fbpx

2.80 કિલો સોનું ખરીદવા માટે 1.80 કરોડ આપ્યા, પરંતુ ડિલિવરી મળી જ નહીં, 1ની ધરપકડ

Spread the love

અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદી અને આરોપી બંને સોનાના ધંધા સાથે સંકળાયેલા છે, છતા આરોપીએ 1.80 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની નવરંગપરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસે બે આરોપીઓમાંથી એકની ધરપકડ કરી લીધી છે જ્યારે બીજા આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પોલીસ પાસેથી જાણવા મળેલી વિગત નવરંગપરામાં આર એસ. જડીયા નામથી જ્વેલરીની દુકાન ચલાવતા પ્રિન્સ જડિયાએ નવરંગપરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, અમદાવાદના સીજી રોડ પર વસુધા એલએલપી નામની કંપની આવેલી છે, જે પણ સોનાના ધંધા સાથે સંકળાયેલી છે. આ કંપનીના માલિકો છે કૃણાલ કંસારા અને નીરવ સોની.

પ્રિન્સ જડિયાએ ફરિયાદમાં કહ્યું છે કે, બે મહિના પહેલા વસુધા એલએલપી પાસેથી મેં 2880 ગ્રામ સોનાની ખરીદી કરી હતી અને તે પેટે મેં 1 કરોડ 80 લાખ રૂપિયાની ચૂકવણી કરી દીધી હતી.

પરંતુ વસુધા એલએલપીના માલિકો કૃણાલ કંસારા અને નીરવ સોનીએ એ 2880 ગ્રામ સોનાની ડિલીવરી કરી નહોતી. આજે આપીએ, કાલે આપીએ એમ કરીને બે મહિના કાઢી નાંખ્યા હતા. પ્રિન્સ જડિયાએ આરોપીઓ પાસે પૈસા પાછા માંગ્યા હતા, પરંતુ કૃણાલ અને નિરવે ન તો પૈસા પાછા આપ્યા કે ન તો સોનાની ડિલીવરી કરી. આખરે પ્રિન્સ જડીયાએ પોલીસને ફરિયાદ કરી દીધી હતી.

નવરંગપરા પોલીસે પ્રાથમિક તપાસ કરી તો ગુનો બન્યો હોવાનું સાબિત થયું હતું. પોલીસે કૃણાલ કંસારાની ધરપકડ કરી લીધી છે, પરંતુ નીરવ સોની ફરાર થઇ ગયો છે. પોલીસ તેને શોધી રહી છે.

સોના અને ડાયમંડનો બિઝનેસ મોટા ભાગે વિશ્વાસ પર ચાલે છે અને કોઇ ઝવેરી છેતરપિંડી કરે એવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે, પરંતુ આ ઘટનાને કારણે ઝવેરીઓ ચિંતામાં મુકાઇ ગયા છે.

error: Content is protected !!
%d bloggers like this: