

જન સૂરજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે દિલ્હી ચૂંટણીમાં AAPની હાર પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે કથિત દારૂ કૌભાંડ કેસમાં જામીન મળ્યા પછી રાજીનામું આપવું એ અરવિંદ કેજરીવાલની એક મોટી વ્યૂહાત્મક ભૂલ હતી, જેના કારણે તેમની પાર્ટીને પરિણામ ભોગવવું પડ્યું.


મીડિયા સૂત્ર સાથે વાત કરતા, પ્રશાંત કિશોરે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં રાજકીય વલણમાં સતત ફેરફાર પણ તેમના નબળા પ્રદર્શનનું એક મુખ્ય કારણ હતું. જેમ કે પહેલા ‘INDIA’ બ્લોકમાં જોડાવું. અને પછી દિલ્હીની ચૂંટણી એકલા લડવાનો નિર્ણય લીધો. તેમણે વધુમાં કહ્યું કે, ‘AAPની હારનું સૌથી મોટું કારણ 10 વર્ષનો સત્તા વિરોધી માહોલ હતો. જ્યારે AAPની બીજી અને કદાચ સૌથી મોટી ભૂલ કેજરીવાલનું રાજીનામું હતું. કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ પછી તરત જ તેમણે રાજીનામું આપી દેવું જોઈતું હતું. પરંતુ જામીન મળ્યા પછી રાજીનામું આપવું અને ચૂંટણી પહેલા બીજા કોઈને CM બનાવવું એ એક મોટી વ્યૂહાત્મક ભૂલ સાબિત થઈ.’

પ્રશાંત કિશોરે આ હાર માટે AAP સરકારની વહીવટી નિષ્ફળતાઓને પણ જવાબદાર ઠેરવી હતી. તેમના મતે, ગયા વર્ષે વરસાદ દરમિયાન ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેનાથી કેજરીવાલ સરકારની કાર્યશૈલી પર પ્રશ્નાર્થ ઊભો થયો હતો અને આ તેમના માટે હાનિકારક સાબિત થયું.
પ્રશાંત કિશોરના મતે, કદાચ આ હાર અરવિંદ કેજરીવાલ માટે દિલ્હી સિવાય અન્ય રાજ્યોમાં પોતાની પાર્ટીનો વિસ્તાર કરવાની તક પણ બની શકે છે. તેમણે કહ્યું કે, આ પરિસ્થિતિના બે પાસાં છે. દિલ્હીમાં AAP માટે રાજકીય પ્રભુત્વ પાછું મેળવવું અત્યંત મુશ્કેલ બનતું લાગે છે. પરંતુ અરવિંદ કેજરીવાલ હવે શાસનની જવાબદારીઓથી મુક્ત થઇ ગયા છે. તેઓ આ સમયનો લાભ લઈને ગુજરાત જેવા રાજ્યોમાં પોતાની પાર્ટીને મજબૂત બનાવી શકે છે, જ્યાં AAPએ છેલ્લી ચૂંટણીમાં સારું પ્રદર્શન કર્યું હતું.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં 70માંથી 48 બેઠકો જીતીને BJP 27 વર્ષ પછી સત્તામાં પાછી ફરી છે. જ્યારે, AAP, જેણે 2020માં 62 બેઠકો અને 2015માં 67 બેઠકો જીતી હતી, તેની બેઠકો ઘટીને 22 થઈ ગઈ. જ્યારે કોંગ્રેસ સતત ત્રીજી વખત ખાતું ખોલવામાં નિષ્ફળ રહી.


