fbpx

વડોદરામાં ચાલીના રહીશો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે બન્યા કરોડપતિ

Spread the love

બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. મહત્વની વાત છે કે, અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ કામગીરી માટે જમીન સંપાદનની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લોકોને કરોડપતિ બનાવ્યા હોય તેવું પણ કહી શકાય. કારણ કે, વડોદરામાં 850 જેટલા લોકોને 904.41 કરોડના વળતરની ચુકવણી કરવામાં આવી છે. એટલે કે સરેરાશ એક વ્યક્તિ ને 1.6 કરોડ રૂપિયાનું વળતર આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે મળ્યું છે એટલે કહી શકાય કે 850 જેટલા લોકો બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે કરોડપતિ બન્યા છે.

રિપોર્ટ અનુસાર વડોદરા શહેર અને જિલ્લામાં બુલેટ ટ્રેન સંપાદનની કામગીરી માટે 850 જેટલા લોકોને જમીન સંપાદનની પ્રક્રિયા હેઠળ વળતર આપવામાં આવ્યું હતું. આ વળતર જમીન સંપાદનની પ્રક્રિયા દરમિયાન જમીન, મકાન અને રૂટમાં આવતી દુકાનના માલિક અને આપવામાં આવ્યું છે. 850 લોકોને 904 કરોડ કરતાં વધારે વળતર ચુકવવામાં આવ્યુ છે. તેથી એક વ્યક્તિને સરેરાશ એક કરોડ કરતાં વધારે રકમ વળતર પેટે મળી છે. વડોદરા શહેરની અંદર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત નવાયાર્ડ, નાણાવટી ચાલ, ગોકુલ ભૈયાની ચાલી સહિતના વિસ્તારોમાં જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે. તો જિલ્લાની વાત કરવામાં આવે તો કરજણ, ચાણસદ અને પાદરાની જમીનનું સંપાદન ચાલી રહ્યું છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના PRO દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે 21-2-2020થી વડોદરા શહેર અને જિલ્લામાં 145.65 હેક્ટર જમીનમાંથી કુલ 139.91 હેક્ટર જમીન સંપાદન કરવામાં આવ્યું છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 58.75 કિલોમીટરનો રૂટ બુલેટ ટ્રેનનો શહેરમાંથી અને જિલ્લામાંથી પસાર થશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વડોદરાથી લઈને વાપી સુધીના અલગ અલગ જિલ્લામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાઈસ્પીડ ગતિથી આગળ વધી રહી છે. એવી પણ માહિતી મળી રહી છે કે, વડોદરામાં બુલેટ ટ્રેનના રૂટમાં જે મકાનો અને નડતરરૂપ બાંધકામ આવી રહ્યા છે તેમાંથી 98% બાંધકામનું ડીમોલેશન થઈ ચૂક્યું છે. એવી પણ માહિતી સામે આવી રહી છે કે વડોદરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની બાજુમાં જ બનાવવામાં આવશે.

પ્લેટફોર્મ નંબર 7 પાસે બુલેટ ટ્રેનનું સ્ટેશન બંધ હોવાના કારણે અમદાવાદ સુરતથી મુંબઈ તરફથી આવતા અને વડોદરામાંથી સુરત, અમદાવાદ અને મુંબઈ જતા મુસાફરોને મોટો ફાયદો થઈ શકે છે. તો બીજી તરફ સયાજીગંજ વિસ્તારમાં જે વડોદરાનું બસ ટર્મિનલ આવેલુ છે તેમાં એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે રસ્તો ઓળંગ્યાં વગર જ વોક-વે દ્વારા બસ ટર્મિનલમાંથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 પર ચાલીને પહોંચી શકાય છે. આ ઉપરાંત સિટી બસનુ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 7ની બાજુમાં હોવાથી આ વિસ્તાર પેસેન્જરનું હબ બને તો નવાઈ નહીં.

એવી પણ માહિતી સામે આવી રહી છે કે અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનનું સંચાલન થશે તેમાં કુલ 12 સ્ટેશન બનાવવામાં આવશે અને આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લંબાઈ 508 કિમી રહેશે અને તેની ઓપરેટિંગ સ્પીડ 320 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે એટલે મુંબઈ અને અમદાવાદ વચ્ચે નું અંતર બુલેટ ટ્રેન આવ્યા બાદ 2 કલાક 7 મિનિટનું થઈ જશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 55 લાખ મેટ્રિક ટન સિમેન્ટનો વપરાશ કરવામાં આવશે અને 15 લાખ મેટ્રિક ટન સ્ટીલ પણ વપરાશે.

(આ તમામ આંકડા ફેબ્રુઆરી 2022 સુધીના છે)

error: Content is protected !!
%d bloggers like this: