કચ્છના સેન્ટ્રલ જીએસટી કમિશ્નર પી આનંદકુમારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયો જુનો હોવાનું કહેવાય છે, પરંતુ વીડિયોમાં કમિશ્નર જે બોલી રહ્યા છે તેને કારણે ચર્ચાનો વિષય બન્યો છે.
વાત એમ હતી કે કેન્દ્રીય બજેટ 2024ની હાઇલાઇટસની ચર્ચા કરવા માટે ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન સાથે કચ્છના સેન્ટ્રલ જીએસટી કમિશ્નર પી આનંદકુમાર સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વેપારીઓ બધા આવી ગયા હતા, પરંતુ કમિશ્નર અડધો કલાક મોડા આવ્યા. એક સિનિયર વેપારીએ કહ્યું કે, સાહેબ આજુબાજુની વાત કર્યા વગર સીધા એજન્ડા પર આવો કારણકે તમે મોડા આવ્યા છો. તો કમિશ્નરે કહ્યું કે, મારા એડિશનલ કમિશ્નર સહિતના અધિકારીઓ પહેલા આવી ગયા હતા અને તેમણે મને કહ્યું હતું કે, માત્ર 3 જ વેપારીઓ આવ્યા છે એટલે અડધો કલાક હું રસ્તામાં જ રોકાઇ ગયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પંજાબ ગયા હતા ત્યારે સભામાં ઓછા લોકો છે એવું ખબર પડી તો પાછા ચાલ્યા ગયા હતા.