fbpx

રેલવેનું એવુ સ્ટેશન, જ્યાં સલામી આપ્યા વિના પસાર નથી થતી એકપણ ટ્રેન

Spread the love

કહેવાય છે કે, ભારતીય રેલવે દેશની જીવન રેખા છે. ભારતીય રેલવે અને તેની સાથે સંકળાયેલી ઘણી વાતો લોકો માટે ચર્ચાનો વિષય બની જાય છે. હાલમાં જ ભોપાલના હબીબગંજ રેલવે સ્ટેશનનું નામ બદલ્યા બાદ હવે ઈંદોરના પાતાલપાની સ્ટેશનનું નામ પણ બદલવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનનું નામ બદલીને ટંટ્યા મામા રેલવે સ્ટેશન કરવામાં આવી રહ્યું છે. પરંતુ, નામ બદલવા કરતા વધુ ચર્ચા આ રેલવે સ્ટેશનની રહસ્યમયી વાતોને લઈને છે. ભારતમાં એવા ઘણા રેલવે સ્પોટ છે, જે વિજ્ઞાનના આ યુગમાં પણ રહસ્યમયી છે. મધ્ય પ્રદેશ સરકારે 4 ડિસેમ્બરે ટંટ્યા મામાના બલિદાન દિવસ પર એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. એવામાં આ સ્ટોરી ત્યારથી શરૂ થાય છે, જ્યારે અંગ્રેજોએ ટંટ્યા ભીલને ફાંસી આપ્યા બાદ તેમના શવને પાતાલપાનીના કાલાકુંડ રેલવે ટ્રેકની પાસે દફનાવી દીધુ હતું. કહેવાય છે કે, ટંટ્યા મામાનું શરીર તો નષ્ટ થઈ ગયુ, પરંતુ તેમની આત્મા અમર થઈ ગઈ.

અંગ્રેજો સામે લડનારા ટંટ્યા ભીલના મંદિરને સલામી આપવા માટે ટ્રેન બે મિનિટ માટે અહીં અટકાવી દેવામાં આવે છે. કહેવાય છે કે, સલામી બાદ જ ટ્રેનમાં સવાર યાત્રી સહી સલામત પોતાની મંઝિલ સુધી પહોંચી શકે છે. અહીં રહેતા લોકોનું માનવુ છે કે, જો ટ્રેન અટકીને સલામી ના આપે તો તે દુર્ઘટનાગ્રસ્ત થઈ જાય છે અને પછી ઊંડી ખાઈમાં પડી જાય છે. ઘણા લોકો તો એ વાતને પણ માને છે કે, જો ટ્રેનને અટકાવવામાં ના આવે તો ટ્રેન જ બંધ થઈ જાય છે. આ વાતને માનતા રેલવેએ પણ તેને અઘોષિત નિયમ માનીને નિયમ બનાવી લીધો છે. હવે જ્યારે પણ અહીંથી કોઈ ટ્રેન પસાર થાય તો તે અટકીને અને ટ્રેનનો હોર્ન વગાડીને જ આગળ વધે છે.

પાતાલપાની અને કાલાકુંડની વચ્ચે અહીં એક મંદિર છે, જે અંગ્રેજોને હંફાવનારા મધ્ય પ્રદેશના ટંટ્યા મામા ભીલનું છે. અંગ્રેજોએ તેમને ફાંસી આપ્યા બાદ તેમના શવને પાતાલપાનીના જંગલોમાં કાલાકુંડ રેલવે ટ્રેકની પાસે દફનાવી દીધુ હતું. સ્થાનિક લોકોનું માનવુ છે કે, ટંટ્યા મામાનું શરીર તો નષ્ટ થઈ ગયુ, પરંતુ તેમની આત્મા હજુ પણ આ જંગલોમાં રહે છે. કહેવાય છે કે, તેમના શવને દફનાવ્યા બાદથી રેલવે દુર્ઘટનાઓ શરૂ થઈ ગઈ હતી. એવામાં સ્થાનિક લોકોએ અહીં ટંટ્યા મામાનું મંદિર બનાવ્યું. જોકે, રેલવે અધિકારી આ સ્ટોરીને ખોટી ગણાવે છે, તેમનું કહેવુ છે કે, અહીંથી કાલાકુંડ સુધી રેલવે ટ્રેક ખૂબ જ ખતરનાક છે, આથી પાતાલપાનીમાં ટ્રેનોને અટકાવીને બ્રેક ચેક કરવામાં આવે છે. જોકે, અહીં મંદિર છે એટલે ત્યાં માથુ નમાવીને આગળ વધીએ છીએ.

કોણ હતા ટંટ્યા મામા ભીલ

ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર, ખંડવા જિલ્લાના પંધાના તાલુકાના બડદામાં 1842ની આસપાસ ભાઉસિંહને ત્યાં ટંટ્યાનો જન્મ થયો હતો. પિતાએ ટંટ્યાને લાઠી તેમજ તીર-કમાન ચલાવાવનું પ્રશિક્ષણ આપ્યું. ટંટ્યાએ ધર્નુવિદ્યામાં પારંગતતા હાંસલ કરવાની સાથે લાઠી ચલાવવામાં પણ મહારત હાંસલ કરી. યુવાવસ્થામાં જ અંગ્રેજોના સહયોગી સાહૂકારોના ત્રાસથી કંટાળીને તેઓ પોતાના સાથીઓ સાથે જંગલમાં કૂદી પડ્યા અને વિદ્રોહ કરવા માંડ્યા. ટંટ્યા એક ગામથી બીજા ગામ ફરતા રહ્યા. તેઓ ધનવાનો પાસેથી માલ લૂંટીને તે ગરીબોમાં વહેંચવા માંડ્યા. લોકોના સુખ-દુઃખમાં સહયોગી બનવા માંડ્યા. આ ઉપરાંત, ગરીબ કન્યાઓના લગ્ન કરાવ્યા, નિર્ધન તેમજ નિઃસહાયોની મદદ કરવાને કારણે ટંટ્યા મામા સૌના પ્રિય બની ગયા. જેને કારણે તેમની પૂજા થવા માંડી.

error: Content is protected !!