fbpx

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના કોઈ સંકેત છે?

Spread the love

ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલના કોઈ સંકેત છે?

દિવાળી પછી દેશના વડાપ્રધાન મોદીએ ગુજરાતની મુલાકાતમાં ભાજપના પીઢ નેતાઓને સમય ફાળવ્યો. જોકે પક્ષના નેતાઓએ તેને નવા વર્ષની શુભેચ્છા મુલાકાત ગણાવી. ગાંધીનગરમાં મંત્રીમંડળ અને સંગઠનમાં ફેરફારની ચર્ચા પણ ચાલી. વિધાનસભાની ચૂંટણીને આશરે એક વર્ષ બાકી હોય ત્યારે આવી મુલાકાતોના રાજકીય તર્કવિતર્ક સાથેના અર્થ નીકળે. ગુજરાત માટે મોટો સવાલ એ છે કે નેતાઓની જવાબદારી બદલાવાની ચર્ચા વચ્ચે મતદારના મનમાં પણ કોઈ ફેરફાર દેખાય છે ખરો? છેલ્લી કેટલીક ચૂંટણીઓનાં પરિણામો જોતાં ભાજપની પકડ મજબૂત જણાય છે. છતાં બનાસકાંઠા અને નર્મદાની વાત સાંભળીએ તો ગુજરાતના રાજકારણનું બીજું પાસું પણ સમજાય છે.

photo_2026-11-18_12-34-35

ઓક્ટોબર 2025માં ભાજપે ગુજરાતના મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રીપદે રહ્યા. હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી મળી અને મંત્રીમંડળમાં 19 નવા સભ્યો આવ્યા. જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ તરીકે પક્ષનું સંગઠન સોંપાયું. આ નિર્ણયો બતાવે છે કે ભાજપ સત્તામાં હોય ત્યારે પણ પોતાના નેતાઓની જવાબદારી બદલી શકે છે. જોકે મંત્રી બદલાય તેની અસર મતદારને ત્યારે અનુભવાય જ્યારે તેના વિસ્તારનું અટકેલું કામ આગળ વધે. નવી જવાબદારી મેળવનાર નેતા સ્થાનિક કાર્યકરોને કેટલા મળે, સાંભળે છે અને લોકોની રજૂઆતનો કેવો ઉકેલ લાવે છે તેના પરથી આવા ફેરફારનું મૂલ્ય નક્કી થશે એવી આશા રાખીએ. એપ્રિલ 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે શહેરો અને પંચાયતોની મળીને આશરે ચારમાંથી ત્રણ બેઠકો જીતી. મહાનગરપાલિકાઓમાં તેને 59 ટકા કરતાં વધુ મત મળ્યા. આટલા વ્યાપક ટેકા પછી ગુજરાતમાં સત્તાપલટાનો પવન ફૂંકાઈ રહ્યો છે એવું કહેવું વહેલું ગણાય. તેમ છતાં નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ચૈતર વસાવાના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીએ પોતાની પકડ વધારી. સત્તાપક્ષ અને વિપક્ષ માટે અહીં વિચારવા જેવું છે અને સમજી શકાય એમ છે કે રાજ્યભરમાં પક્ષની સ્થિતિ નબળી હોય તોપણ કોઈ વિસ્તારમાં લોકોના પ્રશ્નો સાથે જોડાયેલો આગેવાન ચૂંટણીમાં જગ્યા મેળવી શકે છે.

બનાસકાંઠાએ પણ આવી જ વાત કહી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26માંથી 25 બેઠકો ભાજપે જીતી હતી. બનાસકાંઠાના મતદારોએ કોંગ્રેસનાં ગેનીબેન ઠાકોરને ચૂંટ્યાં. એક તરફ આખા રાજ્યમાં ભાજપ મતદારોની સ્પષ્ટ પસંદગી હતી. બીજી તરફ એક જ જિલ્લાએ જુદું પરિણામ આપ્યું. તેથી ગુજરાતના મતદાર માટે ઉમેદવાર કોણ છે એ વાતનું પણ મહત્ત્વ તો છે. કોંગ્રેસ માટે ખરો પ્રશ્ન એ છે કે બનાસકાંઠામાં ગેનીબેને મેળવ્યો એવો વિશ્વાસ મેળવવા સક્ષમ કેટલા સ્થાનિક આગેવાનો તેણે અન્ય જિલ્લાઓમાં તૈયાર કર્યા છે કે નહીં.

