fbpx

અમદાવાદમાં કરા સાથે વરસાદ, ગુજરાતમાં 2 દિવસ આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

Spread the love

ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. અમદાવાદમાં એસજી હાઇવે,ઘુમા, બોપલ, સરખેજ, થલતેજ, ગોતા, સી જી રોડ, નહેરુ નગર જેવા વિસ્તારોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ પડ્યો છે. જ્યારે ભાવનગર અને રાજકોટમાં તો ધોધમાર વરસાદ પડ્યો છે. ભાવનગરમાં  ભારે વરસાદને કારણે અનેક લગ્ન મંડપો વિખેરાઇ ગયા હતા. જામનગરમાં માર્કેટ યાર્ડમાં ગુણીઓ પલળી જતા ખેડુતોએ દોડાદોડ કરી મુકી હતી. ગુજરાતના હવામાન વિભાગે હજુ 2 દિવસ કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

ગુજરાતના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે. સાથે ભારે પવન ફુંકાવવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ પહેલાં ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે, 45 કિમીની ઝડપે પવન ફંકાશે અને ખેડુતોના પાકની ચિંતા ઉભી થશે.

આજે એટલે કે 2જી માર્ચે ગુજરાતના કટેલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. રાજ્યના લગભગ 10 જેટલાં વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું છે. તેમાં પણ અંજારમાં તો લગભગ સવા ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે.

ગુજરાતના હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે મીડિયાને માહિતી આપતા કહ્યું હતું કે, 2 માર્ચ અને 3 માર્ચ હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. સાથે જ ઠંડા પવનો પણ ફુંકાશે. 2 માર્ચે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ઉત્તર ગુજરાતના અરવલ્લી, પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા અને કેન્દ્ર શાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં કમોસમી વરસાદ પડશે. ઉપરાંત સૌરાષ્ટ્રના મોરબી, દ્રારકા, કચછ, પોરબંદર,જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદ પડવાની ધારણા છે.

3 માર્ચે રવિવારે વડોદરા, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમા પણ હળવો વરસાદ પડી શકે છે. રામાશ્રય યાદવે કહ્યુ કે, પવનની ઝડપ 30થી 40 કિ.મી જેટલી રહેશે.

error: Content is protected !!
%d bloggers like this: