‘કંટાળી ગયો છું હું, બધી ફાઇલો ફેંકી દઈશ…’ ચાલુ કોર્ટમાં જજ વકીલો પર ગુસ્સે થયા

Spread the love
'કંટાળી ગયો છું હું, બધી ફાઇલો ફેંકી દઈશ...' ચાલુ કોર્ટમાં જજ વકીલો પર ગુસ્સે થયા

28 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ અભય S. ઓકાએ કોર્ટની સુનાવણી દરમિયાન ત્યારે ગુસ્સો ગુમાવ્યો જ્યારે ઘણા વકીલો એક સાથે બોલવા લાગ્યા અને પોતાની દલીલો રજૂ કરવા લાગ્યા. આને ધ્યાનમાં રાખીને, જસ્ટિસ ઓકાએ વકીલોને શાંત રહેવા અને એક પછી એક પોતાની દલીલો રજૂ કરવા કહ્યું, પરંતુ વકીલોએ આના પર પણ તેમનું માન ન રાખ્યું. આ જોઈને જસ્ટિસ ઓકા વકીલો પર ગુસ્સે થયા અને કહ્યું કે, તેઓ આવી અનુશાસનહીનતા જોઈ જોઈને કંટાળી ગયા છે.

જસ્ટિસ ઓકાએ કહ્યું, ‘અમે દરરોજ આવી અનુશાસનહીનતા જોઈએ છીએ… અને જ્યારે અમે વકીલોને પૂછીએ છીએ કે, તેઓ કોના વતી હાજર થઈ રહ્યા છે, ત્યારે તેમની પાસેથી કોઈ જવાબ મળતો નથી.’ ત્યારપછી જસ્ટિસ ઓકાએ મૌખિક ટિપ્પણી કરી કે, જો આ જ પ્રમાણે ચાલુ રહ્યું તો હું બધી ફાઇલો ફેંકી દઈશ. તેમણે કહ્યું કે, ‘કોર્ટરૂમમાં એક નિયમ લાગુ કરવો જોઈએ કે, જો વકીલો એક જ સમયે દલીલો કરતા રહેશે, તો અમે તેમની ફાઇલો ફેંકી દઈશું.’

Supreme Court

દરમિયાન, સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોર્ટને જણાવ્યું હતું કે, આ હંગામામાં ઘણા દખલ કરનારા લોકો સામેલ હતા અને આ મામલો કોર્ટમાંથી બહાર કાઢી નાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ બિલકુલ સાચું છે. અહીં આ આખો મામલો બંધ કરવાની તેમની રણનીતિનો એક ભાગ છે. જેમના કેસ લિસ્ટેડ છે, તેઓ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી શકતા નથી અને જે લોકો કેસ સાથે જોડાયેલા નથી તેઓ એની અંદર દખલ કરી રહ્યા છે. આ રીતે દખલગીરી કરનારા લોકો ચિત્રમાં આવી રહ્યા છે.

આના પર બીજા વકીલે કહ્યું કે હા, દખલ કરનારા લોકોને આ રીતે સફળતા મળી રહી છે. આના પર જસ્ટિસ ઓકાએ ફરીથી કહ્યું, ‘આપણે દરરોજ આ અનુશાસનહીનતા જોઈએ છીએ.’ મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, જસ્ટિસ ઓકાએ એમ પણ કહ્યું કે, આવી અનુશાસનહીનતા આપણને ફક્ત સુપ્રીમ કોર્ટમાં જ દેખાય છે. તેમણે કહ્યું, ‘મેં બોમ્બે હાઈકોર્ટ, કર્ણાટક હાઈકોર્ટમાં પણ સેવા આપી છે, પરંતુ ત્યાં ક્યારેય આવી શિસ્તભંગ થતા મેં જોઈ નથી.’

Justice Abhay Oka

જસ્ટિસ ઓકાએ કહ્યું, જો આવું જ ચાલતું રહેશે, તો અમને પણ આવા કેસોનો સામનો કેવી રીતે કરવો તે આવડે છે. જો વકીલો અમારી કોર્ટમાં હોબાળો કરશે, તો અમે તેમની ફાઇલો ફેંકી દઈશું. અહીં તમને જણાવી દઈએ કે, જસ્ટિસ ઓકાને 29 ઓગસ્ટ, 2003ના રોજ બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે બઢતી આપવામાં આવી હતી. ત્યારપછી તેમને 12 નવેમ્બર 2005થી કાયમી ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. લગભગ 14 વર્ષ પછી, તેમણે 10 મે 2019ના રોજ કર્ણાટક હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા અને 31 ઓગસ્ટ 2021ના રોજ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા. તેઓ આ વર્ષે મે મહિનામાં નિવૃત્ત થઈ રહ્યા છે.

error: Content is protected !!