રાજકીય ખબરો જુઓ

02

ગુજરાતના રાજકારણમાં પાટીદાર સમાજની નોંધપાત્ર ભૂમિકા રહી છે અને આવનારા સમયમાં પણ રહેશે. અનામત આંદોલન પછીની 2017ની વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્ર અને કચ્છની 54માંથી 30 બેઠકો કોંગ્રેસે જીતી હતી. પાંચ વર્ષ પછી એ જ વિસ્તારમાં કોંગ્રેસને ત્રણ બેઠકો મળી અને ભાજપે 47 બેઠકો મેળવી લીધી. સુરતનો અનુભવ પણ જોવા જેવો છે. 2021ની મહાનગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી. 2026માં તેને ચાર બેઠકો મળી અને ભાજપ પક્ષ 93થી વધીને 115 બેઠકો પર પહોંચ્યો. આ પરિણામોમાં પાટીદાર બહુમત વિસ્તારોનું વજન છે. છતાં આખા સમાજનો મત કાયમ એક જ પક્ષ સાથે રહેશે એવી ધારણા બાંધવી ભૂલભરેલ કહેવાશે. સુરતમાં વસતા અનેક પાટીદાર પરિવારોનો પોતાના વતન ગામ જિલ્લા સાથેનો સંબંધ આજે પણ જીવંત છે. એક જ ઘરમાં વતનના ખેતરમાં પાણીની અને સુરતમાં હીરાના કામની ચિંતા હોય છે. સમાજના પીઢ આગેવાનો આ બંને વાત જાણતા અને સમજતા હોય છે. તાજેતરમાં જસદણના પાટીદાર સંમેલનમાં આનંદીબેન પટેલની મુખ્યમંત્રીપદેથી વિદાયનો મુદ્દો ફરી ઊઠ્યો. એ જ દિવસોમાં દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે કોળી સમાજમાંથી મુખ્યમંત્રીની માગ મૂકી. બંને પ્રસંગોમાં પોતાનો સમાજ નિર્ણય લેવાની જગ્યાએ હોવો જોઈએ એવી લાગણી દેખાય છે. પક્ષોએ એ લાગણીને સમજવાની સાથે સમાજની અંદર રહેલા જુદા જૂતા વિચારો પણ સાંભળવા પડશે.

આજની યુવા પેઢી એટલે કે Gen-Z વિશે કોઈ એક તારણ બાંધતાં પહેલાં તેમની જીવનશૈલી અને વિચારશરણી તરફ જોવું જોઈએ. સુરતમાં હીરાનું કામ શીખતી યુવતીનો પ્રશ્ન છે કે છ મહિના પછી તેને નિયમિત કામ મળશે કે કેમ. સરકારી ભરતીની તૈયારી કરતા યુવાન માટે પરીક્ષા અને પરિણામ સમયસર આવે તેનું મહત્ત્વ છે. ગામડે વતનમાં ખેતી સંભાળતા તેના મિત્રને પાકના ભાવની ચિંતા છે. ત્રણેય એક જ પેઢીનાં છે. તેમની પસંદગી સમજવા તેમના પોતાના અનુભવો સાંભળવા પડે. ચૂંટણીનાં પરિણામોમાં ઉંમર પ્રમાણે મતની વિગત મળતી નથી. ફોનના સ્ક્રીન પર સૌથી વધુ ચર્ચાયેલી વાત મતપેટીમાં પણ એટલી જ નિર્ણાયક બની હોય એવું માની શકાય નહીં.

KAMALAM-00145

પીઢ આગેવાનો અને યુવાનો સાથે કામ કરે ત્યારે બંનેની ભૂમિકા વધુ સારી રીતે સમજાય. ગામમાં પીવાના પાણીનું કામ અટક્યું હોય તો અગાઉ કોને રજૂઆત કરી હતી અને કયા અધિકારીએ શું જવાબ આપ્યો હતો તે વડીલને યાદ હોય. ગામનો યુવાન પંચાયતનો ઠરાવ વાંચી શકે. કેટલા રૂપિયા મંજૂર થયા અને કામ ક્યારે પૂરું થશે તે પૂછી શકે. આવા કામમાંથી જ આવતી કાલનો સ્થાનિક આગેવાન ઊભો થાય છે. રાજકીય પક્ષો યુવાનોને આવી જવાબદારી કેટલી સોંપે છે અને મતદારોનો વિશ્વાસ મેળવનારને ચૂંટણી લડવાની કેટલી તક આપે છે એ જોવાનું રહેશે.

તો શું ગુજરાતમાં મોટી ઉથલપાથલ થવાની છે? આજનાં સંજોગો એવો કોઈજ સ્પષ્ટ સંકેત આપતાં નથી. ભાજપ પાસે વ્યાપક જનસમર્થન છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે કેટલાક વિસ્તારોમાં મતદારોએ સ્વીકારેલા ચહેરા છે. 2027 પહેલાં ખરી નજર એના પર રહેશે કે આવા આગેવાનોની પહોંચ પોતાના વિસ્તારની બહાર કેટલી વધે છે. ગાંધીનગરમાં કોને કયું પદ મળશે તેની ચર્ચા ચાલશે. મતદાર પાસે પોતાનો હિસાબ છે. મુશ્કેલી વખતે કોણ મળ્યું હતું અને આપેલો શબ્દ કોણે પાળ્યો હતો એ તેને યાદ હોય છે. ગુજરાતમાં મોટો રાજકીય ફેરફાર આવશે તો તેની પહેલી અસર આવા સ્થાનિક કામોમાં દેખાશે.

Leave a Reply

error: Content is protected !!