ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ તાજેતરમાં બ્લૂમબર્ગને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. આમાં તેણે તેના ઉત્તરાધિકારની યોજનાનો વિગતવાર ખુલાસો કર્યો હતો. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, 62 વર્ષીય ગૌતમ અદાણી 70 વર્ષની વયે નિવૃત્ત થવાનું અને 2030ના દાયકાની શરૂઆતમાં તેમના 213 અબજ ડોલરના બિઝનેસ સામ્રાજ્યની લગામ આગામી પેઢીને સોંપવાનું આયોજન કરી રહ્યા છે. પરંતુ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝે મંગળવારે આ સંબંધમાં મીડિયા રિપોર્ટ્સ અંગે સ્પષ્ટતા બહાર પાડી હતી. કંપનીએ કહ્યું કે ગૌતમ અદાણીના નિવેદનનો ખોટી રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે, તાજેતરના ઇન્ટરવ્યુમાં, ગૌતમ અદાણીએ બિઝનેસની સ્થિરતા સુનિશ્ચિત કરવા ઉત્તરાધિકારના આયોજન અંગેના તેમના મંતવ્યો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તરાધિકાર માત્ર એક ઘટના નથી પરંતુ એક યાત્રા છે અને તે ઓર્ગેનિક, ક્રમિક અને વ્યવસ્થિત હોવી જોઈએ. અદાણીએ આ માટે કોઈ ચોક્કસ તારીખ કે સમયનો ઉલ્લેખ કર્યો નથી. પરિવારના ટ્રસ્ટમાં વારસદારો અને સમાન લાભકારી હિત અંગે પણ અદાણીના નિવેદનને ખોટી રીતે રજુ કરવામાં આવ્યો છે. તેણે જૂથના વ્યવસાયમાં તેના બે પુત્રો અને બે ભત્રીજાઓની સંડોવણીનો ઉલ્લેખ કર્યો હતો.
બ્લૂમબર્ગના અહેવાલમાં જણાવાયું છે કે, અદાણી 70 વર્ષની વયે નિવૃત્ત થવાની યોજના ધરાવે છે અને તેના ચાર વારસદારો પરિવારના ટ્રસ્ટમાં સમાન શેરધારકો હશે. જેમાં અદાણીના બે પુત્રો કરણ અને જીત અદાણી અને બે ભત્રીજા પ્રણવ અને સાગર અદાણીનો સમાવેશ થાય છે. અદાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, તેમના ચાર અનુગામી સારૂ પ્રદર્શન કરશે. તેમણે કહ્યું હતું કે, ‘હું ખુશ છું કે તેઓ બધા વિકાસ માટે ભૂખ્યા છે, જે બીજી પેઢીમાં સામાન્ય રીતે જોવામાં નથી આવતું. વારસો બનાવવા માટે તેઓએ સાથે મળીને કામ કરવું પડશે.’ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સમાં અદાણી 103 બિલિયન ડૉલરની નેટવર્થ સાથે 12મા ક્રમે છે.
અદાણી ગ્રૂપની વેબસાઈટ અનુસાર, ગૌતમ અદાણીના મોટા પુત્ર કરણ અદાણી અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર છે, જ્યારે તેમના નાના પુત્ર જીત અદાણી અદાણી એરપોર્ટ્સના ડિરેક્ટર છે. વેબસાઈટ અનુસાર, પ્રણવ અદાણી અદાણી એન્ટરપ્રાઈઝના ડિરેક્ટર છે અને સાગર અદાણી અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. બ્લૂમબર્ગનો રિપોર્ટ કહે છે કે, પ્રણવ અને કરણ ચેરમેન બનવાના સૌથી મોટા દાવેદાર છે.