દિગ્ગજ ઉદ્યોગપતિ બિલ ગેટ્સ થોડા દિવસો પહેલા ભારતના પ્રવાસે હતા અને અમેરિકા ગયા પછી પોડકાસ્ટમાં તેમણે ભારતને વિશ્વની પ્રયોગશાળા ગણાવી હતી. સોશિયલ મીડિયા પર આ નિવેદન સામે જોરદાર હંગામો મચી ગયો છે.
માઈક્રોસોફ્ટના CEO અને દિગ્ગજ ઉદ્યોગપતિ બિલ ગેટ્સે ભારતને એક એવી પ્રયોગશાળા ગણાવી છે કે, જ્યાં કંઈપણ વસ્તુ અજમાવી શકાય છે. અમેરિકન ઉદ્યોગસાહસિક રીડ હોફમેનના પોડકાસ્ટમાં ગેટ્સે કહ્યું કે, ભારતમાં તમે કંઈપણ વસ્તુનું ટ્રાયલ કરી શકો છો. ગેટ્સ થોડા દિવસો પહેલા જ ભારતની મુલાકાતે હતા અને તેમણે દેશમાં આરોગ્ય, પોષણ અને શિક્ષણના ક્ષેત્રોમાં થયેલા ફેરફારોને લઈને તેની ઘણી પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 20 વર્ષમાં ભારત ઘણું બદલાઈ ગયું છે.
બિલ ગેટ્સે પોડકાસ્ટમાં કહ્યું, ‘ભારત એક એવા દેશનું ઉદાહરણ છે, જ્યાં ઘણી મુશ્કેલ વસ્તુઓ છે. આરોગ્ય, પોષણ, શિક્ષણ, પરંતુ આ બધામાં સુધારો દેખાય છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીંના લોકો વધુ સારું જીવન જીવવા લાગ્યા છે. અહીંની સરકાર પોતાની આવક જાતે ઊભી કરી રહી છે અને લોકોના સારા જીવન માટે ખર્ચ કરી રહી છે. આ એક પ્રકારની પ્રયોગશાળા છે, જો તમે અહીં સફળ થઇ ગયા તો વિશ્વના અન્ય ભાગોમાં જઈને પણ સફળ થઇ જશો. આ જ કારણ છે કે, અમેરિકાની બહાર અમારા ફાઉન્ડેશનની સૌથી મોટી ઓફિસ ભારતમાં જ ખોલવામાં આવી છે.’
બિલ ગેટ્સે ભારતને વાઇબ્રન્ટ દેશ ગણાવ્યો, પછી ભલે તે ગમે તેટલા પડકારોનો સામનો કરી રહ્યો હોય. તેમણે કહ્યું કે, જો તમે ત્યાં જશો, તો તમે જોશો કે તે એક અવ્યવસ્થિત દેશ છે, જ્યાં તમને રસ્તાઓ પર એવા લોકો દેખાશે જેઓ, યોગ્ય જીવન જીવવા માટે પૂરતા પૈસા કમાતા નથી. આમ છતાં તમને અહીં ઉત્સાહ અને હિમ્મત જોવા મળશે.
બિલ ગેટ્સનું આ પોડકાસ્ટ રિલીઝ થયા પછી તેની ઘણી આકરી ટીકા થઈ રહી છે. ટીકાકારો કહે છે કે, ભારતીય ભૂમિને વૈશ્વિક પ્રયોગો માટેનું સ્થળ તરીકે વર્ણવવું યોગ્ય નથી. જો કે કેટલાક લોકોએ ભારતને ઉત્સાહી દેશ ગણાવવા બદલ બિલ ગેટ્સની પ્રશંસા પણ કરી છે. તેમનું કહેવું છે કે, ગેટ્સે ભારતના વિકાસની ગતિની પ્રશંસા કરી છે અને તેથી તેમના ઈરાદાઓ પર ધ્યાન આપવું જોઈએ, નહીં કે શબ્દો પર.
ટ્વિટર પર એક યુઝરે પોસ્ટ કર્યું, ‘ભારત એક પુસ્તકાલય છે અને આપણે બધા ભારતીયો બિલ ગેટ્સ માટે ગિનિ પિગ છીએ. આ વ્યક્તિએ સરકાર, મીડિયા અને વિપક્ષને માટે એક જ વિચાર બનાવી લીધો છે. તેમની કોર્પોરેટ ઓફિસ અહીં FCRA વિના ખોલવામાં આવી છે અને અમારી શિક્ષણ પ્રણાલી તેમને હીરો માને છે. અન્ય એક યુઝરે લખ્યું, હકીકતમાં તમે અમને કહેવા શું માંગો છો, ગિનિ પિગ. છેવટે, આ કોના માટે છે, શું આ કોઈ નવી દવા વિશે, નવી રસી વિશે કે પછી વિકાસ વિશે છે? તમે દેશના એક નાના ખૂણે લોકોને જોયા અને સમગ્ર ભારતીયો વિશે એક અભિપ્રાય બનાવી લીધો.’