fbpx

રિંકુ-રાહુલને કેમ ન લીધા, દૂબેને કેમ લીધો, તમામ સવાલોના જવાબ આપ્યા રોહિત-અજીતે

Spread the love

આ વર્ષે યોજાનાર T-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ચૂકી છે. હવે આ મામલે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના મુખ્ય પસંદગીકાર અજીત અગરકર પણ તેમની સાથે હતા.

IPLમાં રોહિત શર્માને સુકાનીપદેથી હટાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ (MI) ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યાને કમાન સોંપી છે. આ અંગે પત્રકાર પરિષદમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેના પર રોહિતે કહ્યું કે, મારા માટે આ કંઈ નવું નથી. હું આ પહેલા પણ ઘણા કેપ્ટનના નેતૃત્વમાં રમ્યો છું.

રોહિતે કહ્યું, ‘હું કેપ્ટન હતો. પછી કેપ્ટન નહોતો અને હવે હું કેપ્ટન છું. આ જીવનનો એક ભાગ છે. બધું તમે વિચારો તે મુજબ નથી થતું. તે એક અદ્ભુત અનુભવ રહ્યો છે. મારા જીવનમાં અગાઉ પણ હું કેપ્ટન ન હતો અને અલગ-અલગ કેપ્ટનના હાથ નીચે રમ્યો હતો. તેની સાથે તેને કોઈ લેવાદેવા નથી. મેં હંમેશા એક ખેલાડી તરીકે જે જરૂરી છે તે કરવાનો પ્રયાસ કર્યો છે અને છેલ્લા એક મહિનામાં મેં તે કરવાનો પ્રયાસ કર્યો છે.’

અજીત અગરકરે કહ્યું, ‘રોહિત એક શાનદાર કેપ્ટન રહ્યો છે. તેમાં કોઈ શંકા નથી કે, 50 ઓવરના વર્લ્ડ કપ અને આ (T20) વર્લ્ડ કપ વચ્ચેના છ મહિના દરમિયાન અમારે કેટલાક નિર્ણયો લેવા પડ્યા હતા. હું જાણું છું કે હાર્દિકે કેટલીક શ્રેણીમાં નેતૃત્વ કર્યું છે. પરંતુ રોહિત શાનદાર રહ્યો છે.’

પ્રેસ કોન્ફરન્સમાં KL રાહુલ વિશે પૂછવામાં આવ્યું કે, શા માટે તેને વર્લ્ડ કપની ટીમમાં જગ્યા નથી મળી. આ અંગે અગરકરે કહ્યું, ‘KL એક શાનદાર ખેલાડી છે. અમે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરનારા ખેલાડીઓ પર વિચાર કરી રહ્યા છીએ. KL ટોપ ઓર્ડરમાં બેટિંગ કરે છે. જ્યારે રિષભ પંત 5માં નંબર પર રમે છે. સંજુ સેમસન પણ નીચે રમવાની ક્ષમતા ધરાવે છે.’

ઓલરાઉન્ડર શિવમ દુબે વિશે રોહિતે કહ્યું, ‘અમારો ટોપ ઓર્ડર સારૂ પ્રદર્શન કરી રહ્યો છે, તે ખરાબ નથી. અમે ઈચ્છીએ છીએ કે કોઈ ખેલાડી વચ્ચેની ઓવરોમાં તે ભૂમિકા ભજવે અને મુક્તપણે રમે. અમે દુબેની પસંદગી IPLમાં તેના પ્રદર્શનના આધારે કરી છે. અમે તેના વિશે વાત કરી અને પસંદગી કરી, પરંતુ પ્લેઇંગ-11માં તેની પસંદગીની ખાતરી નથી.’

IPLમાં ધૂમ મચાવનાર રિંકુ સિંહને ટ્રાવેલિંગ રિઝર્વમાં રાખવામાં આવ્યો છે. તેને 15 સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી. આના પર રોહિતે કહ્યું, ‘મને લાગે છે કે આ તેની (રિંકુ) ભૂલ નથી. તે હવે અમારી સાથે મુસાફરી કરવા જઈ રહ્યો છે. હું જાણું છું કે તે તેમના માટે થોડું મુશ્કેલ છે. મને લાગે છે કે તે ટીમ બેલેન્સના કારણે ચૂકી ગયો. અમે વધારાના સ્પિનરને રમાડવા માગતા હતા. મને ટીમમાં 4 સ્પિનરો જોઈતા હતા. હું અહીં કારણ નહીં કહીશ, હું તમને USAમાં કહીશ.’

IPL દરમિયાન વિરાટ કોહલી હંમેશા તેની સ્ટ્રાઈક રેટને લઈને ટ્રોલ થતો રહ્યો છે. જ્યારે રોહિતને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, ‘અનુભવ ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટને લઈને ક્યારેય કોઈ ચર્ચા થઈ નથી. બહુ વિચારવાનો કોઈ અર્થ નથી.’

બીજી તરફ ટીમમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની પસંદગી અંગે અગરકરે કહ્યું, ‘જ્યાં સુધી તે ફિટ અને ઉપલબ્ધ છે. અમે હંમેશા હાર્દિક પંડ્યાને ટીમમાં ઈચ્છતા હતા, તેના વિશે ક્યારેય કોઈ શંકા નહોતી.’

T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ. જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ.

અનામતઃ શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, અવેશ ખાન.

T20 વર્લ્ડ કપનું ગ્રુપ: ગ્રુપ A-ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, કેનેડા, USA, ગ્રુપ B-ઈંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન, ગ્રુપ C-ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, યુગાન્ડા, પાપુઆ ન્યુ ગિની, ગ્રુપ D-દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ, નેપાળ.

error: Content is protected !!
%d bloggers like this: