદાકીય અને સંગઠિત લડત લડવી પડશે.

Leave a Reply

error: Content is protected !!